
શ્વેતા જોષી-અંતાણી
વેદા શર્મા સ્કૂલની સૌથી મુંહફટ્ટ છોકરી. વાતે-વાતે લોકોને ઉતારી પાડવા એ એનું મુખ્ય કાર્ય. સતત સાચું બોલવાના બહાને ગમે એના પર શબ્દોના આકરા પ્રહાર કરવા એ વેદા માટે સામાન્ય વાત ગણાતી.
વેદા પોતાની આ ખાસિયત માટે હંમેશાં અભિમાન કરતી. પોતાની નજીકના વ્યક્તિઓને પણ એ ટીકા-ટિપ્પણીમાંથી બાકાત રાખતી નહીં.
રિયાના વાળ પર, અર્જુનના ચિત્ર પર, પ્રિયાના સંગીત ને નૈનાના નૃત્ય પર કમેન્ટ કરી બધાંને ખડખડાટ હસાવનાર વેદા ધીરે-ધીરે એના કહેવાતા સત્યના વિશ્વમાં ગુમાનભેર જીવવા લાગી. લોકો દૂર થયાં, મિત્રો અંતર રાખવા લાગ્યાં, એનો સામાજિક બહિષ્કાર થવા લાગ્યો. એ જોઈ અંતે અકળાયેલી વેદા આકરી થવાં જાય ત્યાં એની ખાસ બહેનપણી મહેરે એની સામે સત્યનો અરીસો ધર્યો.
ત્યારથી એનું મગજ સતત મહેર દ્વારા કહેવાયેલા પ્રસંગોમાં ઘૂમી રહ્યું હતું. પોતે જાહેરમાં કરેલી ટીકા બાદ રિયાનો ઊતરેલો ચહેરો એને દેખાયો. પ્રિયાનો તૂટેલો અવાજ અને અર્જુને ફેંકી દીધેલું પેન્ટબ્રશ પણ દેખાયું.
પહેલીવાર પોતાના શબ્દો થકી આસપાસ લોકોને ઘેરી વળેલી ઉદાસી પણ બહાર ડોકાઈ…. એ લાચાર નજરો તરવરી ઊઠી જે વેદાની ઓનેસ્ટીની આડમાં અપમાનનો ભોગ બની બેસતી.
વેદા હંમેશાં એવું માનતી આવેલી કે, ઈમાનદારી એક સદગુણ છે. આજે પહેલીવાર એને ભાન થયું કે, ઈમાનદારી કે પ્રામાણિકતાનું પોતે ધારેલું સંસ્કરણ તદ્દન ખોટું છે. વ્યક્તિ પ્રામાણિક હોય પણ સાથોસાથ એ દયાળુ હોવું ખૂબ જરૂરી છે. એવી પ્રામાણિકતા કે જેનાથી તમારી આસપાસ માત્ર દુ:ખનો ફેલાવો થતો હોય. એનું કોઈ મહત્ત્વ નથી રહેતું.
અત્યાર સુધી સત્યને વળગી રહી એ શું સાબિત કરવા માગતી હતી? શું સત્યની ઓથે અન્યોને ઉતારી પાડવાની તક શોધતી હતી? પહેલી વખત વેદાએ જાતને એ રીતે પ્રશ્ન પૂછ્યો.
જે રીતે એ અન્યોને પૂછતી. એકદમ ખુલ્લો, શબ્દો ચોર્યા વગરનો ધારદાર, વેધક સવાલ અને પહેલીવાર વેદા ઓઝપાય ગઈ. સત્યને પણ થોડું નરમ બનાવી શકાય એ પણ એણે પહેલી વાર જાણ્યું.
બીજા દિવસે સૌથી પહેલા સ્કૂલે પહોંચી એ રિયાની રાહ જોતી ઊભી રહી. રિયા હજુ તો ગેટમાં પગ મૂકે ત્યાં સામેથી હાથ હલાવતી વેદા આડી ઊતરી. ‘હાઈ, આપણે વાત કરી શકીએ?’ રિયા આમ થોડી ખચકાય, પણ એણે હકારમાં માથું ધુણાવ્યું.
‘યાર,
રિયા… હું તને સોરી કહેવા માંગું છું. મેં તને એ દિવસે તારા હેર કટ વિશે જે કહ્યું. એના માટે આઈ એમ રિઅલી સોરી. હું બહુ ‘રુડ’ હતી. મને એમ હતું કે, હું એમ જ તારી થોડી મજાક કરું. પણ ક્લાસમાં જે થયું એવું મારો મતલબ નહોતો. ખરું તો આ હેર કટમાં તું એકદમ બોલ્ડ લાગે છે.!’
રિયાને તો માન્યામાં ના આવ્યું. આ શું! કાગડાના મોઢામાં સરસ્વતી? થેન્ક્યુ… કહી એ આગળ ચાલી નીકળી ગઈ. વળી પોતે કંઈક બોલે અને વેદાબેનનો બફાટ શરૂ થાય એ સાંભળવાની એનામાં હિંમત નહોતી.
જોકે આ બાજુ વેદાના ચિતે ટાઢક વળી. ચાલો, એકની માફી માગી. હવે બીજાનો વારો. ફિઝિક્સ લેબ પાસે એને પ્રિયા મળી. મ્યુઝિક રૂમમાં અર્જુન અને આર્ટ ક્લાસમાં નૌના મળી. બધા પાસે વેદાએ પોતાને સાચાં-સારાં લાગે એ કારણો આપી માફી માગી. પોતે ખોટી હતી એવું બધાની સમક્ષ સ્વીકારી પણ લીધું.
રિસેસ સુધીમાં તો આ સમાચાર ચારેકોર પ્રસરી ગયા. લોકોના આશ્ચર્યનો પાર નહોતો. હેં, વેદા શર્મા માફી માગે? આ વાત સાચી હોવા છતાં માન્યામાં આવે એવી નહોતી.
એ દિવસે સાંજે ઘરની અગાસી પર મહેર અને વેદા સામસામે બેઠાં હતાં. ‘વેદા, તે જે રીતે પ્રામાણિકતાપૂર્વક ભૂલ સ્વીકારી એ બહુ હિંમત માગી લેનારી વાત છે.’ આ સાંભળી વેદાબેન રાજી-રાજી થઈ ઉઠ્યાં.
‘જોયું મેં તને કહ્યું હતું ને કે, સાચું બોલીએ તો લોકો એને સ્વીકારે જ.’ વેદા ઉત્સાહમાં બોલી ઊઠી, પણ મહેરે એને ટપારતાં કહ્યું :
પરંતુ જે રીતે આજે સાચું બોલી ને, એ પ્રકારનું સાચું બોલવાનું. તું જે અત્યાર સુધી બોલતી આવી છે ને એ રીતે નહીં. આપણા બોલવાથી બીજાને દુ:ખ થાય, એમનું જાહેરમાં અપમાન થાય, એમની મજાક બની બેસે એવાં સત્યોનાં બાણ જ્યાં-ત્યાં છોડતાં નહીં ફરવાનું.’
એ દિવસ પછી હજુ વેદા જૂઠ્ઠ તો ક્યારેય નથી બોલતી. હવે એ બોલતાં પહેલા અટકે છે. જાતને પૂછે છે કે, આવું બોલવું શું અનિવાર્ય છે? પોતે બીજાને કારણ વગર દુ:ખી તો નથી કરી રહી ને!‘
થોડા સમયમાં મિત્રોને એના પર ફરી વિશ્વાસ આવવા લાગ્યો. વેદાએ પોતાની જાતને બદલી છે. શબ્દોને જ્યાં-ત્યાં વેડફવામાં હવે એને આનંદ નથી આવતો. એ આજે પણ સત્યની ચાહક છે, પરંતુ આખાબોલી નથી રહી.
એનું સત્ય હવે ક્રૂર નથી રહ્યું. એ થોડું વિનમ્ર થયું છે. એની ડાયરીના પહેલા પાને આ ક્વોટે કાયમ માટે જગ્યા લઈ લીધી છે.’ “when spoken with kindness, even the hardest truths can heal instead of hurt.”
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ નિર્દય પ્રામાણિકતાથી પ્રામાણિકભર્યાં પાણી