આ તો દીકરા કે દીપડા?

નીલા સંઘવી
કુસુમબહેન અને કનુભાઈનો હસતો રમતો પરિવાર. બે દીકરા અને એક દીકરી. કુસુમબહેન બાળકોને સુવડાવતી વખતે ‘તમે મારાં દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છે, આવ્યા ત્યારે અમર રહો!’ જેવાં હાલરડાં ગાતાં ગાતાં મનમાં મલકાતાં જાય. ત્રણેય બાળક એટલે એમને મન શી વાત! કનુભાઈનો વ્યવસાય પણ સારો ચાલતો હતો. પૈસાટકાની કોઈ ખોટ નહોતી. સંતાનો આમ તો થોડા મોઢે ચડાવેલા એટલે ત્રણમાંથી એકેય ખાસ ભણ્યા નહીં. કોલેજનો ઉંબરો તો ચડયા પણ ગ્રેજયુએટ થઈ શકયા નહીં.
દીકરાઓ તો પિતાનો વ્યવસાય હતો એટલે એમાં સેટલ થઈ ગયા. દીકરી પરણી ગઈ. દીકરાઓ પણ પરણ્યા. વહુઓ આવી. બે વહુ આવી એટલે સામાન્યપણે જેમ બને છે તેમ જ બન્યું. દેરાણી – જેઠાણી વચ્ચે ખટપટ શરૂ થઈ ગઈ. કનુભાઈએ નાના દીકરાને અલગ ઘર અપાવી દીધું અને જુદો કર્યો. કુસુમબહેન અને કનુભાઈ સાથે મોટો દીકરો અને વહુ રહ્યા. હવે બધું ઠીકઠાક ચાલતું હતું. બંને દીકરા અને વહુઓ વચ્ચે બોલવા વહેવાર ન હતો પણ મા-બાપના સંબંધ બંને સાથે ઠીકઠાક હતા. બોલવામાં બંને દીકરા બહુ જબરા. ઝઘડી પણ ઘડીકમાં પડે. નાનપણથી મોઢે ચડાવેલા હોવાને કારણે કોઈનું જરા પણ સાંભળે નહીં.
આવા માહોલ વચ્ચે કુસુમબહેન તો વધારે બોલી જ શકે નહીં, કારણ કે કાંઈક બોલવા જાય તો કનુભાઈ જ સૌપ્રથમ તોડી પાડે. કનુભાઈની આ આદતને કારણે બંને દીકરાઓ પણ માને વાતવાતમાં તોડી પાડતા. માની આમન્યા જાળવવાનું તેઓ શીખ્યા જ ન હતા. નાનપણમાં માએ જે પ્રેમ આપ્યો હતો, એમના ઉછેરમાં જે જહેમત ઊઠાવી હતી એ બન્ને દીકરા ભૂલી પણ ગયા હતા. જોકે, કનુભાઈ સામે બંનેનું કાંઈ ઊપજતું નહીં કારણ કે કનુભાઈ કડક સ્વભાવના હતા. એટલે પિતાથી બંને ડરતા ખરા.
એક દિવસ દુકાનેથી કનુભાઈ ઘેર આવ્યા ત્યારે તાવથી શરીર ધમધમતું હતું. બે-ત્રણ દિવસ દવા લેવા છતાં તાવ ઉતર્યો નહીં. હોસ્પિટલમાં દાખલ કર્યાં. રિપોર્ટમાં કમળો હતો. ઘણી સારવાર છતાં સારું ન થયું ને કમળી થઈ ગઈ ને ડોકટરના અથાક પ્રયત્ન છતાં કનુભાઈને બચાવી શકાયા નહીં.
આ પણ વાંચો…તંદુરસ્તી તમારા પગમાં…
કુસુમબહેન પોતાના જ ઘરમાં મોટા દીકરા સાથે રહેતાં હતાં પણ પિતાના મૃત્યુને એકાદ વર્ષ થયું પછી મોટી વહુએ પ્રોત પ્રકાશ્યું, ‘આખી જિંદગી બાને અમે જ રાખ્યાં છે. હવે નાનાને ઘેર જાય. અમે થોડી ગધેડી પકડી છે’ આમ કહીને કુસુમબહેનનો સામાન પેક કરીને નાના દીકરાને ઘેર મૂકી આવ્યા. નાનો દીકરો અને વહુ ભડકયાં :
‘એક તો ‘અમારું ઘર તો નાનું છે અહીં અમે બાને કેવી રીતે રાખી શકીએ?!’ પણ મોટો દીકરો અને વહુ તો મૂકીને ચાલ્યા ગયા હતા એટલે શું કરે? પરાણે રાખતા હતા. રાખે તો શું? મોઢામાં કોળિયો અને માથામાં ટુંબો જેવો ઘાટ હતો. જે બાઈ રાણીની જેમ રહી હતી પતિના રાજમાં એની હાલત આજે આશ્રિત જેવી થઈ ગઈ હતી. કુસુમબહેન હવે સાવ ઓશિયાળા થઈ ગયાં હતાં. વહુ-દીકરો જેમ કહે તેમ કરવાનું, જે આપે તે ખાવાનું, તેમના મેણાંટોણાં પણ સાંભળવાના…બીજું શું કરે? ચુપચાપ સહન કરી લેતાં હતાં .
એવામાં નાના દીકરા-વહુને થોડા દિવસ બહારગામ જવાનું થયું એટલે એ કુસુમબહેનને મોટા દીકરાને ઘેર મૂકી આવ્યા. કુસુમબહેન થોડા દિવસ રહ્યા એ દરમિયાન એમણે ગળામાં પહેરેલ મગમાળા, હાથની સોનાની બંગડીઓ, કાનમાં પહેરેલાં સાચા હીરાના બુટિયા, નાકની સાચા હીરાની ચૂંક બધું જ મોટા દીકરાએ લઈ લીધું. અને નાના દીકરાને ત્યાં મૂકી આવ્યા. બિચારા કરોડપતિ કુસુમબહેન! દીકરી મળવા આવી બધી વાત જાણી. મા માટે ખોટા દાગીના લઈ આવી. જે મહિલાએ ક્યારેય ખોટાં ઘરેણાં પહેર્યાં ન હતાં તે નકલી દાગીના પહેરીને બેઠાં રહ્યાં અને જીવ બાળતા રહ્યાં.
આ તરફ, દીકરીના જીવને પણ ક્યાંય ચેન પડતું નથી. મારી માની આવી હાલત. બેઉ દીકરા મા સાથે વાત કરતા નથી. વહુઓને તો સાસુમાં શું રસ હોય? આખો દિવસ એકલા ચૂપચાપ બેઠાં બેઠાં કુસુમબહેન ડિપ્રેશનમાં ચાલ્યાં ગયા. એકલાં એકલાં બોલ્યા કરે. નાના દીકરા-વહુએ હવે જીદ પકડી કે ‘હવે અમે નહીં રાખીએ. આટલાં વર્ષ રાખ્યા. હવે મોટાને ઘેર મૂકો.’ મોટાએ ચોખ્ખી ના પાડી દીધી, ‘મારે ત્યાં નહીં.’ આ એજ મા છે જેણે હાલરડાં ગાઈને, રાતના ઉજાગરા વેઠીને એમને મોટા કર્યાં છે…પણ આવું બધું સમજવા બેમાંથી એક પણ તૈયાર નથી. નાના ભાઈએ મીટિંગ બોલાવી પોતાના કાકા-ફૂઈ બધાંને ભેગા કર્યાં. બેન-બનેવી અને મોટાભાઈ-ભાભી પણ આવ્યા.
આવેલા વડીલોએ બંને ભાઈને સમજાવ્યા, ‘મા સાથે આવું ન કરાય, હવે કેટલાં વર્ષ જીવવાના છે. જે બે-ચાર વર્ષ બાકી હોય તે એમને સાચવી લો? પણ બેમાંથી એકેય દીકરો માને સાચવવા તૈયાર ન થયો તેથી વડીલોએ કહ્યું, ‘તો પછી એમને વૃદ્ધાશ્રમમાં મૂકી દો.’
બંને દીકરા-વહુ તો સંમત થઈ ગયા, પણ દીકરી બોલી,
‘ના, ના મારી મા વૃદ્ધાશ્રમમાં નહીં રહી શકે. એમને ત્યાં ન ફાવે.’
‘તો તું લઈ જા તારા ઘેર’ ભાઈઓએ કહ્યું.
‘હા, અમે અમારા ઘેર લઈ જઈએ છીએ બાને.’ જમાઈએ કહ્યું. કુસુમબહેનનો સામાન પેક કરીને દીકરી-જમાઈ એમને પોતાના ઘેર લઈ ગયા અને બંને નફફટ દીકરા-વહુ રાજી થઈને જોતાં રહ્યાં….
એ બન્ને દીકરા નહોતા…માનું લોહી પીનારા દીપડા હતા!
ભારતમાં વૃદ્ધો…
આપણા સમાજમાં વૃદ્ધો એ અનુભવ, જ્ઞાન અને સંસ્કારના જીવંત ભંડાર છે. એમણે પોતાના જીવનનો મોટો હિસ્સો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સેવા માટે વિતાવ્યો છે. જીવનના છેલ્લા પડાવમાં-ઉત્તરાર્ધમાં એમને સ્નેહ, સન્માન અને સહારાની જરૂર હોય છે. વૃદ્ધાવસ્થા ઘણી વખત શારીરિક રીતે નબળાઈ અને આરોગ્ય સંબંધિત પડકારો લઈને આવે છે, પરંતુ સાથે સાથે એ જીવનનો એવો સમય છે જેમાં માણસ પોતાની જીવનયાત્રાનો અનુભવ અન્ય સાથે વહેંચી શકે છે. એમના જીવનના અનુભવો યુવાન પેઢીને માર્ગદર્શન આપે છે. શહેરીકરણ, નોકરી માટેનું સ્થળાંતર અને પરિણામે કુટુંબની વૃદ્ધિએ વૃદ્ધોને એકાંત તરફ ધકેલી દીધા છે. ઘણાં વૃદ્ધો એકલવાયા જીવન જીવે છે અથવા તો ‘વૃદ્ધાશ્રમ’નો સહારો લે છે. કેટલાકને આરોગ્યની સમસ્યાઓ, આર્થિક સંકટ કે માનસિક તાણનો સામનો કરવો પડે છે.
ભારતમાં 2025માં વૃદ્ધોની સંખ્યા આશરે 15.3 કરોડ જેટલી છે. જેમાં 70 વર્ષથી વધુ આયુ ધરાવતા વૃદ્ધોની સંખ્યા આશરે 6.5 કરોડ છે.
આખા ભારતમાં લગભગ 4000 જેટલા વૃદ્ધાશ્રમ છે, જેમાં ખાનગી અને રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…અહા…કેવી મસ્ત મજાની જિંદગી!