
- શ્વેતા જોષી અંતાણી
દસમું ધોરણ પાસ કર્યું ત્યાં સુધી અનાયા એકદમ ‘રો’ હતી. એનું ધ્યાન ભણવા સિવાય ક્યાંય નહીં. દેખાવને લઈને તદ્દન નિષ્ફિકર. આમ આત્મવિશ્વાસથી એવી છલોછલ કે પોતાની શામળી ત્વચા કે સાધારણ દેખાવ નડતરરૂપ ના લાગતા. માનો પડ્યો બોલ ઝીલનારી, પપ્પાની સખ્ત લાડકી.
ભણવા ઉપરાંત ઈત્તર પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ. અનાયા સ્કૂલનું ઘરેણું હતી, મા-બાપનું અભિમાન,અને અન્યો ઈર્ષ્યાથી બળી મરે એવી એકાગ્રતાભર્યા અસ્તિત્વની માલકિન. ફોન તેમજ ઓનલાઈનને લગતી વાત વિગતો સાથે એને જાણે જન્મ-જન્માંતરનો નાતો નહીં. એવામાં એન્ટ્રી પડે છે ફિલ્ટર્ડ ફોટો એપની,જે અનાયાના આ ‘સોર્ટેડ’ વર્ઝનનો કચ્ચરઘાણ વળે છે.
વાત જાણે એમ હતી કે, દસમા બોર્ડમાં પોતે સેન્ટર ફર્સ્ટ આવતા એકાદ માર્ક્સ માટે રહી ગઈ, પણ હવે એનો વટક વાળવા કટીબદ્ધ બનેલી અનાયાએ ઓફલાઈન ભણતરની સાથોસાથ ઓનલાઈન ક્લાસ પણ શરૂ કરેલા. બસ, આવાજ એક ક્લાસ દરમિયાન અનાયાની નજર અનાયાસે એક એપ પર પડી. ‘બ્યુટી ફોટો ફિલ્ટર્ડ.’ એ હજુ પણ સ્કૂલ યુનિફોર્મમાં હતી. ચિપકેલા વાળ, થાકેલી આંખો, શુષ્ક ત્વચા. ક્યારેય નહીંને આજે એણે કુતૂહલવશ એપ ખોલી. બેસ્ટ ફ્રેન્ડ દિયાના શબ્દો એના કાનમાં પડઘાયા.
‘અની, ક્યારેક એપ યુઝ કરી જોજે યાર. યુ કાન્ટ બિલિવ કે એ તું છે. એટલી સરસ લાગીશ કે તને જાત સાથે પ્રેમ થઈ જશે.’ અને થયો, અનાયાને પ્રેમ થયો. એ ઉજળી ત્વચા, ચમકદાર ચહેરો, તીખું નાક, દાડમની કળી જેવા દાંત સાથે પ્રેમ થયો. બ્યુટી ફિલ્ટરે બનાવેલા એના વર્ઝન સાથે અનાયાને લવ એટ ફર્સ્ટ સાઈટ જેવો અનુભવ થયો. એમાં ઉમેરાયેલા એક નવા ફીચર AI વર્ઝન’ એ તો અનાયાની દુનિયા જ જાણે પલટી નાખી. ફોટો અનાયાનો પણ, પરિણામ અલગ.
એક નવીસવી ટીનએજરનું પરફેક્ટ, શાનદાર વર્ઝન. ગુલાબી હોઠ, મોટી પાંપણ, ઘટાદાર વાળ, આહા!. હિંમત કરી એણે આ ફોટો ‘ઈન્સ્ટાગ્રામ’ પર પોસ્ટ કરી દીધો. લાઈક્સનું પૂર રેલાયુ. કમેન્ટ્સનો ભૂચાલ આવ્યો. ‘ઓહ, માય ગોડ આ સાચે તું છો?‘ યુ લુક લાઈક અ પ્રિન્સેસ. વાઉ વ્હોટ અ બ્યુટી!‘ ના વહેણમાં અનાયા તણાવા લાગી. એને ક્યાં ખબર કે એ તણાયને સીધી ખાબકવાની હતી તણાવના ખોળામાં. ત્યારે દૂર ઊભેલા એના અસલી ચહેરાએ ફીકાશથી એની સામે જોયું હતું. નજર લાચાર અને બઘવાયેલી.
પછીના દિવસોમાં અનાયાએ ફિલ્ટર વગર સેલ્ફી લેવાનું બંધ કરી દીધું. ગ્રુપ ફોટોઝને પણ એડિટ કર્યા વગર એ કોઈને મોકલતી નહીં. ત્યાં સુધી કે બહાર નીકળતા હવે એ માસ્ક, હૂડી કે દુપટ્ટાથી ચહેરો ઢાંકવા લાગી. અરીસામાં જોવાનું તો તદ્દન વર્જ્ય હતું એના માટે, પણ ભૂલેચૂકે જો નજર પડે તો ઝટ્ટ મોં ફેરવી લેવામાં એને છોછ નહોતો. રાત્રે ઈન્સ્ટા ફીડમાં એ જાતને જોતી. AI એ તૈયાર કરેલો કૃત્રિમ ચહેરો એને વ્હાલો લાગતો. સવારે બ્રશ કરતાં બાથરૂમનો આયનો એને અજાણ્યો ભાસતો, પણ છાબડે ઢાંક્યો સૂરજ થોડો ઢંકાય…?
એક દિવસ ‘ઈન્સ્ટા’ પર અનાયાના ચહેરાને ચાહનારા દિપાંશુ એને જોતાવેંત બોલી ઉઠ્યો, ‘યાર, તું ફોટો કરતાં અલગ લાગે છે. ક્યારેક ફિલ્ટર વગર ફોટો મૂક બ્રો… ખાલી ખોટી અમે આશા ના બાંધીએ.’ અનાયાની હાલત કાપો તો લોહીના ના નીકળે એવી થઈ ગઈ.
એ માંડ બોલી શકી કે, ‘હા યાર ફિલ્ટર જ તો છે…’ અને ધસી આવેલા આંસુને ખાળવા એ જોરથી હસી પડી. ત્યારે દિયા હળવેથી દબાયેલા સ્વરે બોલી, ‘અની, તું હવે અસલી ફોટો એકપણ નથી મુકતી. જો અમે લોકો અઈં જનરેટેડ ફોટો મૂકીએ, પણ સાથોસાય એમ થોડા અનફિલ્ટર્ડ પીક્સ મૂકી દઈએ. આપણે કૃત્રિમ દુનિયામાં પણ નેચરલ લાગવા જોઈએ યુ નો. પણ સાચું કે તને હવે નેચરલ દેખાવાનો ડર લાગે છે કે શું?’
અનાયાને કહેવું હતું કે હા, ડર લાગે છે. AI એ બનાવેલો ચહેરો પ્રેમ પામવા યોગ્ય છે ને કુદરતે આપેલો ચહેરો ભયાવહ. ખીલના ડાઘ, વાંકાચૂંકા દાંત, ઉજાગરાની ચાડી ખાતાં ડાર્ક સર્કલ્સ. આ બધું કેમનું ગમે?
ઘેર આવી એણે પોતાની જૂની-નવી તસ્વીરો જોઈ.
ઓનલાઈન-ઓફલાઈન વચ્ચેની અસમાનતા ખરેખર દર્દનાક ભાસતી હતી. એની નજર સામે આઠ-નવ વર્ષ નાની અનાયાનો ચહેરો તરવરી ઉઠ્યો. એ ફોટો પપ્પાએ લીધેલો. એકદમ કેન્ડીડ અને નેચરલ. બગીચામાં રમતી અનાયા. ધૂળ-માટીથી ખરડાયેલા હાથ, કેરીના રસથી ભરેલું મોંઢું, વિખરાયેલા વાંકડિયા વાળ વચ્ચે ખીલખીલતા હાસ્યથી મઢાયેલો ચહેરો…. આ તસ્વીર ઘરના ડ્રોઈંગ રૂમમાં આજે પણ દીવાલની શોભા વધારી રહેલી. એને ના કોઈ કેમેરા એંગલની જરૂર હતી ના એ કોઈ ફિલ્ટરની મોહતાજ હતી.
એ છોકરી ક્યાં ખોવાઈ ગઈ?
બીજા દિવસે અનાયા પહોંચી આર્ટ ક્લાસમાં. ત્યાં બેસેલા વરૂણના ખભ્ભે ધબ્બો મારતાં બોલી, ‘હું અત્યારે જેવી દેખાવ છું ને એવો જ અસ્સલ ચહેરો દોરી દે..,. ‘વરુણ ના પાડી શકે એમ નહોતો. કારણ, અનાયાના સિક્કા પડતાં સ્કૂલમાં. એની હોશિયારીની વાહવાહી કરતા લોકો થાકતા નહીં. સામાન્ય સ્ટુડન્ટ્સ એનાથી ગજબ ઈમ્પ્રેસ રહેતા એટલે ઉપરાઉપરી બે ફ્રી પિરિયડમાં એણે અનાયાનો ચહેરો દોરી આપ્યો. આબેહૂબ દરરોજ જેવી સ્કૂલમાં લાગતી એવી અનાયા કાગળ પર ચિતરાય ગયેલી. એ રાત્રે હિંમત કરી ‘ઈન્સ્ટાગ્રામ’ પર એ ચહેરો-ફોટો મૂકી દીધો:
મોટી આઇબ્રોઝ, ગોળ ચહેરો. સુંદર નહીં, વાયરલ થાય એવો ચહેરો નહીં પણ સાચો. નીચે લખ્યું:
‘આને શોધી રહી છું. જેને હું ભૂલી ગયેલી…’ સોશ્યલ મીડિયામાં રિસ્પોન્સ ઑછા આવ્યા. હજારો લાઈક્સ નહોતી. કમેન્ટ્સ પણ ઓછા,. પણ જે હતી એમાંથી સત્ય છલકાય રહેલું. ‘તારી હિંમતને દાદ આપવી પડે. ‘સારું થયું તું જલદી ઊગરી ગઈ. ‘બ્રેવો, ગર્લ કોન્ગ્રેચ્યુલેશન તારી જાતના સ્વીકાર બદલ….’ ઈત્યાદિ ઈત્યાદિ અંતે મહિનાઓ પછી એ અરીસા સામે આત્મવિશ્વાસ સાથે ઊભી. ભલે પોતે કોઈ પરી સમાન નહોતી ભાસતી, પણ એ દેખાતી હતી અનાયા જેવી. પ્રકૃતિએ આપેલા કુદરતી વરદાન જેવી. મનુષ્ય હોવાના પુરાવા સમાન અને ફરી એકવાર એ ડ્રોઈંગરૂમમાં ટીંગાતા ફોટોની અંદર રહેલા ખિલખિલાટ હાસ્યની માલકિન બની ગઈ.
આપણ વાંચો: લાફ્ટર આફ્ટરઃ સાંભળો છો કે?