
- પ્રજ્ઞા વશી
સાંભળો છો કે? અરે! તમને જ કહું છું. બે વારના સંબોધન પછી બસમાં બેઠેલાં લગભગ તમામે અહલ્યાબહેન સામે જોયું. દરેકની આંખમાં પ્રશ્ન દેખાયો કે બહેન, તમે મને બોલાવો છો? ત્રીજી વારના બરાડા બાદ રામભાઈ અહલ્યાબહેન સામે જોઈને બરાડાનો જવાબ બરાડામાં જ અર્પણ કરતાં ગુસ્સામાં બોલ્યા.
મારા કાન હજી સાબૂત છે. આમ જાહેરમાં બરાડા પાડવાનું સારું લાગે છે? સાવ મેનરલેસ છે. ગામડિયણ તે ગામડિયણ જ રહેવાની! હવે પાછી જલદી ભસતી પણ નથી કે બરાડા શા માટે પાડ્યા… કોઈ કામ હોય તો જરા હળવેથી કે પાસે આવીને ના બોલાય?
આટલું સાંભળતાંવેંત અહલ્યાબહેન એમના પથ્થરપણાના શાપમાંથી જાતે જ એક ઝાટકે મુક્ત થઈને ચાલુ બસમાં બે રો આગળ બેઠેલા રામભાઈના કાનમાંથી ભૂંગળા કાઢીને તાડૂક્યાં.
‘મારા ખોળામાં તમારા બંને તોફાની ટપુડા મૂકીને કાનમાં ભૂંગળા નાખીને ‘મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ…’ ગીત લલકારો છો. પછી તમને તમારાં છોકરાં રડે, પડે કે માથા ફોડે એ ક્યાંથી દેખાય કે સંભળાય? ’
તે ક્યાંથી સંભળાય બહેન. તમારે એમનું નામ દઈને બરાડા પાડવા હતા. તમે આમ સાંભળો છો? એમ કહીને બરાડા પાડો તો એ બિચારા ક્યાંથી સાંભળે?
રામભાઈનું ઉપરાણું લઈને જતીનભાઈ હજી બચાવ કરવા ગયા ત્યાં અહલ્યાબહેન ફરી તાડૂક્યાં. આમ તમારા મિત્રનું ઉપરાણું લેવાનું બંધ કરો અને એમને પૂછો કે એમનું નામ એમની પત્નીથી બોલાય એમ છે? એમની ખાનદાની પરંપરા મુજબ દરેક પરણીને આવેલી વહુઓએ પતિનું નામ ન બોલતાં ફક્ત એ સાંભળો છો? એમ કહીને જ વાતચીત ચાલુ કરવાની. રામ જાણે! કયા જમાનામાં જન્મેલા છે એ જ સમજાતું નથી.
બાજુમાં બેઠેલાં જતીનભાઈનાં પત્નીને પણ સરસ તક મળી ગઈ. એટલે એમણે પણ ભાથામાંથી તીર કાઢ્યું:
જોયા મોટા સલાહ આપનારા! પોતાના ઘરમાં પણ બધી જ વહુઓ બિચારી એ સાંભળો છો… કહીને થાકી ગઈ છે. અરે! અમારાં ઘરમાં હમણાં જ નવા જમાનાની ભણેલી ગણેલી વહુ પ્રેમા આવી. એને તો ખબર જ નથી કે અહીંયા ‘એ… ’વાળું સંબોધન જ ચાલુ છે. એટલે એણે તો પતિને પ્રેમલ નામથી શું બોલાવ્યો, કે સાસુમાની સાથે સાથે ઘરનાં બધા વડીલો તૂટી પડ્યાં કે આપણે ત્યાં તો ‘એ સાંભળો છો… ’વાળું સંબોધન જ દરેક વહુએ પરંપરા મુજબ ચાલુ રાખવું.
પહેલાં જાતે સુધરો. પછી રામભાઈનાં ઘરનાંને સલાહ આપો. એમાં ને એમાં પ્રેમા કંટાળીને પિયર ચાલી ગઈ છે અને વકીલ મારફતે નોટિસ મોકલી છે કે ‘ મને એ સાંભળો છો જેવી પરંપરા સામે સખત વાંધો છે. એટલે મારી પ્રેમની બાંધેલી ગાંઠ સત્વરે છોડીને મને મુક્ત ગગનમાં વિહરતી કરી દેવી.’
એંસી વરસનાં કમુદાદી જીવનભરનો દબાવી રાખેલો વસવસો બહાર કાઢતાં બોલ્યાં. તમારે તો હારું છે કે એ હાંભળો છો… વાળું જ ચાલુ રાખવાનું આવ્યું. પણ અમારા જમાનામાં ગામડાના રિવાજ મુજબ ઘૂમટા તાણવાના હોત તો તમે બધીઓ શું કરતે?
‘કમુદાદી, તો તમારે એવા રિવાજ કઢાવી નાખવા માટે લડત આપવી હતી ને? જો તમે લડત આપી હોત તો અમે પણ સુખી થઈ ગયાં હોત.’ ‘તે તમે એમ માનો છો કે મેં લડત નહોતી આપી? અરે! મેં તો તમારા દાદાને ખાનગીમાં (ઘરના એક ખૂણામાં) ઘણું સમજાવેલું કે તમને બધા વીરચંદ કહે છે તો હું તમને વીરુ કહીને બોલાવું. આથી આપણો પ્રેમ પણ વધે અને એક નવી પ્રથા શરૂ થાય.
મેં તો એમને ફિલ્મોમાં હીરો-હીરોઈન કેવાં એકબીજાને નામથી બોલાવે છે! તેમ આપણે પણ નામથી એકબીજાને બોલાવીએ તો કેવું? પણ એમના આંખના ડોળા જોઈને અમે ત્યાંથી પલાયન થઈ ગયાં. મારું વીરુ બોલવાનું સ્વપ્ન હવા થઈ ગયેલું. પણ મારી સાસુ મારી વાત સાંભળી ગયેલાં અને મને બોલાવીને કહે કમુ, તારી જેમ મારે હો તારા સસરાને સૂરજચંદમાંથી ચંદ બાદ કરીને સૂરજ કહીને બોલાવવા હતા. પણ બાપ- દીકરા બેઉ કમભાગી!’
‘બા, હમણાંની ફિલ્મોમાં જોઈને પણ શીખી શકાય એમ છે. પણ ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે! બા, આપણે તો સપનામાં જ પ્રેમથી નામ બોલી લેવાનાં.’
‘એ સાંભળો છો? આ કમુદાદી અને એમની સાસુ પણ સુધારામાં માને છે. તો તમારે શું કહેવું છે? તમને કહું છું. કાનના ભૂંગળા કાઢો અને આ ટાબરિયાંને તો સંભાળો.’
કાનમાંથી ભૂંગળા કાઢતા રામભાઈ બોલ્યા. આ કમુદાદીએ કરેલ પહેલને એળે નથી જવા દેવી. એમનું અધૂરું સપનું પૂરું કરી દે. અહલ્યા, મને સૌની સામે રામ કહીને બોલાવ જોઉં. ’
અને અહલ્યા બોલી, ‘રામના નામે તો પથ્થર તરી ગયા હતા મારા રામ! હવે તો આ બાળકોના અને મારા ઉદ્ધાર માટે પણ અહીં આવો અને તમારા કાનના ભૂંગળા મને આપો. જેથી હું રિલેક્સ થાઉં.’
‘હું પણ આજથી તમને જતીન કહીને બોલાવવાનું ચાલુ જ કરી દઉં છું. ખરું ને જતીન? ’
જતીન બિચારો શું બોલે?
આપણ વાંચો: કથા કોલાજઃ મારું નામ લીસા મેરી પ્રેસ્લી, મારા પિતાનું નામ એલ્વિસ પ્રેસ્લી!