લાફ્ટર આફ્ટર : આવા જેકીનું શું કરવું?

- પ્રજ્ઞા વશી
જેકી ઉર્ફે જયકિશન, સોળમી છોકરીનું ઇન્ટરવ્યૂ લેવા અને પસંદ કરવા વડીલો સાથે નિક્કી ઉર્ફે નિકિતાનાં ઘરે પહોંચ્યાં. રસ્તામાં એનાં મોમ-ડેડ સતત સલાહનું આક્રમણ કરતાં રહ્યાં. અનુક્રમે જોઈએ તો…..
`જો, આ સોળમી છોકરી છે. એ હાથમાંથી જવી ન જોઈએ. આનાથી વધારે સારી છોકરી દીવો લઈને શોધવા જઈશું, તો પણ નહીં મળે. સમજ્યો? અને હા, સુશીલ ને ભણેલું ખાનદાન છે. આમ વારે વારે વાળને ઉછાળ ઉછાળ ના કરતો. અને હા, પાછળની ચોટલી વાળેલી છે, તે કાઢીને કાંસકો મારી વાળ સીધા કર. આ છોકરી જેવાં ચેનચાળા મને બિલકુલ પસંદ નથી.’
`મોમ, ચિલ કર ચિલ. મેરે લિયે ભી તો કોઈ હસીના ઉપરવાલેને બનાઈ હોગી. સમજી?’ (માથે પડેલા જમાઈ તો સાંભળ્યું છે ભાઈ, પણ અહીં તો માથે પડેલો વારસદાર! એટલે ચિલ તો કરવું જ રહ્યું.)
`ક્નયા વિષયક જે કંઈ તપાસ કરવાની છે તે બધી અમે કરી લીધી છે. એટલે છોકરીને એક કલાક સુધી પ્રશ્નો પૂછીને ખોટી હેરાન નહીં કરતો. આગળની પંદર છોકરીઓની જે ફરિયાદ આવી છે, તે તું જાણે જ છે.’
`જો મોમ, જેની સાથે મારે રહેવાનું હોય, તેને પ્રશ્નો તો પૂછવા જ પડે. આપણે ભણેલાં ગણેલાં અને સ્માર્ટ છીએ, એવી છાપ ઊભી કરવાની આ એક મેથડ છે..યુ નો.!
(આ વખતનો સંઘ પણ કાશીએ નહીં પહોંચશે એ વાત નક્કી છે.)
`ભલભલા અભણ અને ગમાર છોકરા પણ પરણી ગયા ને તું કેમ રહી ગયો એનો શાંતિથી વિચાર કર.’ દર વખતે જ્યારે ક્નયા જોવા જવાનું થાય, ત્યાર પહેલાં વેવાઈ-વેવાઈ અને વેવણ -વેવણના ઇન્ટરવ્યૂ સામસામે ચાલે. એક પણ પક્ષ નીચો પડે જ નહીં. બંને પોતપોતાનાં વારસને બત્રીસ લક્ષણો ને બત્રીસ લક્ષણી છે એ પુરવાર કરીને જ જંપે છે. વડીલો એકબીજાનો ઇન્ટરવ્યૂ લેતાં હોય, ત્યારે છોકરો અને છોકરી એકબીજાને નિહાળવાનું નયનસુખ માણી લેતાં હોય છે. છોકરી પોતાના વાળને વારે વારે આગળ લાવીને સેટ કરે તો છોકરો પોતાના વાળમાં આંગળા નાખતો હોય કે ઘડીક મોબાઇલમાં તો ઘડીક છોકરીને ત્રાંસી આંખે નિહાળતો હોય. (છોકરી ને છોકરો વિચારતાં હોય કે આ સિનિયરો એમની મંત્રણા બંધ કરે, તો અમારો ગજ વાગે ને?)
આખરે ચા-પાણી થાય અને ઘરનો મોભી છોકરા-છોકરીને વાતચીત કરવા એક ઓરડો આપે. જેકી અને નિક્કીને પણ અંદરને ઓરડે એક ખુરશી ઉપર બેસાડી, એક ક્નયા (કદાચ ભવિષ્યની સાળી) બારણું આડું કરીને બારણે કાન માંડીને ઊભી રહે છે.
જેકી ખોંખારો ખાઈને ફ્રેન્ડલી એપ્રોચ કરતાં કહેશે, `તો નિક્કી, આ તાં નિકનેમ છે?’ (જેકીને મમ્મીની વાત યાદ હતી કે ઇન્ટરવ્યૂમાં બફાટ કરવો નહીં.)
`કેમ? તમને પસંદ નથી? મને પણ તમાં નિકનેમ જેકી પસંદ નથી. પણ મેં તમને કંઈ કહ્યું? મેં કહ્યું કે નામ બદલી નાખો?’
`ના ના. આતો મેં અમસ્તું જ પૂછ્યું નિક્કી.’
`તો આમ અમસ્તો ટાઇમપાસ કરવા આવ્યા છો? આવો બાલિશ સવાલ? ઓહ ગોડ!’
`ના, ના. આ તો તમને ફ્રેન્ડલી કરવા સરળ પ્રશ્ન પૂછ્યો.’
`એટલે શું અમે ફ્રેન્ડલી નથી? જે ફ્રેન્ડલી હોય એ બધા જ ગ્રેટ હોઈ શકે. એવું તમાં માનવું છે?’
`ના, ના. સાવ એવું નથી. આ તો જસ્ટ વાતની શરૂઆત કરવા જરા સહેલો પ્રશ્ન પૂછ્યો.’
`એટલે શું અહીં બોર્ડની પરીક્ષા આપવા હું બેઠી છું?’
બાજી બગડેલી જોઈને જેકીએ વાતની દિશા બદલી.
`તમને રસોઈ ઉપરાંત બીજું શું શું કરતાં આવડે? આઈ મીન, તમને શેમાં શેમાં રસ છે?’
`તમે જે કંઈ પ્રશ્નો પૂછ્યા, એવા જ બધા જ સવાલોના જવાબો તમારે મને આપવાના હોય, તો તમે મને શું જવાબ આપો, જેકી?’ નિક્કીએ ધારદાર પ્રશ્ન પૂછ્યો.
તમે પણ શું સાવ બાલિશ સવાલો કરો છો? છોકરાઓને વળી ક્યાં રસોઈ કરવાની હોય છે અને એને ક્યાં બીજા ફિલ્ડમાં રસ લેવાનો હોય છે? અમારે તો તૈયાર થાળીએ બેસવાનું અને મન ફાવે તે કરવાનું. વી આર અ ફ્રી બર્ડ!' જેકીનો જવાબ સાંભળીને નિક્કી અકળાઈ ઊઠી.
મિ. જેકી, દા. ત. તમે મને નોકરી કરાવશો, તો આપણે બંનેએ સાંજે ઘરે આવીને સાથે મળીને રસોઈ કરવી પડશે. લગન પછી યુ આર નોટ અ ફ્રી બર્ડ. હવે એ જમાનો ગયો. હવે તો ખભે ખભા મિલાવીને કામ કરવું પડે છે. તમારા અને મારા કામના કલાકો, ઊંઘવાના, ફરવાના, મોજમજાના કલાકો સરખા જ રાખવાના રહેશે.’
જેકીએ આવા જવાબોની અપેક્ષા રાખી જ નહોતી એટલે હવે ખોટી અકડાઈ છોડીને જમીન ઉપર આવ્યે જ છૂટકો! એ વાત સમજાતાં એણે એની મમ્મીનું ઉદાહરણ આપતાં કહ્યું :
`નિક્કી, મારી મમ્મી નોકરી પણ કરે છે અને ઘરનાં બધા કામ તેમજ રસોઈ પણ કરે છે. એટલે તારે પણ આ વાત સ્વીકારવી પડે. આપણી સમાજ વ્યવસ્થા શ્રેષ્ઠ છે. એ આપણે ક્યાં નથી જાણતાં? થોડા દિવસ તને આકં લાગશે. પછી તું ટિપિકલ હાઉસવાઇફ કમ વર્કિંગ વુમન બની જશે. ઇટ્સ નો ટફ… યુ સી…’
`આઈ સી એવરીથિંગ મિ. જેકી, પણ મને તો ખરેખર તમારા વિચારો ઉપર પ્રશ્ન થાય છે. તમે કયા યુગમાં જીવો છો? જમાનો ક્યાંનો ક્યાં પહોંચ્યો છે અને તમે હજી પુરાતન યુગમાં જીવો છો? તમે તમારી મમ્મીનું ઉદાહરણ આપ્યું, તો લો, હવે હું મારી મોટીબહેનનું ઉદાહરણ આપું છું. અમેરિકામાં હસબન્ડ-વાઇફ નોકરી કરે છે અને સાંજે આવી રસોઈ, બાળકોનાં ડાયપરથી લઈને સાફસફાઈ પણ સાથે મળીને કરે છે. આવું કરનારાં જ અમેરિકા સુધી પહોંચી શકે છે. તમે જેટલા સવાલો પૂછશો, એ જ સવાલો તમને સામે વાગશે. તમે મારી કસોટી કરશો, તો હું તમારી કરીશ. તમારી અપેક્ષા છે, તો મારી પણ અપેક્ષા છે જ. જે તમારે પૂરી કરવી રહી. આ મુલાકાત આપણી આખરી છે એમ સમજી આપણે છૂટા પડીએ છીએ… મિ. જેકી.’
આપણ વાંચો: મેલ મેટર્સ : ઈન્દોરનો સનસનાટીભર્યો મર્ડર કેસ અહીં જો પાત્રોની અદલાબદલી થઈ ગઈ હોત તો?
`નિક્કી, કોઈ વચલો રસ્તો કાઢી શકાય કે નહીં?’
`ના, વૈચારિક ભૂમિકા તપાસતાં તમારી સાથે એક દિવસ પણ ટકી ન શકાય. આઈ એમ સોરી…’
સોળમીવાર પણ હારેલો જેકી, વિચારે તો શું વિચારે? મમ્મી પૂછશે, શું થયું? છોકરીની હા આવી? તેં જ બફાટ કર્યો લાગે છે. આ તારો મવાલી જેવો દેખાવ જ પહેલાં તો એને ના ગમ્યો હશે. હવે પેલાં પટોળા મારે ક્યાં નાખવાં? હવે એક કામ કર. તું જાતે જ કોઈ શોધી લે. નહીંતર વાંઢાઓની જમાતમાં એક વાંઢો વધારે!
આવા જેકીએ શું કરવું જોઈએ? તમે જ કહો ને!