તંદુરસ્તી તમારા પગમાં… | મુંબઈ સમાચાર

તંદુરસ્તી તમારા પગમાં…

  • નીલા સંઘવી

હમણાં થોડા સમયથી આપણે વૃદ્ધ ધારે તો શું કરી શકે એ વિશે વાત કરી રહ્યાં છીએ. તમે નહીં માનો, મારી સામે એવાં એવાં વૃદ્ધ આવી રહ્યા છે, જે જૈફ ઉંમરે કેટલા બધાં કાર્યરત છે. એમને જોઈને મળીને આનંદ થાય છે અને પછી એ આનંદ આપ સૌ સાથે વહેંચતા મને ફરીથી આનંદ થાય છે.

આજે આપની મુલાકાત એક ડૉકટર સાથે કરાવવાની છું. ડૉકટર પણ પાછા કાર્ડિયોલોજિસ્ટ આજે 88 વર્ષની ઉંમરે કડેધડે. આજે પણ પોતાના દર્દીઓને તપાસે, યોગ્ય સલાહ-સૂચન, દવા આપે. બધાં એમને ના પાડે, ‘હવે તમારે શું જરૂર છે? ઘરે શાંતિથી બેસો.’ પણ ડૉક્ટર કહે, ‘ના, મારાં જૂના દર્દીઓને મારી પાસેથી સલાહ-સૂચન લેવાં ગમે. એ મારી સાથે વાત કરે ત્યારે જ એમને શાંતિ-સંતોષ થાય. મારો અભિપ્રાય લીધાં વિના એ કોઈ પણ સારવારમાં આગળ વધે નહીં. વળી મારે પણ દર્દીઓ સાથે ઘરોબો. એમના આખા પરિવારના સમાચાર જાણી લઉં અને આમેય નવરા બેસીએ તો મગજ કટાઈ જાય.’

આમ આ કાર્ડિયોલોજીસ્ટ આ ઉંમરે પણ સવારના સમયે તો ક્લિનિક પર જાય એટલે જાય…. આ ડૉક્ટરના શિક્ષક પિતા સો વર્ષ જીવ્યા હતા. ડૉક્ટર કહે છે, ‘એમના અવસાન પૂર્વે કાર્ડિઓગ્રામ કઢાવેલો તે એકદમ નોર્મલ આવ્યો હતો. 97 વર્ષ સુધી એ બધાં જ કામ જાતે જ કરતાં.’ આવું જ આ ડૉક્ટરની બાબતમાં પણ છે.

ડૉ. શિરીષભાઈ આ ઉંમરે રોજ સવારે છ વાગે વોક માટે કાંદિવલીથી આરે કોલોની કે પછી નેશનલ પાર્ક જાય છે. દરરોજ લગભગ એકાદ કલાક ચાલે જ ચાલે. સિનિયર અને સુપર સિનિયર સિટિઝન્સની ચાલવાની સ્પર્ધામાં વર્ષોથી એ નંબર વન છે.
આરેમાં વોકર્સ ક્લબની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ ભજવે છે. 2000ની સાલમાં એમણે શરૂ કરેલી વોકેથોનમાં દર વરસે અઢી હજાર લોકો જોડાય છે. વર્ષમાં એક વાર સિદ્ધિવિનાયક મંદિર સુધી પોતે ચાલતા જાય છે. એમની સાથે હૃદયરોગના દર્દીઓ, ડાયાબિટિક્સ અને બ્લડ પ્રેશરના દર્દીઓ પણ જોડાય છે.

2000ની સાલમાં મુંબઈમાં પ્રથમવાર ‘વોક ફોર યોર હાર્ટ’નું આયોજન ‘નેશનલ સોસાયટી ફોર પ્રિવેન્શન ઑફ હાર્ટ ડિઝીસ અને રિહેબિલિટેશન’ના નેજા હેઠળ કરવાનું શ્રેય ડૉ. શિરીષ અને એમના અર્ધાંગિનીને જાય છે, એમના પત્ની આઈ સર્જ્યન છે. આ આયોજનને સફળ બનાવવા ‘ડિવાઈન લાઈફ સોસાયટી’ (દિવ્યજીવન સંગ)ના અધ્યક્ષ અને અન્ય સંસ્થાઓએ પણ સાથ આપ્યો. આ વોક હવે દર વર્ષે યોજાય છે.

ડૉ. શિરીષ ઝૂંપડપટ્ટીઓમાં સ્વાસ્થ્ય શિબિર કરે છે. આ ડૉકટર એટલાં બધાં સામાજિક કાર્ય કર્યા છે કે ગણવા મુશ્કેલ છે. એમને અગણિત અવોર્ડસ પણ મળ્યા છે.

પોતે 88 વર્ષના હોવા છતાં ડૉ. શિરીષનું જીવન યુવાન જેવું તાજગીપ્રદ છે. આજે એમનું ધ્યેય છે લોકો ચાલે અને તંદુરસ્ત રહે. તેઓ એક વાક્ય હંમેશાં કહે છે, “Walk daily to keep your Heart healthy.’

એ કહે છે, શરીરની તંદુરસ્તી માટે શ્રમ કરવો બહુ જ જરૂરી છે. આજે લોકો શ્રમ કરતા નથી. એને કારણે શરીરમાં ચરબી જમા થઈ જાય છે. વધુ પડતી ચરબી અનેક રોગનું ઘર બને છે. જેટલી કેલરી આપણે ખાઈએ તેટલી કેલરી કસરત કરીને બાળી નાખવી જરૂરી છે. તેથી કસરત કરવી જરૂરી છે. એરોબિક કસરતમાં ચાલવું એ શ્રેષ્ઠ કસરત ગણાય છે. લોકો આજે ચાલવાની કસરત પ્રત્યે જાગૃત થયાં છે. ડૉ. શિરીષ એમના દર્દીઓ, મિત્રો અને એમને જે પણ લોકો મળે એમને ચાલવાના આવા ફાયદા વિશે સમજાવતા રહે છે. એ માટે પેમ્ફ્લેટ્સ છપાવે છે. બની શકે ત્યારે કાર્યક્રમોનું આયોજન પણ કરતા રહે છે.

ડૉ. શિરીષ સમજાવે છે : ‘ચાલવું, દોડવું, જોગિંગ, સાઈકલ ચલાવવી, તરવું અને સ્કેટીંગ જેવી કસરતથી હૃદય અને ફેફસાંની ક્ષમતામાં વધારો થાય છે. ઘણી વાર લોકોના મનમાં પ્રશ્નો થાય છે કે ક્યાં ચાલવું? કેટલું ચાલવું? ક્યારે ચાલવું? ચાલવાથી શો ફાયદો થાય?

ડૉ. શિરીષ અનુસાર : ‘ચાલવાની કસરત શરૂ કરવા પહેલાં પોતાના ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી. ચાલતા પહેલા હાથની, પગની, ગરદનની, પીઠની હળવી કસરત કરો એટલે કે વોર્મઅપ કરો. શરૂઆતમાં ધીરેથી ચાલો અને ઓછું ચાલો પછી ધીમે ધીમે ગતિ અને સમય વધારો. કુદરતી આમાં ચાલવાનું શ્રેષ્ઠ ગણાય. એમ ન થઈ શકે તો ઘરમાં ટ્રેડમિલ પર પણ ચાલી શકાય. ચાલતી વખતે ટાઈટ કપડાં ન પહેરાય. પગમાં સારી ક્વોલિટીના બુટ પહેરવા જરૂરી છે. બુટ સાથે મોજા પણ પહેરવા જેથી પગ સુકા રહે. ચાલતાં ચાલતાં બહુ વાતો નહીં કરવાની. ચાલતી વખતે ફોનમાં વાત કરવાનું પણ ટાળો. ચાલતી વખતે શ્ર્વાસ ચઢે તો ઊભા રહી જવું. જમ્યા પછી 3-4 કલાક પછી ચાલો. રોજ સવારે અથવા સાંજે ચાલો. ચાલતા પહેલા અને પછી યોગ્ય માત્રામાં પાણી પીવો. ચાલવાનું શરૂ કર્યા પછી રોજ ચાલો. 30-40 મીનિટ સતત ચાલો તો એનો ફાયદો થાય છે. 40થી 60 મીનિટમાં ચારથી પાંચ કિલોમીટર ચાલવાથી ફાયદો થાય છે. આથી વધારે ચાલવાથી નુકસાન થઈ શકે છે. તેથી પ્રમાણસર ચાલવું જોઈએ. ચાલતાં ચાલતાં થાક લાગે, શ્ર્વાસ ચઢી જાય કે છાતીમાં દુખે તો ઊભા રહી જવાનું, પરાણે નહીં ચાલવાનું….’

વૃદ્ધોને સલાહ આપતા ડૉ. શિરીષ કહે છે, ‘હંમેશાં કોઈનો સંગાથ રાખો. સાવ એકલાં ન ચાલો. ગ્રૂપ બનાવો જેથી ચાલતી વખતે એક બીજાની પ્રેરણા મળે અને ઉત્સાહ વધે, મઝા આવે, તકલીફ વખતે મદદ મળે.’

ચાલવાથી શક્તિ વધે, તંદુરસ્તી વધે, વજન નિયંત્રણમાં રહે, 30 મીનિટમાં 200 કેલેરી બળે. હાડકાં, સાંધા મજબૂત થાય. ડાયાબિટીસ, બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે. ડિપ્રેશન, થાક અને ચિંતા જેવી બીમારીમાં ફાયદો થાય.

ડૉ. શિરીષે યુવાન વયથી લોકોને ચાલતા કરવાનું મિશન નક્કી કરેલું જે આજે પણ યથાવત્ છે. કહેવાય છે ને કે ‘ચાલીસ પછી જો તું ચાલીસ મીનિટ નહીં ચાલે તો ક્યારેય પણ ચાલીશ નહીં…!’

આપણે કહીએ છીએ કે ‘અપના હાથ જગન્નાથ’,પણ અમુક આયુ પછી આપણા પગ પણ જગન્નાથ બની શકે!

આમ લોકોને ચાલતા કરવાનું, ચાલતા રાખવાનું અને એ રીતે લોકોનું જીવન ચાલતું રહે એવાં દ્રઢ મિશન સાથે કામ કરતા આ ડૉક્ટરબાબુ આપણા અભિનંદનને પાત્ર તો ખરા જ!

આપણ વાંચો:  કથા કોલાજ: અમેરિકાના બે સૌથી પાવરફુલ માણસ સાથે પેરેલલ અફેર રાખવાની મારી લાલચ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button