પુરુષ

કામ કામ કી બાત કેવા થાય છે જાતભાતના જૉબના જુગાડ

કામ કામને શીખવે એ ખરું,પણ જરૂર પડે ત્યારે કોઈ પણ અતડા કામનેય પોતીકું કરવાની પણ ઉત્તેજના અનોખી છે ને એમાંય ધન પણ ધનાધન છે !

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

વડીલો કહેતા હોય છે: ‘કામ કામને શીખવે, શીખી રાખેલું કામ હંમેશાં એક યા બીજી રીતે કામ લાગે, કોઈ પણ કામ કરવામાં નાનમ ન રાખવી’
ભગવાન કૃષ્ણનો પણ જગજાણીતો ઉપદેશ છે : ‘અવિરત કામ કરતા રહો..ફળની અપેક્ષા ન રાખો.’
‘બસ, અહીં જ આપણા જેવા સામાન્ય -પામર માનવીના ગણિતમાં ગરબડ થઈ જાય છે. ‘ફળની અપેક્ષા ન રાખવી’ એ ઉપદેશ તરીકે ઠીક છે, પણ ફળ-મહેનતાણાની ઉપેક્ષા કરીએ તો જીવનનો રથ દોડે કેમ?’

બીજી તરફ, કામ કે કામગીરીની કમાલ દેખાડીએ તો ‘નામ ને નાણાં મળે’ એવી સલાહ સફળ શ્રીમંતો આપે છે અને આવી સલાહને આત્મસાત કરીને અનેક લોકો જાતભાતના કામ-નોકરી-જોબ પર મંડી પડે છે. એમનો ઉદ્દેશ માત્ર બે ટંકની રોટી-ખીચડી સુધી સીમિત નથી હોતો.એ તો ઊંચી ઉડાન ભરવામાં માને છે. એમનાં સપનાં હોય છે: ‘કોકટેલ અને કોન્ટિનેન્ટલ ડિનર!’
-અને બધા જ જાણે છે કે આવાં ફાઈવ સ્ટાર ભાણાં માટે અવનવાં કામ – જોબ કરવાં પડે. જરૂર પડે જોખમ પણ ખેડવા પડે. ‘માથા સાટે માલ’ની ફોર્મ્યુલા લાગુ કરવી પડે.

આ દુનિયા ગજબની છે-સપનાંમાં પણ ન હોય એવાં અનેક પ્રકારનાં જોબ કરવાં પડે. એમાંય, કોવિડના સંક્રમણ પછી અનેક કામની પરિભાષા જ જાણે બદલાઈ ગઈ છે.એ દિશામાં આરંભ થયો WFH અર્થાત ‘વર્ક ફ્રોમ હોમ’થી બીજા શબ્દોમાં કહો તો ઘર બેસી કામ કરો.. વર્ક પ્લેસ – ‘ઑફિસ આવવાની તસ્દી ન લો’
આવાં કામની શરૂઆત થઈ પછી બધાને એમાં મજા આવવા માંડે, પણ સમય વીતતા આપણને બધાને સમજાવા માંડ્યું કે ‘વર્ક ફ્રોમ હોમ’ એ તો એક ટ્રેપ છે- સોનાની જાળ છે.!

ખેર, આપણે ત્યાં બીમાર-વૃદ્ધ કે પછી કોઈ અપંગ-દિવ્યાંગની સેવા કરવી કે એને મદદરૂપ થવું એ આપણી પરંપરા છે-સંસ્કાર છે.આ રીતે મદદરૂપ થવાની આપણે કોઈ ફી કે પૈસા નથી લેતાં,પણ વિદેશોમાં નિવૃત્ત કે અમુક રીતે અશક્ત વ્યક્તિ વતી કામ કરી આપનારી અનેક કંપની છે,જે વ્યવસાયિક ધોરણે ચાર્જ લઈને તમારાં કામ કરી આપે. એ જ રીતે કેટલીક વ્યક્તિ કે એજન્સી ‘ઓડ મેન્સ જોબ’ તરીકે ઓળખાતાં અમુક ચિત્ર-વિચિત્ર કામ કરી આપે છે. આવાં કામ માટે જોબ ઓફર કરતી કંપનીઓ પણ છે. એક ઉદાહરણ જોઈએ
એક બ્રિટિશ ટ્રસ્ટ દ્વારા એક અવનવા જોબની જાહેરાત થોડા સમય પહેલાં થઈ છે. સૌથી ઠંડીગ્રસ્ત એવા દક્ષિણ ધ્રુવના એન્ટાર્કટિકા પ્રદેશના પોર્ટ લોકરોય વિસ્તારમાં આ ટ્રસ્ટનુ એક મ્યુઝિયમ તથા પોસ્ટઑફિસ છે. પોસ્ટઑફિસનો કારોભાર ચલાવવા અને મ્યુઝિયમની કલાકૃતિઓની સંભાળ રાખવા ઉપરાંત એક વિશેષ કામગીરી માટે યુવાન સ્ટાફની તાતી જરૂર છે.આ કામગીરી છે એન્ટાર્કટિકામાં જન્મતાં- વસતાં પેંગ્વિન પક્ષીઓની વધતી-ઘટતી વસતિની નોંધણી કરી એની સાર-સંભાળ રાખવાની..! વર્ષના પાંચ મહિના આ કામગીરી બજાવવાની અને બાકીના સમયમાં મ્યુઝિયમ તથા પોસ્ટઑફિસનો કારોભાર સંભાળવાનો આ જોબ માટે જરૂરી છે અચ્છી હેલ્થ ધરાવવા યુવાન, જેને પર્યાવરણ તથા પેંગ્વિન પક્ષી વિશે પૂરતું નોલેજ હોવું જરૂરી છે
‘બાય ધ વે, ડ્રિમ જોબ’ તરીકે ઓળખાતી નોકરી માટે પગાર મહિને કેટલાં પાઉન્ડ મળશે એનો ફોડ બ્રિટિશ ટ્રસ્ટે પાડ્યો નથી..

હવે આવા આકરા-ઠંડાગાર જોબ પછી મોંમા રસધારા વહેવા માંડે એવી એક મધુરી નોકરી પર નજર દોડાવીએ..

કેનેડાની એક ઓનલાઈન કંપની છે, જે અનેક પ્રકારની કેન્ડિ-લોલીપોપ બનાવે છે. ચગળવામાં મસ્ત મસ્ત મીઠીતુર લાગે એવી અનેકભાતની કેન્ડિ ટેસ્ટ કરવા-ચાખીને એના સ્વાદ વિશે અભિપ્રાય આપી શકે એવા ‘કેન્ડિયોલોજિસ્ટ’ના હોદ્દા માટે યુવા મહિલા ઉમેદવારની શોધમાં કેનેડાની આ કેન્ડિ કંપની છે. વર્ષે ૩૫૦૦થી વધુ કેન્ડિ ટેસ્ટ કરી શકે તથા કેવા કેવા સ્વાદની નવી પ્રકારની કેન્ડિ તૈયાર કરી શકાય એની સલાહ – માર્ગદર્શન આપી શકે એવા ઉમેદવારની જાહેરખબર આપી પછી માત્ર બે અઠવાડિયામાં આ કેન્ડિ હાઉસ કંપનીને ઓનલાઈન ૧૦૦૦૦૦-એક લાખથી વધુ ઉમેદવારોની જોબ-અરજી મળી છે, જેમાં એક ૮ વર્ષી કેન્ડિશોખીન બાળકી પણ છે…! તમારી સ્વાદ પારખવાની ક્ષમતા અવ્વ્લ હશે તો આ વર્લ્ડ ફેમશ કેન્ડિ હાઉસમાં ‘ચીફ ઑફ કેન્ડિયોલોજિસ્ટ’ તરીકે તમારી નિમણૂક થઈ શકે અને તમારી વાર્ષિક સેલેરી હશે ૧ લાખ કેનેડિયન ડૉલર અર્થાત આપણા વર્ષે આશરે મધમીઠા ૬૨ લાખ રૂપિયા!

હવે આવા મધુરા સ્વાદના સપનાવાળી જોબને વાગોળતા વાગોળતા આગળ વધીએ તો સૂવાની મેટ્રેસ-ગાદલાં બનાવતી બેંગ્લુરુની જાણીતી કંપની ‘વેકફીટ’ કંપની એની પ્રોડક્ટ્સને વધુ સુવિધાજનક બનાવવા અવારનવાર વિવિધ પ્રયોગ કરતી રહે છે. ‘અમારાં બેડ- ગાદલાંમાં ગ્રાહક એકદમ નિરાંતે ઘસઘસાટ સૂઈ શકે છે’ એવો દાવો કરતી
આ સ્ટાર્ટઅપ કંપની એવા ઉમેદવારની શોધમાં રહે છે,જે રોજના ૯ કલાકને હિસાબે સતત ૧૦૦ દિવસ સુધી ઊંઘી શકે તો એની નિદ્રાનું પૃથક્કરણ કરવામાં આવે પછી એને આવી ઊંઘના મહેનતાણા બદલ રૂપિયા ૧૦ લાખ સુધીની રકમ પણ આપવામાં આવે છે…ભલભલાની ઊંઘ ઊડી જાય એવી આ જોબ છે !

બીજી તરફ, જાપાન-ટોકિયોમાં સોજી મોરીમોટો નામનો એક યુવાન એવો છે,જે કોઈ કંપની-એજન્સીને ત્યાં જોબ નથી કરતો, પણ એ સેલ્ફ ઈમ્પ્લોઈડ છે એટલે કે એ જ શેઠ ને એ જ પોતાનો કર્મચારી..! એ બીજાને માત્ર ચોક્કસ સમય માટે કંપની-સાથ આપીને પોતાની આજીવિકા રળે છે. કલાકના ચારેક હજાર રૂપિયા ચાર્જ કરતા આ સોજી મોરીમોટોએ અત્યાર સુધીમાં એની કંપની ઈચ્છતા ૬૦૦થી વધુ ક્લાઈન્ટને સેવા આપી છે.એનો સાથ એવો મજાનો હોય છે કે ગ્રાહક એને વારંવાર બોલાવે છે. એક ક્લાઈન્ટે તો એને કંપની આપવા માટે અત્યાર સુધીમાં ૨૭૦થી વધુ વાર બોલાવ્યો છે. થોડા મહિના પહેલાં ટોકિયોમાં રહેતી એક ભારતીય મહિલાને સાડી પહેરીને રેસ્ટોરાંમાં જવાનો સંકોચ થતો હતો એટલે પેલીએ આ સોજી મોરીમોટોને કંપની આપવા બોલાવ્યો હતો..!
‘એક્સ’ (‘જૂનું ટ્વિટર’) જેવાં સોશ્યિલ મીડિયા પર છએક લાખ ફોલાવર્સ ધરાવતો આ સોજી મોરીમોટોની એક ખાસિયત છે. એ કંપની આપતી વખતે માત્ર કામ પૂરતી વાત કરે છે. કલાઈન્ટ સાથે વધુ આત્મીય થવાનું એ સજાગપણે ટાળે છે
જાપાનના સોજી મોરીમોટોએ તો પોતાની રીતે પોતાનો જોબ ઊભો કર્યો હતો,પણ બ્રિટનમાં એક જોબ એવો છે કે એમાં તમારે વર્ષના માત્ર ૧૮૪ ક્લાક જ કામ કરવાનું ને તગડો પગાર ઘેર લઈ જવાનો! બ્રિટનના દરિયાની ઉત્તર-પશ્ર્ચિમ ખૂણે બે લાઈટહાઉસ છે. બન્ને વચ્ચે ખાસ્સુ અંતર છે. આમ તો બન્નેને દીવાદાડીનું રોજિંદું કામ સ્વસંચાલિત છે તેમ છતાં ચોક્કસ દિવસોમાં એની કામગીરીના ખબર-અંતર લેવા બોટથી દરિયો ખૂંદીને ત્યાં જવું તો પડે તાજેતરમાં આ બન્ને દીવાદાંડીના હાઉસકીપર નિવૃત્ત થયા છે એટલે ખાલી પડેલી એ ‘ડ્રિમ પોસ્ટ’ માટે શારીરિક રીતે ચુસ્ત અને દરિયાનાં ઉછળતાં મોજાં વચ્ચે એકાંતમાં રહી શકે એવા સમુદ્રપ્રેમીની શોધ ચાલી રહી છે
ચીન- દક્ષિણ કોરિયા અને જાપાનની યુવા પેઢી આજકાલ ન જાણે કેમ ઘરસંસાર માંડવાનું ટાળે છે.

ઘરવાળા દબાણ કરીને સગાઈ-લગ્ન ન કરાવી દે એ માટે ‘પોતાની કોઈ પ્રેમિકા કે પ્રેમી છે’ એવું ઠસાવવા માટે જાપાની યુવાન-યુવતીઓ ભાડેથી ‘ગર્લ ફ્રેન્ડ-બોય ફ્રેન્ડ’ લઈ આવે છે.હવે ચીનમાં પણ આવી રેન્ટલ સર્વિસ શરૂ થઈ છે આપણે ત્યાં પણ દિલ્હી જેવાં મહાનગરમાં ખાનગીમાં આવી ‘સેવા’ મળવા માંડી છે..

આપણે ત્યાં તો જરાય જરૂર ન પડે, પણ યુરોપના દેશોમાં તો મેરેજ વખતે જોઈતી સંખ્યામાં મહેમાનો ન મળતા હોવાથી પોતાનું ખરાબ ન લાગે માટે અમુક મહેનતાણું આપીને ‘વેડિંગ ગેસ્ટ’ તરીકે શોભામાં ‘અભિવૃદ્ધિ’ કરનારાને બોલવવામાં આવે છે!

આવા તો અનેક ઑડ-વિચિત્ર જોબની લાંબી-પહોળી યાદી બની શકે.બાકી આપણે ત્યાં તો નેતાજીઓની જાહેર સભા કે ચૂંટણી પ્રચાર વખતે બસ-ટ્રેનો ભરીને ‘શ્રોતા’ની ભીડ ઊમટાવવાના જુગાડમાં કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે આપણને પહોંચી શકે ?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button