મુખ્બિરે ઈસ્લામઃ બંધુત્વની બુનિયાદ પર રચાયો ઈસ્લામ: ચાલો, દિવાળીને વધુ રોશન બનાવીએ

અનવર વલિયાણી
‘મઝહબ નહીં શીખાતા આપસ મેં બૈર રખના’
- ડૉક્ટર ઈકબાલ સા’બની આ પંક્તિમાં દીને ઈસ્લામની બુનિયાદી તાલીમની હિદાયત; આદેશ; ઉપદેશ; બોધ સંકળાયેલી છે.
ઈસ્લામ
- પ્રેમ, * સમાધાન, * સહનશીલતાની તાલીમ, શિક્ષણ આપનારો ધર્મ છે.
- તેના પાયાના સિદ્ધાંતોમાં અમન, શાંતિ, ભાઈચારો કાયમ રાખવાની ઉમ્મત; અનુયાયી; પ્રજાને શીખ છે, ધર્મજ્ઞાન છે.
-દુશ્મની, – નફરત, – વેરઝેર, – મતભેદ જેવી બાબતોથી સદા દૂર રહેવા, – ભાઈચારો કાયમ કરવા, – જગતકર્તા, સૃષ્ટિના સર્જનહારનું ફરમાન છે.
રહેમત કૃપા બનીને આ ધરતી પર પધારેલા અંતિમ પયગંબર; સંદેશવાહક હઝરત મુહંમદ (સલ.)એ ચૌદસો, સાડા ચૌદસો વર્ષ પૂર્વે અલ્લાહના આદેશને અનુસરીને અલ્લાહના આ પયગામને લોકો સુધી પહોંચાડ્યો છે.
ઈસ્લામનો પાયો જ જ્યારે આવી ભાવના, નીતિ-નિયમો પર ઘડાયો હોય ત્યાં નફરતનો પ્રશ્ર્ન જ નથી ઉદ્ભવતો. નાના-મોટા સૌ પ્રત્યે આદરભાવનાની તે શિખામણ આપે છે, ઉપરાંત ઈસ્લામમાં બળજબરીને કોઈ સ્થાન નથી.
ત્વારિખ ગવાહ છે કે હિંદમાં મુસ્લિમો સૌ સાથે હળીમળીને રહેતા આવ્યા છે. દરેક ધર્મ – સમાજના તહેવારો અને ઉત્સવોમાં સામેલ થતા આવ્યા છે અને એ પરંપરા ચાલુ જ રહેવા પામશે કારણ કે ઈસ્લામનો એવો ઉપદેશ છે કે મોમીન બંદો જે દેશમાં રહેતો હોય તેને વફાદાર રહે.
ભાઈબંધ કોમના લોકો સાથે આદરભાવ રાખે તથા જે તે દેશના કાયદાનું ઈમાનદારીપૂર્વક પાલન કરે. પરસ્પર પ્રેમ અને ભાઈચારાની વચ્ચે ધર્મ અવરોધ બનવો જોઈએ નહીં અને એટલે જ દિવાળીનો આ તહેવાર કોઈ એક ધર્મ પૂરતો મર્યાદિત બની ન રહેતા તે સઘળા ધર્મનો ઉત્સવ બની ગયો છે જેમાં મુસ્લિમો પણ બાકાત નથી રહ્યા.
પ્રકાશનું પર્વ એટલે દિવાળી. ચોમેર અજવાળાં પાથરવાનો આ તહેવાર. પ્રેમનો, સદ્ભાવનો, શ્રદ્ધાનો, પરસ્પર વિશ્વાસનો, પ્રમાણિકતાનો, સહાનુભૂતિ અને સહિષ્ણુતાના સંદેશ સાથે આખી દુનિયામાં અમન-શાંતિ અને એખલાસની ભાવના જન્માવવા માટેનો આ તહેવાર પરદેશમાં પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે.
દિવાળીના તહેવારને દરેક ધર્મ, કોમ અને સંપ્રદાયના લોકોની સામેલગીરીથી ચાર ચાંદ લાગી જાય છે. ફટાકડા ફોડવા અને આતશબાજી માત્ર એક ધર્મ સુધી સીમિત ન રહેતા અન્ય ધર્મના લોકો પણ તેમાં ઉલ્લાહસભેર ભાગ લેતા થઈ જતા જોવા મળે છે.
ઈદ મુબારક જેવો જ દિવાળીનો તહેવાર પણ હોઈ, મુસ્લિમો માટે આ ઉત્સવ પ્રેમ અને ભાઈચારનો સંદેશ ફેલાવી સુમેળભર્યું વાતાવરણ સર્જવામાં મદદરૂપ થવા માટેની અનેરી તક સમાન બની રહે છે. સૌ પ્રત્યે માન-આદર ધરાવવા અને દરેક ધર્મ પ્રત્યે પ્રેમ-મહોબ્બતની નજરે જોવાની હિદાયત આપતા ઈસ્લામના સંદેશને અનુસરીને મોમીનો સર્વધર્મ સદ્ભાવ, સહિષ્ણુતા, એખલાસ અને બંધુત્વની ભાવનાને વિકસાવવામાં હરહંમેશ પ્રવૃત્ત છે.
ખાસ કરીને તમામ કોમના વેપારીઓ વચ્ચે આ તહેવાર ઋણાનુબંધની અનોખી ગાંઠ છે. દરેક વેપારી બજારમાં એકબીજાના ટેકા પર નભતા હોય છે. ત્યાં મુખ્ય ઉદ્દેશ વેપારી તરીકેની શાખને જાળવી રાખીને બજારમાં ટકી રહેવાનો હોય છે. આવી શાખ અને પ્રતિષ્ઠા કોઈ પણ ધર્મ – કોમ-સમાજનો વેપારી માત્ર ત્યારે જ હાંસલ કરી શકે, જ્યારે તેનો વ્યવહાર ચોખ્ખો, પ્રમાણિક હોય અને તેના અન્ય વેપારીઓ સાથેના સંબંધ સુમેળભર્યા, પ્રેમાળ અને જરૂર પડયે મુસીબતમાં સપડાયેલા વેપારીની મદદે દોડી જવા માટે આતુરતા દાખવનારા હોય.
આ બધું એક્શન-રિએક્શન પર પણ નિર્ભર કરતું હોય. ભારતના દરેક મુસલમાન વેપારીઓ શક્ય તેને અનુસરી ભાઈબંધ કોમના વેપારીઓને દિલથી આવકારતા હોય છે અને દિવાળીના તહેવાર અન્ય કોઈપણ ધર્મોના તહેવારોની જેમ આપણને આવી જ શિખામણો અને બોધ પૂરાં પાડતાં હોઈને પરસ્પરનો સહકાર, વિશ્વાસ અને સહિષ્ણુતા પર જ વેપારી સમુદાયનો સમગ્ર આધાર રહેલો છે. ત્યાં ધર્મ અને સંપ્રદાયના વાડા માટે અવકાશ નથી.
દિવાળી પ્રેમ અને ભાઈચારનો સંદેશ ફેલાવી સુમેળભર્યું વાતાવરણ સર્જવાનો મહામૂલો અવસર હોઈ, બારગાહે ઈલાહીમાં સર્વસર્જનહાર પાસે સપરમા દિવસે દિલી દુઆ છે કે અમારા દેશમાં અને સમગ્ર વિશ્ર્વના દેશોમાં હરહંમેશ શાંતિ, એખલાસ અને ભાઈચારાનું વાતાવરણ પ્રવર્તતું રહે…! આમીન, તથાસ્તુ, ઈશ્ર્વર, અલ્લાહ, પ્રભુ, ગૉડ સૌનું ભલું કરે.
સાપ્તાહિક સંદેશ
- હલાલ રોજીની તલાશ કરો. હરામ રોજી તરફ જરા પણ દિલ લગાડશો નહીં.
આ ત્રણ બાબત ત્રણ બાબતમાં કદી મોડું કરશો નહીં:
- નમાઝ કે જ્યારે તેનો સમય થઈ જાય.
- જનાઝો જ્યારે તે તૈયાર હોય અથવા લાવવામાં આવે અને
- અપરીણિત (કુંવારી) સ્ત્રી, જ્યારે તેની બરાબરની જોડ (પાત્ર) મળી જાય.
- પયગંબર હઝરત મુહંમદ (સલ.)
આ પણ વાંચો…મુખ્બિરે ઈસ્લામઃ મોત સનાતન સત્ય: સ્વામી અને સેવક સમાન