પુરુષ

નહોતો લેવો, છતાં લેવો પડ્યો એક કડક નિર્ણય

નીલા સંઘવી

જયેશભાઈ – જયાબહેનને એકમાત્ર સંતાન- એક પુત્ર સચિન. ખાધેપીધે સુખી પરિવારનો લાડલો. માતા-પિતાની આંખજો તારો હતો. પાણી માગે ત્યાં દૂધ હાજર થાય તેવી સ્થિતિ. વિલેપાર્લા જેવા પોશ વિસ્તારમાં જયેશભાઈનો ત્રણ બેડરૂમનો ફ્લેટ, સચિન ભણીગણીને સી.એ. થયો. સારી નોકરી મળી ગઈ. સારું કમાવા લાગ્યો એટલે સ્વાભાવિક રીતે જ સારી સારી ક્ધયાઓના માંગા આવવા લાગ્યા. સારા ઘરની સુંદર ક્ધયા રાશિ સાથે સચિનના લગ્ન
કરાવ્યા.

બધું સરસ ચાલતું હતું. થોડા સમય બાદ જયેશભાઈ રિટાયર્ડ થઈ ગયા. હવે જયેશભાઈ આખો દિવસ ઘરમાં જ રહેતા હતા. તબિયત પણ નરમગરમ રહેતી હતી, તેથી તેમને બહાર જવું ગમતું નહીં. આખો દિવસ દીવાનખાનામાં બેસીને ટી.વી. જોતા હોય કે પછી ફોનમાં વાતો કરતા હોય. રાશિને આ જરાય ન ગમે. રાશિને એવું લાગે કે એની સ્વતંત્ર્યતા છીનવાઈ રહી છે.

જયેશભાઈ રિટાયર્ડ થયા તે પહેલાં આ ઘર લેવા માટે લોન લીધી હતી તેથી એમણે રિટાયરમેન્ટ બાદ આવેલા રકમથી ભરી દીધી. ઘરખર્ચ સચિન ચલાવતો હતો એટલે વાંધો ન હતો. જયેશભાઈએ મોટી રકમ ઘરની લોન પેટે ભરપાઈ કરી દીધી હોવાથી હવે એમની પાસે ખાસ ફંડ રહ્યું ન હતું. એમની અને જયાબહેનની દવાનો ખર્ચ મોટો હતો. પોતાના ફંડના વ્યાજમાંથી પહોંચી વળાય તેમ ન હતું તેથી ઘણીવાર સચિન પાસે હાથ લાંબો કરવો પડતો હતો. રાશિને આ વાત જરાય પસંદ ન હતી. ઘરખર્ચ સચિન ચલાવે ઉપરાંત આ લોકોની દવાનો ખર્ચ પણ ઉપાડવાનો એને ગુસ્સો આવતો હતો. વળી, જયેશભાઈ આખો દિવસ દીવાનખાનામાં બેઠા રહે તે પણ એને પસંદ ન હતું. તેથી ધીરેધીરે રાશિની કચકચ ચાલુ થઈ. વાતવાતમાં તે જયેશભાઈ અને જયાબહેનનું અપમાન કરવા લાગી. રાશિએ તો જયેશભાઈને દીવાનખાનામાં બેસવાની સાફ ના પાડી દીધી. પોતાની રૂમમાં બેસી રહેવાની તાકીદ કરી દીધી. જયેશભાઈ કચવાતે મને પોતાના રૂમમાં બેસી રહેતા. રાશિ એ સાથે જયાબહેનને કામ ચિંધવા લાગી.

જયાબહેન કામ કરી આપે એ કામમાં વાંધાવચકાં કાઢવા લાગી. માતા- પિતાની દવા માટે જયેશ પત્ની રાશિને પૈસા આપી દેતો હતો, પણ જ્યારે જયેશભાઈ-જયાબહેન દવા લાવવાનું રાશિને કહે ત્યારે રાશિ બહાના કાઢીને ટાળી દેતી હતી. આ લોકો દવા માટે સચિનને કહે તો રાશિ ભડકતી, ‘તમે લોકો અમારી વચ્ચે ઝઘડો કરાવો છો કહીને ઘર માથે લેતી.’

આ પણ વાંચો…સલામ… એ માને!

આવાં બધાં ઘર્ષણથી જયેશભાઈ-જયાબહેન કંટાળ્યાં પોતાના જ ઘરમાં પોતે ઓશિયાળા થઈ ગયાં હતાં.

એક દિવસ જયેશભાઈના બેન-બનેવી બે દિવસ માટે ઘરે આવ્યા. બે દિવસમાં જ ઘરની પરિસ્થિતિ એ લોકોને સમજાઈ ગઈ. બનેવીએ જયેશભાઈને પૂછ્યું. જયેશભાઈ ગળગળા થઈ ગયા ત્યારે બનેવીએ એમને આવું ચલાવી ન લેવાય અને કડક પગલાં લેવા જોઈએ એવી સલાહ આપી. જયેશભાઈએ પૂછ્યું, ‘પણ શું કરી શકાય?’

‘આ ઘર તમારું પોતાનું છે, બરાબર?’ બનેવીએ પૂછ્યું.

‘હા.’

‘તો પછી તમે રાજા છો. કાઢી મૂકો આ લોકોને અને ઘર ઉપર ‘રિવર્સ મોર્ગેજ’ લોન લઈ લો.’

‘એ કેવી રીતે થઈ શકે?’ જયેશભાઈએ પૂછ્યું.

‘જુઓ, હું તમને સમજાવું. રિવર્સ મોર્ગેજમાં, જે વરિષ્ઠ નાગરિક ઘર અથવા મિલકત ધરાવે છે, પણ આવકનો નિયમિત સ્રોત ધરાવતો નથી, તે નાણાકીય સંસ્થા પાસે મિલકત ગિરવે મૂકી શકે છે. બદલામાં નાણાકીય સંસ્થા તે વ્યક્તિને નિયમિત રકમ ચૂકવે છે. ગ્રાહકના મૃત્યુ પછી નાણાકીય સંસ્થાને મિલકત વેચવાનો અધિકાર છે અને વધારાની રકમ કાનૂની વારસદારોને આપી દેવામાં આવે છે.’

‘મને મળશે રિવર્સ મોર્ગેજ લોન?’ જયેશભાઈએ પૂછ્યું તેના જવાબમાં બનેવીએ કહ્યું, ‘60 વર્ષ કે તેની ઉપરની વ્યક્તિ જો તેના જીવનસાથી સાથે સંયુક્ત રીતે અરજી કરી રહ્યા હોય તો તેમની ઉંમર ઓછામાં ઓછી પંચાવન વર્ષ હોવી જોઈએ. તમને તો પાંસઠ વર્ષ થયાં. ભાભી પણ બાંસઠના થયા આરામથી રિવર્સ લોન મળી જશે. આ લોન મળવાને કારણે તમે આર્થિક રીતે સ્વતંત્ર થઈ જશો. તબીબી કટોકટીમાં નાણાંની અછત નહીં અનુભવો અને સૌથી ખાસ તો તમારે રાશિની જોહુકમી સહન નહીં કરવી પડે. તમારાં જ ઘરમાં રહીને તમને આશ્રિત બનાવી દીધાં છે. ભલે એ બંને જતાં. સચિન સારું કમાય છે. લોન લઈને સારું ઘર લઈ શકશે. અને તમે બંને ડોસો-ડોસી સાથે મળીને ગમતનો ગુલાલ કરજો. આવડું મોટું ઘર લીધું છે તે શું કામનું છે? અત્યારે મુસીબતના વખતે તમને કામ આવશે.

‘તમારી વાત તો સાચી અને સારી છે. વ્યાજના દર કેટલો હોય છે?’

આ પણ વાંચો…આવી ભૂલ તમે પણ કદી ન કરતા

‘વ્યાજનો દર અલગ અલગ હોય છે, પરંતુ સામાન્ય રીતે સ્પર્ધાત્મક હોય છે. જેને કારણે રિવર્સ મોર્ગેજ દ્વારા મેળવેલી રકમ કર કપાતને પાત્ર છે. જોકે, લોન ચૂકવવા માટે મોર્ગેજ કરેલી મિલકતને વેચતી
વખતે મૂડી લાભ કર વસૂલવામાં આવે છે.’

બનેવીએ જયેશભાઈને બધી માહિતી આપ્યા બાદ પોતાના વકીલ મિત્રને ફોન કરીને જયેશભાઈને આ કાર્યમાં મદદ કરવા જણાવ્યું. જયેશભાઈએ વકીલ અને પોતાના ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદથી બધું જાણી લીધાં બાદ પોતાના ઘર ઉપર રિવર્સ મોર્ગેજ લોન લઈ લેવાનો કડક નિર્ણય લઈ લીધો.

બહેન બનેવી ગયા પછી રાતના સચિન ઘરે આવી ગયો અને બધાંએ જમી લીધું એટલે જયેશભાઈ-જયાબેન દીવાનખાનામાં આવ્યાં અને સામે સોફા પર બેઠાં. રાશિ એમને સોફા પર બેસેલા જોઈને ક્રોધિત થઈ ગઈ પણ સચિનની હાજરીને કારણે ચૂપ રહી. જયેશભાઈએ સચિનને બૂમ મારી અને કહ્યું,

‘બેટા, અહીં બેસ મારે વાત
કરવી છે.’

સચિન બેઠો એટલે રાશિ પણ ત્યાં આવીને ઊભી રહી ગઈ. જયેશભાઈએ વાત શરૂૂ કરી, ‘જો, બેટા સચિન, રાશિને અમારી સાથે ફાવતું નથી. અમે બંને તેને આંખના કણાંની જેમ ખૂંચીઈ છે. અમારે આખો દિવસ રૂમમાં પુરાઈ રહેવું પડે છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે હવે તમે બંને અહીંથી જાવ, તમારું ઘર લઈ લો.’

‘પણ, પપ્પા… હું બે ઘરના ખર્ચ નહીં ઉપાડી શકું.’

‘ના, અમારે તમારી પાસેથી કાંઈ જોઈતું નથી. અમે અમારી વ્યવસ્થા કરી લીધી છે.’

‘શું કહો છો તમે?’

‘હા, આ ઘર પર રિવર્સ મોર્ગેજ લોન લીધી છે એટલે અમારો ખર્ચ નીકળી જશે. તમે લોકો તમારો રસ્તો કરી લ્યો.

જયેશભાઈની વાત સાંભળીને સચિન અને ખાસ કરીને રાશિના તો મોઢા પરથી નૂર જ ઊડી
ગયુ !.

જિંદગીમાં ક્યારેક મા-બાપે ક-મને પણ સંતાન વિરુદ્ધ આવા કડક નિર્ણય લેવા પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button