મેલ મેટર્સઃ પુરુષના આરોગ્ય પર અદૃશ્ય આક્રમણ એટલે ઓછી ઊંઘ

અંકિત દેસાઈ
આધુનિક જીવનની ઝડપી દોડમાં ઊંઘને અવગણવું એ એક સામાન્ય ભૂલ બની ગઈ છે. નવરાત્રિ જેવા તહેવારોમાં રાત્રે જાગવું એ ધાર્મિક ઉત્સાહનું પ્રતીક છે, પરંતુ આ નવ દિવસ બાદ આવતા 355 દિવસોમાં ઓછી ઊંઘની આદત પુરુષના આરોગ્યને ધીમે ધીમે કામ કરીને નષ્ટ કરી નાખે છે.
વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે પુરુષોમાં ઊંઘની કમીની અસરો વિશેષ રીતે તીવ્ર અને ઘાતક હોય છે, કારણ કે એમનું શારીરિક અને માનસિક માળખું હોર્મોનલ વ્યવસ્થા પર વધુ આધારિત હોય છે. દરરોજ સાત કલાક કરતાં ઓછી ઊંઘ લેતા અમેરિકન પુરુષોના 29 ટકા વધુ પરિણામોમાં હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી વિકૃતિઓ જોવા મળે છે. આ લેખમાં આપણે ઓછી ઊંઘના આ કુદરતી વિષના પુરુષ-કેન્દ્રિત પરિણામોની વિશેષ વાત કરીશું, જેથી આપણે તેની સામે લડવાની તૈયારી કરી શકીએ.
ઓછી ઊંઘનું સૌથી પ્રથમ શિકાર પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય બને છે. નિયમિત ઊંઘના અભાવને કારણે મગજમાં ‘એમાયગ્ડાલા’ નામનો ભાગ વધુ સક્રિય થઈ જાય છે, જે ભય અને આતંકની લાગણીને તીવ્ર કરે છે. પરિણામે, પુરુષોમાં ડિપ્રેશન અને એન્જાયટીના જોખમમાં 40 ટકા વધારો થાય છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે પુરુષ રાત્રે પાંચ કલાક કરતાં ઓછી ઊંઘ લે છે એમનામાં ભાવનાત્મક અસ્થિરતા વધે છે, જે એમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને અસર કરે છે. આ સિવાય, ઓછી ઊંઘ વ્યસનોના પ્રત્યેની ઝોકને પણ વધારે છે.
પુરુષોમાં આલ્કોહોલ અને ડ્રગ્સની આસક્તિનું જોખમ બમણું થઈ જાય છે, કારણ કે ઊઘની અભાવ તણાવ-નિવારક વ્યવસ્થાને નબળી પાડે છે. આવી માનસિક અસર લાંબા ગાળે પુરુષોને વધુ અલગત્વ અને આત્મહત્યાના વિચારો તરફ દોરી જાય છે, જે વિશ્વભરમાં પુરુષોમાં મૃત્યુદરનું મુખ્ય કારણ બની રહ્યું છે.
શારીરિક સ્તરે, ઓછી ઊંઘ પુરુષોના હોર્મોનલ સંતુલનને બગાડે છે, જે એમની મુખ્ય શક્તિનું સ્રોત છે. ટેસ્ટોસ્ટેરોન, જે પુરુષોની શારીરિક બળ, લિબિડો અને સ્નાયુ વિકાસ માટે જવાબદાર હોય છે, તે ઊંઘ દરમિયાન જ મુખ્યત્વે ઉત્પન્ન થાય છે. એક અભ્યાસમાં દર્શાવાયું કે એક અઠવાડિયાની ઓછી ઊંઘ પછી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 15 ટકા ઘટી જાય છે, જે એમની ઉંમર વધારવા જેવું છે.
આના પરિણામે, ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું જોખમ વધે છે, જે 40 વર્ષથી ઉપરના પુરુષોમાં 30 ટકા કેસમાં જોવા મળે છે. ઉપરાંત, ઓછી ઊંઘ કોર્ટિસોલ હોર્મોનને વધારે છે, જે તણાવનું કારણ બને છે અને પેટની આસપાસની ચરબી વધારે છે.
પુરુષમાં આ વિશેષ રીતે જોવા મળે છે, કારણ કે એમનું મેટાબોલિઝમ વધુ ઝડપી હોય છે, પરંતુ ઊંઘનો અભાવ એને વિકૃત કરીને ડાયાબિટીસ અને હાઈપરટેન્શન તરફ દોરે છે.
એક લાંબા ગાળાના અભ્યાસમાં જાણવા મળ્યું કે ત્રણથી પાંચ કલાક ઊંઘ લેતા પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરથી મૃત્યુનું જોખમ 50 ટકા વધે છે, જ્યારે હૃદયરોગનું જોખમ પણ બમણું થાય છે.
કાર્યક્ષમતા અને સુરક્ષાના ક્ષેત્રમાં પણ ઓછી ઊંઘ પુરુષોને નબળા પાડે છે. ઊંઘ વંચિત મગજ દારૂ પીધેલા મગજ જેવું કાર્ય કરે છે, જેના કારણે પ્રતિક્રિયા સમય 20 ટકા ધીમો પડે છે. ઔદ્યોગિક અકસ્માતોમાં 70 ટકા કેસમાં ઊંઘનો અભાવ જવાબદાર હોય છે અને પુરુષો જે મોટાભાગના ખતરનાક કામોમાં સામેલ હોય છે એ લોકો જ આના મુખ્ય ભોગ બને છે.
આ પણ વાંચો…મેલ મેટર્સ : કહું દોસ્ત સે, દોસ્ત કી બાત ક્યા ક્યા…
ડ્રાઇવિંગ દરમિયાન આ અસર વધુ ભયજનક છે. રાત્રે ચાર કલાક ઊંઘ પછી વાહન ચલાવવું એ લોહીમાં આલ્કોહોલના સ્તર જેટલું જોખમી છે, જે વાર્ષિક હજારો મૃત્યુનું કારણ બને છે. વ્યાવસાયિક સ્તરે, ઓછી ઊંઘ યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતાને નુકસાન પહોંચાડે છે, જે પુરુષની કારકિર્દી વિકાસને અટકાવે છે.
આ સિવાય, રોગપ્રતિકારક શક્તિ પર પણ અસર પડે છે. ઊંઘ વંચિત પુરુષોમાં ચેપી રોગોનું જોખમ વધે છે અને રસીની અસરકારકતા ઘટે છે, જે એમને વારંવાર બીમાર પાડે છે.
આવી બધી અવળી અસરને રોકવા માટે પુરુષોએ ઊંઘને પ્રાથમિકતા આપવી જરૂરી છે. દરરોજ સાતથી આઠ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘને લક્ષ્ય બનાવો, જેમાં નિયમિત શારીરિક વ્યાયામ, સૂર્યપ્રકાશનો સંપર્ક અને રાત્રે સ્ક્રીનથી દૂર રહેવું જરૂરી છે.
શિફ્ટ વર્ક કરતા પુરુષ માટે નિયમિત ઊંઘનું અનુસરણ અને તણાવ વ્યવસ્થાપનની તકનીકો જેમ કે મેડિટેશન અપનાવવી જોઈએ. જો ઊંઘની સમસ્યા જેમ કે સ્લીપ એપ્નિયા હોય તો તાત્કાલિક તબીબી સલાહ લો. આ નાના પગલાંથી જ પુરુષો એમની જીવનશક્તિ, સ્વાસ્થ્ય અને સુખને પુન:પ્રાપ્ત કરી શકે છે.
ઓછી ઊંઘ એ માત્ર થાક નથી, પરંતુ એક એવો ચોર છે, જે પુરુષોના જીવનને ચોરી લે છે. તેને અવગણવું એ આત્મહત્યા જેવું છે, જ્યારે તેને અપનાવવું એ જીવનની સફળતાનું રહસ્ય છે. આજથી જ ઊંઘને તમારો મિત્ર બનાવો પછી જુઓ કે તમારું જીવન કેવું ઝગમગી ઊઠે છે.
આ પણ વાંચો…મેલ મેટર્સ : પુરુષો હવે પિતા બનવાનું સહેજ મોડું પસંદ કરે છે, પણ…