
અલ્લાહની રહેમત – કૃપા – ઈશ્વરીયદેણગી સમાન ધન-દૌલત, માલોમિલકત જ્યારે અભિશાપ બને ત્યારે આત્મસંશોધન કરવાની જરૂર રહે છે.
- દિવસમાં ફરજરૂપ પાંચ વકતની નમાઝ,
- કુરાન પાકનું નિયમિત વાંચન,
- રમજાન માસના રોઝા,
- હજ-ઝિયારત (ધાર્મિક યાત્રા) વગેરે બજાવી લાવ્યા
છતાં નેઅમતરૂપ દૌલત અભિશાપ બની જાય ત્યારે જરૂર
સમજવું રહ્યું કે ક્યાંક બહુ મોટી ચૂક થઈ છે. જરૂર થાપ
ખાધી છે. - પયગંબર હઝરત મહંમ્મદ સાહેબ ઉપર નાઝીલ થયેલ આકાશવાણી દ્વારા ઊતરેલ કુરાન કરીમમાં જગતકર્તા કહે છે કે – ‘અમે તમને આ પાંચ બાબતોથી અજમાવીશું.’
‘1 – અસહ્ય કષ્ટ – મુસીબતમાં નાખીને
‘2 – તમારા માલમાં નુકસાન પહોંચાડીને
‘3 – અધોગતિની ઊંડી ખાઈમાં નાખીને
‘4 – બીમારીમાં નાખીને અને
‘5 – તમારી આલ – ઔલાદ છીનવી લઈને….’
- એક અન્ય આયત (શ્ર્લોક – કથન)માં રબતઆલા તેની ઉમ્મત (પ્રજા, અનુયાયીઓ)ને ફરમાવે છે કે –
- ‘અય ઈમાનવાળા (શ્રદ્ધાળુ)ઓ!
- સબ્ર અને નમાઝથી મદદ ચાહો,
- બેશક: અલ્લાહ સબ્ર (ધીરજ ધરવાવાળા) કરવાળાઓની સાથે છે….!’
- ઈસ્લામ હંમેશાં તેની ઉમ્મત (પ્રજા, અનુયાયીઓ)ને ખુશહાલીમાં જોવા ઈચ્છે છે અને આવી ખુશહાલી માટે મોમિન જાઈઝ (સચ્ચાઈ) તરીકાથી, પોતાની કુનેહ, આવડત, બુદ્ધિ, હુન્નર અને પરિશ્રમ દ્વારા રોજી રળે અને તેનો ઉપયોગ ‘જાઈઝ સુખ’ ભોગવવા માટે કરે તો તે પરત્વે દીને ઈસ્લામે કદીય મનાઈ ફરમાવી નથી.
- પણ ઈન્સાન દૌલતની પાછળ દીવાનો બને અને તેના ‘નશા’માં ચૂર થઈને શરૂઆતના નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે તેની દૌલત તેને અધોગતિની ઊંડી ખાઈમાં પટકી નાખે છે અને ત્યારે તેને ન તો સાચાખોટાની ખબર-પરખ વર્તાય છે અને ન તો તે હલાલ – હરામ વચ્ચેના તફાવત સમજી શકે છે, ન તો ભેદને પારખી શકવા શક્તિમાન હોય છે.
ઈસ્લામના મહાજ્ઞાનિઓ, વિદ્વાનો અર્થાત બુઝુર્ગાને દીન-ધર્મના જાણકાર આલિમો પણ ફરમાવે છે કે –
- ‘જાઈઝ તરીકા’ (સત્યના માર્ગ)થી દૌલત કમાવો અને તેનો ઉપયોગ ‘જાઈઝ સુખાકારી (માન્ય, સચ્ચાઈ)ના રસ્તે જ હાસલ કરો.
- તમારી માલો – દૌલતમાં દીન-પ્રતિદિન બરકત (વૃદ્ધિ) મેળવવા ઈચ્છતા હો તો તમારી દૌલતનો કેટલોક હિસ્સો અલ્લાહની રાહમાં ખર્ચતા રહો, તો તમારી દૌલત હંમેશાં તમારી પાસે સચવાયેલી રહેશે અને તેમાં નેકમાર્ગની દૌલત ભળતી રહેશે, તેનું રક્ષણ ગયબથી થતું રહેશે, અને અલ્લાહના માર્ગમાં ખર્ચેલ દૌલતમાં બરકત (વૃદ્ધિ)ના સ્વરૂપમાં પણ મેળવી શકશો’
વાચક બિરાદરો! - માનવમાત્રને દૌલત પ્રત્યે હંમેશાં – સર્જન થયું ત્યારથી એક અનરું આકર્ષણ રહ્યું છે અને દૌલત પણ ઈન્સાનને મળેલી એક એવી ને’મત અર્થાત ઈશ્ર્વરની દેણગી છે, એક એવું વરદાન છે, જેના દ્વારા ઈન્સાન પોતાની ઝિન્દગીને સંવારી શકે છે. પોતાના કુટુંબ પરિવાર, સમાજ કે કોમ – ફીરકા – જમાતની ભલાઈ માટે ઉન્નતિ અને ઉત્કર્ષનાં કાર્યો આ ને’મત દ્વારા સારી રીતે અંજામ આપી શકે છે. તે પોતાની દૌલતનો અમુક હિસ્સો ઝકાત – ખેરાત – લોકોને પગભર કરવામાં – સ્વાવલંબી બનાવી તેઓ પણ કોઈને મદદરૂપ બની શકે તેવી સ્થિતિ ઊભી કરવામાં સહાયરૂપ નીવડી શકે છે.
- આવા નેક કાર્ય કરવામાં જે લિજ્જત – ભરી જિન્દગી અને તેની ખુશીનો અહેસાસ (અનુભૂતિ) થાય છે તે અનન્ય – અદ્ભૂત બની રહેવા પામે છે.
- એક ગરીબ વ્યક્તિને દૌલતની અપેક્ષા રહે તે સ્વાભાવિક વાસ્તવિક્તા છે. પણ આજનો એક માલદાર દૌલતમંદ કે જેને ખાતા ખૂટે નહીં, સુખ સાહ્યબીની તમામ ચીજો-સવલતો મૌજૂદ હોવા છતાં તે વ્યક્તિ વધુને વધુ દૌલત કમાવવા અને એકત્ર કરવામાં સદાય મશરૂક (રોકાયેલો) રહેતો જોવા મળે છે, તે કયામતની નિશાનીઓમાંની એક છે.
બોધ
- ઝિન્દગીનો કોઈ ભરોસો ન હોવા છતાં,
- મળેલી દૌલતનો ઉપયોગ પોતે કરી શકશે કે નહીં તેની કોઈ જ ગેરેન્ટી ન હોવા છતાં
- આજનો આદમી દૌલત અને બસ દૌલત પાછળ અંધ બની દોટ મૂકી રહ્યો છે,
- યેનકેન પ્રકારે ‘કાળાધંધા’, ‘ગોરખ ધંધા’, ‘જૂઠ’, ‘મક્કારી’નો આસરો લઈને, કોઈનો ‘હક-અધિકાર’ મારીને, કોઈનો ‘ગેરલાભ’ ઉઠાવીને જે માલો-મિલકત એકત્ર કરે છે તે એકને એક દિવસ તેના માટે ‘વરદાન’ મટીને ‘અભિશાપ’ બનવાના દાખલા આજે સામાન્ય થઈ પડ્યા છે, જોવા મળી રહ્યા છે.
- આ પ્રકારની દૌલતના આગમનથી
- નેકીઓ અદ્રશ્ય થાય છે.
ઈસ્લામ દૌલતનો વિરોધી નથી, પણ દૌલત એવી હોવી જોઈએ અથવા તો દૌલત એ રીતે મેળવેલી હોવી જોઈએ કે જે ઈન્સાનને અલ્લાહથી, ઈન્સાનિયતના મૂળભૂત સિદ્ધાંત-નિયમથી ગાફિલ (ભટકાવી – ભૂલાવી) દે તેવી હોવી ન જોઈએ. - રબ અને તેના ધર્મોપદેશ, આદેશ, બોધ-જ્ઞાન, હિદાયતને અવગણીને
- હરામ – હલાલ વચ્ચેની ભેદરેખાને મિટાવી દઈ, જુઠી કસમ, મક્કારી, નાજાઈઝ તેમજ જે માલને ઈસ્લામ એકઠી કરવાની મનાઈ ફરમાવે છે તેવી હોવી જોઈએ નહીં. આવી માલોદૌલતને ઈસ્લામ ગુનો લેખે છે.
- માલ પાછળ દોટ મૂકવી આજના સમયની એક નવી બલા (આફત) જે જુદા જુદા સ્વરૂપે ‘ઘર’ કરતી જઈ રહી છે.
- તેવો પૈસો એકત્ર કરવામાં આવે એ અલ્લાહની કૃપા નથી, બલકે તે એક નોતરેલી બીમારી બની જાય છે અને આ બીમારીમાં જે સપડાય છે અને એક વખત તેના ચક્રવ્યૂમાં ફસાય જાય છે તે ઈન્સાન શાંતિ – શુકુન – સંતોષથી વંચિત થઈ જાય છે. ખુશી ખોઈને સંકટોમાં સપડાય જાય છે.
સ્મૃતિના સથવારે
એક વખત ઈમામે આઝમ અબુહનિફા રદ્દી અલ્લાહોતઆલા અન્હો (આપના પર અલ્લાહની સલામતી રહે) નમાઝે જનાઝા (દફન સમયે પઢવામાં આવતી નમાઝ) અદા કરવા તશરીફ લઈ ગયા.
કબ્રસ્તાનમાં જે જગ્યાએ દફનક્રિયા કરવામાં આવનાર હતી તે એકદમ વેરાન હતી, ત્યાં કોઈ છાંયો હતો નહીં, ફક્ત એક વ્યક્તિનું મકાન હતું અને ત્યાં જ ફક્ત તપતપતા તડકાથી બચવાની જગ્યા હતી.
સખત તડકાના તાપથી બચવા આપની સાથેના લોકોએ અરજ કરી કે, હુઝુર! આપ આ મકાનના છાંયામાં આવો તો તડકો નહીં પડે….!
આપે ફરમાવ્યું કે, ‘આ મકાનનો માલિક મારો કરજદાર છે. અગર હું આ મકાનની દીવાલથી કાંઈ નફો હાસલ કરું તો હું ડરું છું કે ક્યાંક મારી ગણતરી વ્યાજ ખાવાવાળાઓમાં થઈ જાય નહીં કારણ કે બંને જહાંના સરકાર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલૈયહિ વઆલેહિસલ્લમે) ફરમાવ્યું છે કે, જે કરજથી કંઈ નફો લેવામાં આવે તે વ્યાજ છે.’
આથી આપ હઝરતે સખત તડકામાં ઊભા રહેવાનું મુનાસીબ (યોગ્ય) માન્યું.
સાપ્તાહિક સંદેશ:
અલ્લાહને અને મૌતને હર પળે યાદ રાખો. આ બંને વાતોને સ્મરણમાં રાખશો તો માર્ગથી ભટકવાનો સમય ક્યારે પણ આવશે નહીં.
- હુઝૂરે અનવર (સલ.)