પુરુષ

હાર્દિક પંડ્યા આપણને શીખવે છે: Let the storm pass કપરા સમયને પસાર થઈ જવા દો!

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

ભારતીય ક્રિકેટ ટીમમાં હાર્દિક પંડ્યા એ પ્રેરણાની વખાર છે, કારણ કે હાર્દિક પંડ્યા મક્કમતાનું શિખર છે. હાર્દિક ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે, પરંતુ પાછલા છ-સાત મહિના એના માટે અત્યંત કપરા રહ્યા એ આપણે સૌએ પણ જોયું. એનું અંગત જીવન તો સાવ જુદો જ પ્રશ્ર્ન છે, પરંતુ પોતાની કરિઅરમાં પણ એ સારું પરફોર્મ કરતો હોવા છતાં એણે ઘણું સહન કરવું પડ્યું. ખાસ તો આઈપીએલમાં ટીમ બદલીને એ ‘મુંબઈ ઈન્ડિયન્સ’ માં ગયો પછી સોશિયલ મીડિયામાં એ ભયંકર રીતે ટ્રોલ થયો. ત્યાં સુધી કે મેદાનમાં ઊભો હોય ત્યારે ય સ્ટેડિયમમાં બેઠેલાં દર્શકો એના વિશે છેલ્લી કક્ષાનું એલફેલ બોલતાં!

માણસમાં એક વાર સ્કિલ ઓછી હોય અથવા એણે અથાક પ્રયત્ન કર્યા પછી ય જો એને ધારી સફળતા ન મળે તો માણસ એ અસફળતાને ખમી શકે છે, પરંતુ કોઈ પણ લેવાદેવા વિના તમારા વિશે જેમતેમ બોલે કે તમને ટ્રોલ કરે ત્યારે કોઈ પણ માટે શાંત રહેવું મુશ્કેલ થઈ પડે .

એવું જ કંઈક અંગત જીવનને લાગુ પડે છે. બહારની સો સમસ્યા સામે ઝઝૂમી શકતો પુરુષ જ્યારે અંગતજીવનમાં ઝંઝાવાત ફૂંકાય ત્યારે ટકી શકતો નથી. એ ઉચાટમાં આવી જાય છે, એ ઉગ્ર થઈ જાય છે, એ આક્રમક થઈ જાય છે અને પોતાની સામે આવેલી સમસ્યાની સામે એ ગમે એવી પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે.

જીવનની સમસ્યાઓને રિએક્શન્સ-પ્રતિક્રિયાની નહીં, પરંતુ ઉકેલની જરૂર હોય છે અને ઉકેલને જરૂર હોય છે શાંત ચિત્ત, શાંત મનની જેનો અભાવ મોટાભાગના લોકોમાં હોય છે.

જો કે, હાર્દિક પંડ્યા નોખો સાબિત થયો છે. પોતાની જીવનની અને કરિઅરની સમસ્યા વખતે એ અત્યંત શાંત થઈ ગયો હતો. એણે માત્ર તેની રમત(મહેનત) પર જ ફોક્સ કર્યું હતું. અને કપરા સમયને એણે પસાર થઈ જવા દીધો. આને કારણે અનેક સમસ્યાઓ આપોાઆપ ટળી ગઈ. હાર્દિક એ વખતે બીજા ફાલતું વિવાદો કે પ્રશ્ર્નોમાં નહીં ગૂંચવાયો અને જ્યારે પરફોર્મન્સ કરવાનો સમય આવ્યો ત્યારે એણે શાનદાર પ્રદર્શન કરી દેખાડ્યું !

જીવનનાં ઝંઝાવાત વખતે શાંત થઈ જઈ કપરા સમયને પસાર થઈ જવા દેવાની વાત તો હાર્દિક આપણને શીખવે જ છે, સાથોસાથ એ આપણને બીજી પણ લાખ રૂપિયાની શીખ આપે છે. એ આપણને શીખવે છે કે જ્યારે આપણો બધી બાજુએથી વિરોધ થતો હોય કે જો લોકો આપણા પર ખીખિયાટા કાઢતા હોય અને જો એમને જવાબ આપવો હોય તો એમની સાથે દલીલમાં ન ઊતરવું. બલ્કે પોતાની જાતને અને પોતાના કામને દિવસે ને દિવસે બહેતર કરતા જવું !

પોતાની જાતને અને પોતાના કામને બહેતર કરતા રહેવાને કારણે એક દિવસ એવો આવે છે એ આપણું કદ અત્યંત મોટું થઈ ગયું હોય છે કે જેને કારણે આપણને ધિક્કારનારાઓ, આપણે વિશે એલફેલ બોલનારાઓ કે પછી આપણો વિરોધ કરનારાઓ આપોઆપ અત્યંત નાનાં દેખાવા માંડે છે. આપણું કદ મોટું થવાને કારણે પાછળથી આવી જીવાતો આપોઆપ વાતો કરતી બંધ થઈ જાય છે અથવા તો પછી એ બધા પોતાની વાતોને કારણે ભૂંડા લાગવા માંડે છે!

બીજી તરફ, અન્ય સાથે દલીલમાં ન ઊતરવાને કારણે અથવા આપણે સાચા છીએ એવું સિદ્ધ કરવાની પળોજણમાં ન પડવાને કારણે આપણા મનની શાંતિ હંમેશાં સચવાયેલી રહે છે. સાથે જ આપણી ઊર્જા બચે છે, જેનો ઉપયોગ આપણે અન્ય સારાં કાર્યોમાં કરી શકીએ છીએ.

હાર્દિક આ બધું અત્યંત યોગ્ય રીતે કરી શક્યો છે એટલે જ વર્લ્ડકપ પૂરો થયો પછી એને સૌથી વધુ લોકચાહના પણ મળી છે.

આપણે પણ હાર્દિક પાસે આ બે શીખ લેવી જ રહી. આખરે આપણે માટે પણ ’પીસ ઓફ માઈન્ડ’ – મનની શાંતિનું આગવું મહત્ત્વ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button