પુરુષલાડકી

એકસ્ટ્રા અફેર: હિંદુઓ સંઘ-ભાજપના ખૂંટે બંધાયેલાં ઢોર નથી…

-ભરત ભારદ્વાજ

ભારતમાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો પરના દાવા વધતા જાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આપેલા નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. મોહન ભાગવતે હિંદુઓને સલાહ આપી છે કે, દેશમાં દરેક મસ્જિદ નીચે મંદિરો શોધવાની જરૂર નથી અને હિંદુઓએ આ મુદ્દાને હવે બાજુ પર મૂકવાની જરૂર છે.

મોહન ભાગવતે કટાક્ષ પણ કર્યો કે, રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે નવી જગ્યાએ મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હતી એવા અયોધ્યાની બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ જેવા સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે, પણ આ અસ્વીકાર્ય છે. કોઈને આ રીતે ધાર્મિક મુદ્દા ભડકાવીને નેતા બનવાની મંજૂરી ના આપી શકાય.
ભાગવતના નિવેદન સામે હોબાળો મચી ગયો છે.

એક તરફ સાધુ-સંતો મેદાનમાં આવી ગયા છે અને ભાગવતના નિવેદનની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ લોકો ભાગવતની ટીકા કરી રહ્યા છે.

સાધુ-સંતોના સંગઠન અખિલ ભારતીય સંત સમિતિ (એબીએસએસ)એ મોહન ભાગવતને સલાહ આપી છે કે, મંદિર-મસ્જિદ ધાર્મિક મુદ્દો છે અને આવા મુદ્દા પર ધર્માચાર્યોનો નિર્ણય જ અંતિમ રહેશે તેથી તમે મહેરબાની કરીને દૂર રહો.

તુલસી પીઠના વડા સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે તો ભાગવતની વાતનું કોઈ મહત્ત્વ જ નથી એવું આડકતરી રીતે કહી દીધું છે. મહારાજનું કહેવું છે કે, ભાગવતનું નિવેદન વ્યક્તિગત હોઈ શકે છે અને હિંદુઓએ તેમની વાતને સ્વીકારવી ફરજિયાત નથી કેમ કે ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક છે, હિન્દુ ધર્મના નહીં. મહારાજે તો ત્યાં લગી કહી દીધું છે કે, મોહન ભાગવત મુસ્લિમોનું તુષ્ટીકરણ કરી રહ્યા છે અને પોતે, મોહન ભાગવતના નિવેદનથી સહમત નથી કેમ કે તેમને હિન્દુ ધર્મ અંગે બહુ ખબર નથી. રામભદ્રાચાર્ય મહારાજે તો એમ પણ કહ્યું છે કે, અમે મોહન ભાગવતના અનુશાસક છીએ, તેઓ અમારા અનુશાસક નથી.

જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદે પણ મોહન ભાગવતની ટીકા કરીને કહ્યું છે કે, ભાગવત તેમની અનુકૂળતા મુજબ રાજકારણને અનુસરે છે અને કંઈ પણ બોલ્યા કરે છે. ભાજપને જ્યારે વોટની જરૂર હતી ત્યારે તેઓ માત્ર મંદિરોની વાત કરતા હતા અને હવે કહી રહ્યા છે કે દરેક મસ્જિદની નીચે મંદિરની શોધ ના કરવી જોઈએ. સત્તા મેળવવાની હતી ત્યારે તેઓ મંદિર-મંદિર કરતા હતા. હવે સત્તા મળી ગઈ તો મંદિર નહીં શોધવાની સલાહ આપી રહ્યા છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તો આક્રમણખોરો દ્વારા નષ્ટ કરાયેલાં મંદિરોની યાદી તૈયાર કરાવવાની અને આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (એએસઆઈ) દ્વારા આ માળખાંના સર્વે કરાવીને હિંદુઓનું ગૌરવ પાછું અપાવવાની અપીલ કરી છે.

તેમના કહેવા પ્રમાણે, હિન્દુઓએ અનેક અત્યાચાર સહન કર્યા છે અને જો હિન્દુઓ તેમનાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરવા માગતા હોય તો તેમાં કશું ખોટું નથી. મુસ્લિમ આક્રમણખોરો દ્વારા હિન્દુઓનાં ધર્મસ્થળોને તોડવામાં આવ્યાં હતાં અને હવે આક્રમણકારીઓએ નાશ કરેલાં મંદિરોની યાદી બનાવીને હિન્દુ ગૌરવને પાછું લાવવા માટે આ મંદિરોનું પુન: નિર્માણ કરાવવું જોઈએ.

હિંદુવાદીઓનું કહેવું છે કે, ભાગવત સૂફિયાણી સલાહ આપી રહ્યા છે ને બીજી તરફ 56 નવાં સ્થળો એટલે કે મસ્જિદો ઊભી છે ત્યાં મંદિરો હતાં તેના પુરાવા મળી આવ્યા છે. આ પુરાવા દર્શાવે છે કે મંદિર-મસ્જિદ વિવાદમાં હિંદુઓને ન્યાય અપાવવો જરૂરી છે.

સોશિયલ મીડિયા પર પણ મોહન ભાગવતના નિવેદનની ટીકા થઈ રહી છે. લોકો લખી રહ્યા છે કે, પહેલાં સંઘ પરિવારના લોકો જાગો હિન્દુ જાગોની હાકલ કરતા હતા. હવે હિન્દુ જાગી ગયા છે તો કહે છે કે સૂઈ જાવ. લોકો સંઘ પર બેવડાં ધોરણોનો આક્ષેપ પણ કરી રહ્યા છે.

સંઘ બેવડાં ધોરણો ધરાવે છે એ સાવ સાચી વાત છે અને હિંદુઓનાં નહીં, પણ ભાજપનાં હિતો સાચવવા માટે જ બધું કરે છે એ પણ એટલી જ સાચી વાત છે. સંઘને હિંદુઓની નહીં, પણ નરેન્દ્ર મોદીની વધારે ચિંતા હોય એવું લાગે છે. ભાગવતે હિંદુઓને સૂફિયાણી સલાહ આપવા માટે પસંદ કરેલો સમય જોતાં તો એવું જ લાગે છે.

નરેન્દ્ર મોદી કુવૈતના પ્રવાસે ગયા એ વખતે જ ભાગવતે હિંદુઓને આ સૂફિયાણી સલાહ આપી એ યોગાનુયોગ નથી જ. ભારતમાં મુસ્લિમો સહિતની લઘુમતીઓને દબાવાય છે એવા આક્ષેપો મુસ્લિમ રાષ્ટ્રો દ્વારા કરાય છે. હિંદુવાદી સંગઠનો મુસ્લિમોને દબાવવા મથે છે એવી વાતો અમેરિકા સહિતના દેશોમાં વગદાર અને કહેવાતા સેક્યુલરો કરે છે. આ વાત ખોટી છે અને હિંદુવાદી સંગઠનો મુસ્લિમો તરફ અસહિષ્ણુ નથી એ વાત સાબિત કરવાની મથામણના ભાગરૂપે આ નિવેદન કરાયું એ સૌથી સ્પષ્ટ છે.

ભાજપ અને સંઘનાં બેવડાં ધોરણોનો બીજો પુરાવો નરેન્દ્ર મોદીને મુસ્લિમ રાષ્ટ્રો તરફથી મળી રહેલા નાગરિક સન્માનો છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે ચુપકીદી છે. હમણાં કુવૈતે મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું તેમાં તો મોદીએ બહુ મોટી સિદ્ધિ મેળવી હોય એ રીતે ભાજપે તેનો પ્રચાર કર્યો. મોદીને અત્યાર સુધી કયા કયા 8 મુસ્લિમ દેશોનાં સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યાં છે તેના ફોટા સાથેની પોસ્ટ મૂકીને સોશિયલ મીડિયા પર વાહવાહી કરી દેવાઈ.

કુવૈત સહિતના મુસ્લિમ દેશો હળાહળ કોમવાદી છે અને ધર્માંધતાને પોષનારા છે. એ દેશોમાં હિંદુઓની વાત છોડો, પણ બહારના મુસ્લિમો પણ નાગરિક નથી બની શકતા. જાહેરમાં બીજો ધર્મ પાળવાની છૂટ નથી. એવા દેશોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળે તેમાં કઈ સિદ્ધિ? તેની વાહવાહી કરવાના બદલે બાંગ્લાદેશમાં ને મણિપુરમાં હિંદુઓની કત્લેઆમ થઈ રહી છે તેની વાત કરો ને.

ભાગવતની એ વાત સૌથી હાસ્યાસ્પદ છે કે, રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાએ સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે અને આ વાત અસ્વીકાર્ય છે. કેમ ભાઈ? મંદિર-મસ્જિદના વિવાદ ઊભા કરીને નેતા બનવાનો ઠેકો તમે જ લીધો છે? તમે કહો એ જ મુદ્દે હિંદુઓ આંદોલનો કરે ને તમે ના પાડો એટલે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જાય? હિંદુઓ તમારા ખૂંટે બંધાયેલાં ઢોર નથી કે તમે કહો એટલે ચારો-પાણી કરવા જતા રહે ને તમે બાંધો એટલે ખૂંટે બંધાઈ જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button