
પ્રજ્ઞા વશી
ખૂબ મોટા માણસ એટલે કે દસ-બાર સંસ્થામાં પ્રમુખ-મંત્રી બની ચૂકેલા એવા મોરારભાઈનું અવસાન થયું. હવે એ તો રહ્યા મોટા માણસ એટલે બેસણું પણ જોરદાર જ રાખવું પડે. ખાસ તો મોરારભાઈ જ પોતાની છેલ્લી ઇચ્છા કહીને ગયેલા કે `મારી પાછળ કોઈને લાડવા- પૂરી કે સાદી થાળીનું ભોજન સુધ્ધાં ખવડાવશો નહીં કે વાસણ સુધ્ધાં વહેંચશો નહીં. મેં ભેગી કરેલી મૂડીને સાચવી રાખજો. મેં પોતે પણ એક પૈસો એમાંથી વાપર્યો નથી તો પછી તમે એ વાપરતા નહીં. પણ વધારવા માટે મારી જેમ જે કરવું પડે તે કરજો.
(કાળા-ધોળા પણ કરી શકો છો.) પણ `છીંડે ચડ્યો તે ચોર ‘ જેમ હું કદી પકડાયો નથી, એમ જે કરો તે ચાલાકીથી કરજો. અને હા, મારા મૃત્યુ બાદ બેસણું તો અવશ્ય રાખજો. આમ તો મેં બધી સંસ્થામાં કામ કર્યું છે. એટલે બેસણા માટે તમે મફતમાં હોલ માગજો અને આવનારા સામે તમે મારા વિશે થોડું બોલજો. જેથી અન્યને મારા વિશે બોલવાની પ્રેરણા મળે. બને તો પૈસા આપીને પણ પત્રકારોને બોલાવજો. મેં લખીને આપેલો મારો બાયોડેટા અને પેલો માથા ઉપર કાળા ભમ્મર વાળવાળો ફોટો જ અખબારમાં છાપવા આપજો. પત્રકાર બીજાના ઇન્ટરવ્યૂ લે તો અટકાવશો નહીં. નાણાં ખરચીને પણ મારા જીવન -કવનનો પ્રચાર -પ્રસાર કરશો, તો અંતે ફાયદો તમને જ થશે…. ‘
મોરારભાઈને છ દીકરી અને બે દીકરા. પાંચ ભાઈ અને પાંચ બહેન. એ દરેકને ત્યાં ત્રણ ત્રણ એવરેજ બાળકો તેમજ ઘણા પરણેલાની વહુઓ અને ટાબરિયાં. વેવાઈ પક્ષ પણ ફૂલેલો ફાલેલો વટવૃક્ષ જેવો! એટલે એ બધાના કહેવાથી ખૂબ મોટો હોલ બેસણા માટે લીધો. અડધો હોલ તો મોરારભાઈના વટવૃક્ષ જેવા પરિવારના ડાળ, પાંદડાં અને મૂળિયાથી જ ભરાઈ ગયો.
માણસ મોટો એટલે પૂછવાનું શું…! ક્યાંય ક્યાંયથી લોક સમુદાય આવવો શરૂ થઈ ગયો.
વારેવારે નાનકો આવીને બધાને કહી જતો: ` જોજો… બાપાએ જે કહ્યું છે એમાંથી કંઈ રહી ન જાય. ‘
મોટાએ લિસ્ટ કાઢ્યું (બાપાએ એ લિસ્ટ આગોતં જ મોટાને આપ્યું હતું.), જેમાં પ્રથમ ક્રમે લખ્યું હતું :
`મેં લખેલ મારા વિશેનું ભાષણ મોટા જમાઈ રઘુવીરને વાંચવા આપશો. (કારણ કે મેં એની પાસે આ લખાણ વીસેક વાર મોટેથી વંચાવ્યું છે. એટલે લગભગ હવે ગોખાઈ જ ગયું હશે.) માઇક જરા પહેલાં ચેક કરી લેવું. અવાજ થોડો લાઉડ રાખવો અને અંડરલાઇનવાળાં વાક્યો ધીમે ધીમે બે વાર વજન આપીને જ વાંચવા. એ વજનને કારણે ઓડિયન્સમાંથી તાળીઓ અવશ્ય પડવી જ જોઈએ અને નહીં પડે તો જ્યારે વીડિયો ઍડિટ કરો ત્યારે તાળીઓ ઉમેરાવી દેવી.
પત્રકારોને જુદા જુદા સમૂહના ઇન્ટરવ્યૂ લેવાના કામે લગાડવા અને વીડિયો રેકોર્ડિંગ પણ કરી લેવું. કદાચ કોઈ મારા વિશે આમતેમ બોલે તો કટ કરાવીને બીજા સામે માઇક ધરી દેવું. એ ભાગ પણ વીડિયોમાં કટ કરવો. માત્ર જે ઉત્તમ હોય એ જ રાખવું અને ત્યાં તાળીઓ ઍડ કરાવવાનું ભૂલશો નહીં. (I.M.P.)…’
આ તરફ, રઘુવીરભાઈ તો પરીક્ષા આપવાની હોય એમ આંટા મારતા જાય ને ગોખતા જાય. બીજા બે જમાઈએ પણ મૌલિક બોલવાનું હતું. એમાં શું બોલવું એ ન સમજાતાં એ બંનેએ કેટલાક યુવાનો પાસે ગૂગલ-યૂ ટ્યૂબ ખોલાવીને મરણ પછી શોકસભામાં શું બોલવું એ શોધવામાં પરોવાયા. સ્ટેજ ઉપર બધા જમાઈઓ અને દીકરા જાણે પરીક્ષા હોલમાં હોય એમ આંટાફેરા લગાવતા જાય અને કંઈ ને કંઈ ગોખતા જાય. આવો માહોલ જોઈને એક પત્રકારે નાના જમાઈને પૂછ્યું:
આ બધા શું વાંચે છે?’ હવે નટખટ અને મશ્કરા જમાઈએ મસ્તીમાં કહી દીધું કે,જે સસરા ઉપર શ્રેષ્ઠ બોલશે એને સસરાજીની પ્રોપર્ટીનો અડધો હિસ્સો મળવાનો છે. એટલે બધા પરીક્ષાની તૈયારી કરે છે.’
બરાબર ચાર વાગ્યે બેસણું શરૂ થયું. મોટા જમાઈએ એક શ્લોક થોથવાતી જીભે બોલીને સસરાના વખાણ ચાલુ કર્યાં. વિદ્યાર્થી પરીક્ષા પહેલાં ખૂબ ગોખણપટ્ટી કરે તો પરીક્ષા આપતી વેળા સાવ બધું જ ભૂલી જાય. એનું મગજ શૂન્યાવકાશથી ઘેરાઈ જાય. બસ, એમ જ જમાઈ તત ફફ કરવા લાગ્યા. બીજા જમાઈએ ઇશારો કર્યો કે કાગળમાંથી વાંચી નાખ. પણ મોટા જમાઈ પત્ની તરફ જોવા ગયા અને પત્નીની ચંડિકા સમી લાલ લાલ આંખો જોઈને એ બસ એટલું જ બોલ્યા: `સુકાયેલ પાંદડું તોફાનો સામે ક્યાં સુધી ઝીંક ઝીલે! આખરે પાંદડું ખરી પડ્યું અને વૃક્ષની ડાળીઓ નોંધારી થઈ ગઈ. હવે રડવા સિવાય પેલાં માળા વિહીન પંખીઓ બીજું શું કરી શકે? ‘
ત્યાં જ પેલા નાના મસ્તીખોર જમાઈએ વાહ! વાહ! ક્યા બાત હૈ. બહોત ગહરી બાત કર દી આપને. વાહ!’ અને એ સાથે જ એણે તાળીઓ શું પાડી, આખા હોલમાં જેટલા હતા એ બધાએ ઊભા થઈને તાળીઓનો વરસાદ કરી દીધો. એકે કહ્યું,મોરારભાઈની જગ્યા આ મોટો જમાઈ લેવાનો… ‘
બીજો બોલ્યો, `મોરારભાઈનું એક પાંદડું ખર્યું. પણ વૃક્ષ તો હજી જમાઈઓ અને છોકરાઓથી ભર્યું ભર્યું છે.’
ત્યાં ઘરની વહુ એના વરને કોણી મારીને કહેવા લાગી :
`જમાઈના વખાણ વધારે પડતાં થાય છે. જાવ, જરા માઇક હાથમાં લઈને તમે પણ પાંદડા, ડાળી, પંખી, ઝાડવાં જેવું જે જે આવડે તે તે બોલો. તાળી હું પાડવાની શરૂ કરીશ. એટલે આ ટોળું તો દોડવાનું જ છે. જાવ જલદી! ‘એણે ધક્કો એવો માર્યો કે ફરી વાતાવરણમાં લીલોતરી ફરી વળી. પછી વારાફરતી દીકરી, દીકરા, જમાઈ, પૌત્ર, વેવાઈઓ સુધ્ધાં માઇકની પડાપડી કરવા લાગ્યાં.
અંતે ભૂલો તમે બીજું બધું, મા -બાપને ભૂલશો નહીં.’ ના ગાન સાથે હોલવાળો ખુરશી લેવા આવ્યો અને માઇક પણ બંધ થઈ ગયું. બહાર નીકળતાં લોકો બોલ્યાં: અલ્યા, આ લોકોએ તો ચા પાણી સુદ્ધાં પીવડાવ્યા નહીં. ઉપરથી તાળીઓ પાડી પાડીને હાથ દુ:ખી ગયા…’
રાત આખી ઘરે જઈને બાપા કોને શું આપી ગયા એ જોવા બધા બેસી ગયાં. એમાં ફાટફૂટ અને મારામારી આખી રાત ચાલી. વહેલી સવારે પેપર આવ્યું તો એમાં પ્રથમ પાને મોટા અક્ષરે ન્યૂઝ હતા:
`શહેરના જાણીતા ધનવાન મોરારભાઈએ વીલમાં લખ્યું છે કે જે મારા વિશે શ્રેષ્ઠ બોલશે તેને મારી પ્રોપર્ટીનો અડધો હિસ્સો મળશે…!



