સંધ્યા છાયાઃ માતા-પિતા બોજ છે?

નીલા સંઘવી
ત્રણ-ચાર બાળકોને માતા-પિતા આસાનીથી ઉછેરે છે. એક જ રૂમનું ઘર હોય તોય માતા-પિતા બાળકોને પ્રેમથી ઉછેરે છે, પણ એ જ માતા-પિતા વૃદ્ધ થાય, બાળકો યુવાન થાય ત્યારે એ જ ચાર બાળકો વચ્ચે માતા-પિતા સચવાતા નથી. ઘણીવાર તો મા-બાપ બેમાંથી એક જ હયાત હોય છે તો ય સચવાતા નથી. હા, એ વાત સાચી છે કે આજે ત્રણ-ચાર સંતાન નથી હોતા, બેજ હોય છે અને ક્યારેક તો એક જ.
સ્મિતાબહેન અને શિરીષભાઈને એક દીકરો અને એક દીકરી. મધ્યમવર્ગીય પરિવારમાં બેય બાળકના યોગ્ય ઉછેર થયા. માતા-પિતા તરફથી ભરપૂર પ્રેમ-વહાલ મળ્યા. બંને સારું ભણ્યા-ગણ્યા અને યોગ્ય ઉંમરે પરણી પણ ગયા. બંને સંતાન પોતાની રીતે સુખી હતા. દીકરો વરી પરણીને કેનેડા સ્થાયી થયો. દીકરી અમદાવાદ જ હતી.
સ્મિતાબહેન- શિરીષભાઈને હાશ થઈ. બંને સંતાનોને પોતાની મર્યાદિત આવક અને ઓછા સાધનો છતાં સરસ રીતે ઠેકાણે પાડ્યા. દીકરી અમદાવાદમાં બાજુમાં જ હતી એટલે બંનેને આશ્વાસન હતું કે દીકરો દૂર છે, પણ દીકરી બાજુમાં જ એટલે સાજેમાંદે ચિંતા નથી. સ્મિતા બહેન-શિરીષભાઈ હજુ તો ફીટ એન્ડ ફાઈન જ હતાં .. બ્લડપ્રેશર, સાયનસ જેવી બીમારીઓ હતી પણ નિયમિત દવા લેવાથી વાંધો આવતો ન હતો. બંને રિટાયર્ડ લાઈફ શાંતિ અને સંતોષથી જીવતા હતા. દીકરો તો દૂર હતો પણ દીકરીનેય તકલીફ ન આપતા.
આજની ફાસ્ટ લાઈફમાં જીવતું જનરેશન સમય આપી શકે તેમ નથી. આ સંતાનો પોતાની જિંદગીમાં જ એટલા બધાં ઉલઝેલા છે કે માતા-પિતાના પ્રશ્નો ઉકેલવાનો તેમની પાસે સમય જ નથી. તેથી શિરીષભાઈ-સ્મિતાબહેન પોતાની તકલીફની વાત દીકરા-દીકરી બેમાંથી એકેયને કરતા નહીં પોતાની મુસીબત સાથે પોતે જ લડી લેતા. સિત્તેરના થવા આવ્યા છતાં આજ સુધી તેમને પોતાના સંતાનોની મદદ લેવાની જરૂર પડી ન હતી.
કેનેડાથી પુત્ર ત્રણ અઠવાડિયાનું વેકેશન લઈને આવ્યો હતો. પુત્ર સાથે પુત્રવધૂ અને પૌત્ર પણ હતા. પુત્રનો પરિવાર આવ્યો હતો. સ્વાભાવિક છે કે દીકરી-જમાઈ પણ પોતાના ભાઈ-ભાભી-ભત્રીજાને મળવા આવે જ. રવિવારની રજાને દિવસે દીકરી-જમાઈ-દોહિત્રી સ્મિતાબહેનને ઘેર આવ્યા. સ્મિતાબહેને દીકરીના પરિવારને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. સાથે જમે અને પછી નિરાંતે બેસીને આખોય પરિવાર આનંદ કરી શકે તેવી સ્મિતાબહેનની ગણતરી હતી. દીકરો બોલ્યો, “મમ્મી, આવી પુરણપોળી અને ઊંધિયું ખાવા માટે તરસી ગયો હતો. ત્યાં અમારા નસીબમાં આવું બધું ખાવાનું નથી હોતું અને મમ્મી તમારા હાથમાં તો જાદુ છે. તમારી જેવી રસોઈ કોઈ ન બનાવી શકે.”
જમીને સૌ દીવાનખાનામાં બેઠાં. કોઈ સોફા પર આડું પડ્યું, તો કોઈ પગ લંબાવીને બેઠું. બાળકો મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા. એટલે સ્મિતાબહેને ટપાર્યા, “છોકરાંઓ મોબાઈલ મૂકો. આખો દિવસ શું મોબાઈલ મચડ્યા કરો છો? બધાં ભેગાં થયાં છે તો વાતો કરો, ગીતો ગાવ, ડાન્સ કરો આ શું? મોબાઈલ જ ચોવીસે કલાક.” કહીને સ્મિતાબહેને બંને બાળકો પાસેથી મોબાઈલ લઈ લીધાં.
સ્મિતાબહેનનો દીકરો બોલ્યો, “મમ્મી, વાત કરવાનું કહીને સારું યાદ કરાવ્યું. મારે બહેન સાથે વાત કરવી જ હતી. કેનેડા બેઠાબેઠા મને મમ્મી-પપ્પા તમારા બંનેની બહુ ચિંતા રહ્યા કરે છે. દીકરાની વાત સાંભળીને સ્મિતાબહેન-શિરીષભાઈ બંને બહુ ખુશ થયા. દીકરાને પોતાની ચિંતા છે, દીકરો પોતાને માટે વિચારે છે જાણીને તેઓ બંને ખુશ થયા. દીકરો પોતાની બહેન તરફ ફરીને બોલ્યો,
“જો બહેન, હું કેનેડા છું. મમ્મી-પપ્પા બીમાર પડે તો હું કાંઈ ઘડી ઘડી આવી ન શકું. તેથી આગળ જતા તેમની વ્યવસ્થા કંઈ રીતે કરવી તે આપણે વિચારી લેવું પડશે.”
“હા, ભાઈ તારી વાત સાચી છે. તું દૂર છે એટલે આવી ન શકે. અને હું પાસે છું પણ મારે મારા પરિવારની જવાબદારી છે તેથી મારા માટે પણ તેમની સંભાળ રાખવી મુશ્કેલ છે.”
“તો શું કરીશું? જો અમારે ત્યાં તો ઉંમર થાય એટલે બધાં જ લગભગ સિનિયર સિટિઝન હોમમાં જતા રહે. આપણે પણ મોમ-ડેડ માટે કોઈ સરસ વૃદ્ધાશ્રમ શોધી કાઢીએ. તેઓ ત્યાં આરામથી રહી શકે. પૈસાની ચિંતા નથી પૈસા તો હું મોકલી આપીશ.”
“તારી વાત સાચી છે ભાઈ. આપણે યોગ્ય વૃદ્ધાશ્રમ શોધી કાઢીશું.”
પોતાના પુત્ર-પુત્રીની વાત સાંભળીને સ્મિતાબહેન-શિરીષભાઈને શોક લાગ્યો. અમે બંને હજુ ફીટ એન્ડ ફાઈન છીએ. આજ સુધી ક્યારેય બેમાંથી એકેય પાસે સેવા કરાવી નથી. તો અમે તમને ક્યાં નડીએ છીએ? અને તમે બંને ભાઈ-બહેન નક્કી કરી લ્યો છો, અમને તો પૂછો કે અમારી શું ઈચ્છા છે?
બંનેને બહુ દુ:ખ થયું. એવું ન હતું કે તેમને સંતાનોની સેવા લેવી છે તેઓ પોતે પણ અટકી જશે ત્યારે વૃદ્ધાશ્રમ જશે એવું જ વિચારતા હતા , પણ તેમના મનમાં હતું કે સંતાનો તેમને વૃદ્ધાશ્રમ નહીં જવા દે કારણ કે આજ સુધી તેમનું કાંઈ કરવું પડ્યું ન હતું તેથી છેલ્લા સમયમાં કદાચ કરવું પડશે તો કરશે. તેમને બહુ જ ખરાબ લાગ્યું કે બેમાંથી એકેય એમ ન બોલ્યું કે `એવી કોઈ આપદા આવશે ત્યારે જોઈશું .. મોમ-ડેડને આપણા ઘેર લઈ જશું !’
કેટલા વહાલથી પાળેલા સંતાનોને માતા-પિતા બોજ લાગવા માંડે ત્યારે દુ:ખ તો થાય જ ને?



