મુખ્બિરે ઈસ્લામ : જેવો આહાર તેવો ઓડકાર, જેવી નિયત તેવી બરકત: નેક માર્ગે કમાયેલી દૌલત ઈબાદતનો જ એક ભાગ | મુંબઈ સમાચાર

મુખ્બિરે ઈસ્લામ : જેવો આહાર તેવો ઓડકાર, જેવી નિયત તેવી બરકત: નેક માર્ગે કમાયેલી દૌલત ઈબાદતનો જ એક ભાગ

  • અનવર વલિયાણી

દીને ઈસ્લામના જે પાયાના નિયમો છે તેમાંનું એક બુનિયાદી સિદ્ધાંત ઈમાનદારી અર્થાત્ સચ્ચાઈ; સત્ય માર્ગ છે.

  • નેકી; પ્રમાણિકતાથી મેળવેલી; રાઈના દાણા જેટલી
    પણ વસ્તુ ઈબાદત, અલ્લાહ-ઈશ્ર્વરની સ્તૂતિને પાત્ર લેખવામાં આવી છે.
  • ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે કે,
  • ‘જેવો આહાર, તેવો ઓડકાર!’ અને
  • ‘જેવી નિયત (આચરણ, વ્યવહાર, સોચ-સમજ) તેવી બરકત:
  • દીને ઈસ્લામ ઈલાહી, ઈશ્ર્વર: અલ્લાહનો ધર્મ તરીકે જીવમાત્રની ભલાઈ અર્થે આવેલો મહાન મઝહબોમાંનો એક છે.
  • ઈસ્લામ તેની ઉમ્મત, પ્રજા; અનુયાયીને ધર્મના ધ્વજને લહેરાતો રાખવા ઈલ્મ, બોધ- જ્ઞાન થકી જીવન ઉત્તમોત્મ બનાવવા નેક, પ્રમાણિક નસીહત- શિખામણ- સલાહની હિદાયત; ધર્મની સાચી સમજ આપે છે.
  • ઉમ્મતની ઈબાદત, નમાઝ, રોજા, ઝકાત, હજ- ધાર્મિક યાત્રા વગેરે તેની નિયત મુજબ શક્ય બને છે અને કબૂલ થાય છે.
  • એક વખત હઝરત મુહંમ્મદ (સલ.) પાસેથી એક શખસ પસાર થયો. આપ હુઝૂરે અનવર (સલ.) પાસે બેઠેલા એક સહાબી (સાથી)એ અરજ કરી કરે, ‘યા અલ્લાહના રસૂલ! આ માણસની મહેનત અલ્લાહના માર્ગમાં હોત તો કેટલું સારું થાત!’ આપ હુઝૂરે અનવર (સલ.) ફરમાવ્યું કે- ‘જો એ ઈન્સાન પોતાનાં નાનાં નાનાં સંતાનોમાં પાલણપોષણ માટે દોડી રહ્યો છે, તો તેની દોડ અલ્લાહના માર્ગમાં જ લેખાશે; પરંતુ જો તે પોતાની જાત માટે દોડી રહ્યો છે અને તેનો ઈરાદો એવો હોય કે લોકો સમક્ષ હાથ ફેલાવવો ના પડે, તો તેની એ દોડ પણ પરવરદિગારે આલમના માર્ગમાં જ ગણાશે, પરંતુ જો તેની દોડાદોડ (પ્રયત્નો) એવા હેતુથી થાય કે લોકો સમક્ષ પોતાની મોટાઈ બતાવે અને માલદારી (શ્રીમંતાઈ)નું પ્રદર્શન કરે, તો તેની આ બધી જ મહેનત સેતાનના માર્ગમાં જ ગણાશે.’

મજકુર હદીસ શરીફની હિદાયતમાં નિયમ જોવામાં આવશે તેનો ઉલ્લેખ છે.

આ હદીસ (હૂઝૂરે અનવર- સલ.ના કપનો)નો સ્પષ્ટ અર્થ એવો નથી કે માણસે વધારે ધન નહીં કમાવું જોઈએ. માલોદૌલત જરૂર કમાવ અને તેનો ખર્ચ કરો, ત્યારે અલ્લાહના માર્ગનો વિચાર પણ કરો. રબની રાહ એટલે ફકીરો- મહોતાજોને જ આપો એવું નથી, પરંતુ તમારાં બાળકો, માતા-પિતા, પત્ની પરિવાર માટે અથવા તમારે કોઈની પાસે હાથ લંબાવવો ના પડે, તમારી જરૂરિયાતોને તમે પહોંચી વળો, તે કારણે વધારે મહેનત કરતા હોવ, તો એ અલ્લાહના માર્ગની જ દોડાદોડ (કોશીશો) લેખાશે. નેક માર્ગે કમાયેલી દૌલત અને પરિશ્રમ ઈબાદતનો જ એક ભાગ છે.

મહાન સૂફી હઝરત સૂફિયાન સૌરી (રદ્યિતઆલા અન્હો)નું એક કથન છે કે, ‘નબુવ્વત અને ખિલાફત કાળમાં ધનસંપત્તિને અપ્રિય ગણવામાં આવતી હતી, પરંતુ હવે આપણા જમાનામાં માલ-દૌલત તો મોમીનની ઢાલ છે. આપ ફરમાવો છો કે- ‘આપણી પાસે દિરહમ અને દિનાર (નાણાં) ના હોત, તો બાદશાહો- શેહનશાહો આપણને તેમના રૂમાલ (મોઢું લુછવા) બનાવી દેત.’ પરંતુ સમયે કરવટ (પડખું) બદલ્યું છે. આજે તો એવો જમાનો આવ્યો છે, કે જો કોઈ શખસ જરૂરતમંદ હશે અથવા કોઈ વ્યક્તિ પોતાના લાભાલાભ માટે ધર્મને વેચી મારવા સુધ્ધાં સહેજે ખચકાશે નહીં.

‘મિશ્કાત’માં હઝરત સૂફિયાન આગળ પણ ફરમાવે છે કે- ‘હલાલ (ઈમાનદારીપૂર્વક)ની કમાણીમાં નકામો વ્યય થતો જ નથી.’ ટૂંકમાં સારાંશ એ નીકળે છે, કે જાઈઝ (હક્ક)નાં સાધનોથી ધનસંપત્તિ મેળવો તથા ઘરખર્ચ અને બીજાં સારાં કામોમાં વાપરીને સૃષ્ટિના સર્જનહારને રાજી કરો. ઈસ્લામ ધર્મમાં જેટલી પણ ઈબાદતો છે, બધાનો આધાર નિય્યત, દાનત પર આધાર રાખે છે.

  • નેક આશયથી કરવામાં આવતા નાના- મોટા દરેક કાર્ય અલ્લાહના દરબારમાં સ્વીકાર્ય બને છે.
  • પ્રમાણિક કાર્યના મીઠાં ફળ આ દુનિયામાં તો મળવા પામે જ છે, પરંતુ આખેરત (મૃત્યુલોક)માં પણ મળવા પામતા હોય છે.
  • નિખાલસ ઈબાદત
  • ધંધારોજગારમાં બરકત.
  • કુદરતી આફતો સામે ઢાલ, જેવા ન ધારેલા, ન કલ્પેલા, વિચારેલાં કાર્યોમાં બરકત આપનારા બની રહે છે.

બોધ:

  • સામાન્ય રીતે મોટા ભાગના મુસલમાનોએ પોતાની સમજમાં માત્ર
  • નમાઝ,
  • રોજા,
  • હજ અને કેટલાંક કામોને ઈબાદત ગણી છે અને અફશોસ સાથે નોંધવું પડે છે કે ઈબાદતનો અર્થ એને જ ગણે છે.
  • ખરી રીતે જીવનનું દરેક કામ અલ્લાહના અહેકામ, આદેશોને અનુસરીને હોય, તો તે ‘ઈબાદત’ છે.
  • યાદ રાખવું જોઈએ કે દરેક માણસનું કામ કોઈને
    કોઈના કહેવાથી હોય છે, મતભેદ માત્ર માઅબૂદ (ઈબાદતની પાત્રતા) છે.
  • કોઈનો માઅબૂદ ઈન્સાન છે,
  • કોઈનો માઅબૂદ ખાહિશાત (મનેચ્છા) છે તો
  • કોઈનો માઅબૂદ ખુદા છે, અલ્લાહ છે, રબ છે.
  • હવે તમે વિચારો કે હું કોની ઈતાઅત, તાબેદારી કરી
    રહ્યો છું…?
  • મારો માઅબૂદ કોણ છે?
  • જો આપણે આપણી કસોટી કરીશું તો હકીકત સમજાઈ જશે કે આપણે આપણી જાત ઉપર અલ્લાહ કરતાં વધારે સર્વોપરી બીજાને ગણીએ છીએ, માની લીધેલા હાકેમ- લીડર- ચૌધરીને ખુશ રાખવા દરેક જાએઝ-નાજાએઝ, સત્ય- અસત્ય કામ કરતા કરીએ છીએ.

સાપ્તાહિક સંદેશ:

  • અલ્લાહ ઉપર ઈમાન, આસ્થા રાખવાથી શિર્ક, અલ્લાહની જાત સાથે કોઈની સરખામણી કરવાના વિચારો, ખોટી મોહબ્બત, પ્રેમ વગેરેથી નજાત, છુટકારો મળે છે.
  • નમાઝ કે જે બુઝુર્ગી, માનવંત, આદર પ્રાપ્તતાનું મૂળ છે, ખુદા તરફની મદદ છે જે ઈન્સાનને તકબ્બુર, ઘમંડ, અહંકાર- અભિમાનથી બચાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button