પુરુષ

કેવાં હોશિયાર હતા એ વડીલ…

નીલા સંઘવી

‘ઘરડા ગાડા વાળે’ એ કહેવત આમ જ નથી પડી. ખરેખર વડીલો અનુભવી હોય અને એ અનુભવને કારણે તે બધા જીવનની ઘણી સમસ્યાઓ ઉકેલી શકે છે. યુવાનો પાસે શિક્ષણ છે, ટેક્નોલોજીનું જ્ઞાન છે, પણ જીવનનો અનુભવ નથી.

‘ઘરડા ગાડા વાળે’ આ કહેવત કંઇ રીતે પડી તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. એક ગામમાં એક યુવાનના લગ્ન હતા. જે યુવાનનાં લગ્ન હતા તેને પહેલેથી વૃદ્ધો પ્રત્યે અણગમો અને તેના મનમાં એમ પણ ખરું કે ઘરડાઓ સાથે આવશે તો આપણે બહુ મજા નહીં કરી શકીએ. એમની મર્યાદા જાળવવી પડશે. એટલે વરરાજા એ એલાન કર્યું કે જાન લઇને આપણે બીજે ગામ જવાનું છે, પણ જાનમાં એક પણ વૃદ્ધને નથી લઇ જવાના.

હવે વરરાજાએ જ ના પાડી એટલે કોઇ વૃદ્ધ કેવી રીતે સાથે થાય? પણ વરરાજાનો એક મિત્ર હતો તે અને તેના પિતા બે જ જણ ઘરમાં હતા. પિતાને એકલા મૂકીને જવાનો પેલા મિત્રનો ઇરાદો ન હતો. એટલે પિતાને ખરાબ લાગ્યું કે પોતાને કારણે પુત્ર લગ્નમાં નહીં જઇ શકે તેથી તેમણે પોતાના પુત્રને કહ્યું, ‘તું ચિંતા નહીં કર હું છુપાઇને તારી સાથે આવી જઇશ.’ પછી દીકરા સાથે ગાડામાં છુપાઇને પેલા પિતા જાનમાં ગયા.

હવે લગ્ન રંગચંગે પતી ગયા. કન્યા વિદાયનો સમય થયો ત્યારે કન્યાના પિતાને વર પક્ષની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો એટલે તેમણે કહ્યું, ‘મારી કન્યાને વિદાય કરતા પહેલા મારી એક શરત છે એ તમારે પૂર્ણ કરવી પડશે. શરત પૂર્ણ કર્યા જ પછી જ મારી કન્યાને તમારી સાથે વિદાય કરીશ..’

વરરાજાએ પૂછ્યું: ‘શું શરત છે તમારી?’

‘અમારા ગામનો કૂવો ઘીથી ભરી દો’. કન્યાના પિતાએ કહ્યું, વરરાજા સહિતના યુવાનો તો વિચારમાં પડી ગયા. કૂવામાં તો કેટલું બધું ઘી જોઇએ. આટલું ઘી લાવવું કયાંથી અને એનાથી કૂવો ભરવો કેવી રીતે? બધા જુવાનિયા મૂંઝાયા. હવે જે યુવાન પોતાના પિતાને છુપી રીતે લઇને આવ્યો હતો તે પિતાની પાસે ગયો અને શરતની વાત કરી. પિતાએ કહ્યું ‘એમાં શું સાવ આસાન રસ્તો છે. તું મને વેવાઇ પાસે લઇ જા. એમને હું કહીશ…

યુવાનના તો પિતા સાથે વરરાજા પાસે ગયો અને જણાવ્યું કે તેના પિતા પાસે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. વરરાજા તો રાજીના રેડ થઇ ગયા. બધાં વેવાઇ પાસે ગયા, યુવાનના પિતાએ વેવાઇને કહ્યું

‘અમે કૂવો ઘીથી ભરી દેવા તૈયાર છીએ, અમારી પણ એક શરત છે.’
‘બોલો’ વેવાઇ કહ્યું. ‘પહેલાં તમે કૂવામાં જે પાણી છે તે ખાલી કરાવી આપો એટલે અમે કૂવામાં ઘી ભરી દઇએ.’

વડીલની વાત સાંભળીને વેવાઇ રાજી થઇ ગયા અને કન્યાને વિદાય કરી. કન્યાને લઇને ગાડા પોતાને ગામ જવા પાછા વળ્યા એટલે કહેવત પડી ‘ઘરડા ગાડા વાળે.’

આજે એવાં જ એક અનુભવ સિદ્ધ માણેકબાની વાત આપણે અહીં કરવી છે. માણેકબા ગર્ભ-શ્રીમંત પતિના અવસાન બાદ સાવ એકલાં થઇ ગયાં. સંતાન હતા નહીં , પણ માણેકબા પતિનો વ્યવસાય સુપેરે સંભાળતાં હતાં.

માણેકબા બહુ ભણેલાં હતાં નહીં, પણ ગણેલાં હતાં. તેમની કોઠાસૂઝ ગજબની અને સ્નેહાળ તો એવા કે ન પૂછો વાત. જેટલો સ્નેહપૂર્ણ વ્યવહાર પિયરિયાં સાથે રાખે તેટલો જ સ્નેહપૂર્ણ સંબંધ સાસરિયા સાથે રાખે. આમ સૌ સંબંધીઓને માણેકબા માટે બહુ માન અને પ્રેમ પણ ખરો.

સમય જતા માણેકબાએ વ્યવસાય સમેટી લીધો. હોશિયાર પણ એવાં કે બધાં રૂપિયાનું એમણે વ્યવસ્થિત રીતે રોકાણ કરી દીધું, પાછળનું જીવન આનંદથી જીવવા સાથે સમાજોપયોગી કાર્ય કરવાનું શરૂ કર્યું. જરૂરિયાતમંદોને શિક્ષણ માટે, મેડિકલ માટે સહાય કરવા લાગ્યાં. કોઇ વખત નો માર્યો પરિવાર હોય તો તેમને છાનામાના અનાજ મોકલાવી આપે. મદદ કરે તો એવી રીતે કરે કે જમણા હાથે આપેલું ડાબા હાથને પણ ખબર ન પડે.

આવાં હોશિયાર માણેકબા થોડા સમયથી બીમાર રહેતાં હતાં. પોતાનો તો કોઇ વિસ્તાર હતો નહીં. પોતાની સંપત્તિની વ્યવસ્થા કરવાની હતી. માણેકબાના એક નણંદ, જે તેમનાં જેવાં જ હોશિયાર. માણેકબાએ તેમને પોતાના ઘેર રોકાવા બોલાવી લીધાં. પછી પોતાની સંપત્તિનું વિભાજન કેવી રીતે કરવું છે તે નણંદને સમજાવ્યું. બધું લખાણ કરાવી લીધું.

સંપત્તિનો અમુક હિસ્સો તેમને દાન કરવો હતો. કઇ કઇ સંસ્થાને કેટલી રકમ આપવી છે તે લખાવ્યા પછી બાકી રહેતી રકમ માણેકબાએ પોતાની સાસરીના સગા અને પિયરના સગાને સરખે ભાગે વહેંચી દીધી. કોઇને અન્યાય ન થાય તે રીતે બધાંને સારી એવી રકમ મળે એવી વ્યવસ્થા કરી. પોતે નણંદ સાથે મળીને નાના નાના પાઉંચમાં જેને જે રકમ આપવાની હોય તેના નામની ચિઠ્ઠી સાથે મૂકી દીધી.

જવેલરી પણ જેને આપવાની હોય તેના નામ સાથે પાઉંચમાં મૂકી દીધી. વકીલને બોલાવી લીધો અને દાન વગેરે માટે જે પેપર્સ તૈયાર કરવાના હોય તે કરાવી લીધાં. પછી એક ફંકશનનું આયોજન કર્યું બધાં સગાંસંબંધીને બોલાવ્યા-જમાડ્યા અને દરેકને પોતાનો હિસ્સો આપી દીધો. સગાવ્હાલા તો રાજીના રેડ થઇ ગયા. સૌને જાણે અચાનક લોટરી લાગી ગઇ. ફંકશન પછીના ત્રીજા દિવસે માણેકબાએ દેહ છોડ્યો ત્યારે તેમના ચહેરા પર પરમ શાંતિ હતી.

આપણ વાંચો:  સંધ્યા છાયાઃ માતા-પિતા બોજ છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button