
- મધુ સિંહ
આજકાલ સેલિબ્રિટીમાં વજન ઓછું કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જે 21- 21- 21ના નામે જાણીતો થયો છે. આ પ્રક્રિયાને અનુસરવાથી આશરે 63 દિવસમાં તમારા વજનમાં ખાસ્સો ફરક પડે છે. વજન ઓછું કરવા માટે અલગ અલગ ટાઇપની પ્રક્રિયામાં માત્ર એક જ નિયમ લાગુ પડે છે અને એ છે કે, નિયમિતતા જાળવવાની અને આળસ ત્યાગવાની. જો આ બન્નેને તમે તમારી દિનચર્યાનો ભાગ બનાવી દો તો તમારું વજન ઓછું જરૂર થશે જ.
ચાલો, હવે સમજી લઈએ કે આ નવી ફોર્મ્યુલા હકીકતમાં છે શું?
21- 21- 21 ફોર્મ્યુલા એટલે શું?
આ એક 63 દિવસની એવી ફિટનેસ યોજના છે કે, એમાં માત્ર ત્રણ ભાગમાં તમારું વજન ઓછું કરવાની ક્ષમતા છે. કસરત અને યોગ્ય ભોજન પર ધ્યાન આપી એવી દિનચર્યા સેટ કરવામાં આવે કે તમારું વજન ઓછું થાય.
પહેલા 21 દિવસ, ગતિ પર ધ્યાન આપવું
શરૂઆતના પહેલાં 21 દિવસ શરીરને હળવા સ્ટ્રેચિંગ અને કસરતની આદત પાડવામાં આવે છે. ધ્યાન એ રાખવું કે હેવી કસરત કરવી નહિ માત્ર શરીરને હળવી કસરતની આદત પાડવાની છે. પહેલાં 21 દિવસ ડાયટ કરવાની પણ જરૂર નથી. તમે જે રૂટીન ખાતા હો તે જ ખાવાનું રાખો. આ પછીના 21 દિવસ-ડાયટમાં ફેરફાર કરવો.
પહેલાં 21 દિવસ જયારે શરીરને હળવા સ્ટ્રેચિંગ અને કસરતની આદત પાડ્યા પછીના 21 દિવસ ડાયટ પર ફોકસ કરવામાં આવે છે. ડાયેટમાં આખો આહાર બદલવાનો હોય છે જેમકે, ચામાં સાકાર ઓછી લેવી, જમ્યા પછી ગળ્યું ઓછું ખાવું, રાતના સમયે એસિડિટી ન થાય તેવો ખોરાક લેવો. સવારના સમયે દૂધ લેવું.
જમવામાં ઘઉંની રોટલીને બદલે બાજરાની રોટલી કે પછી જુવારની રોટલી ખાવી. તમારા ખોરાકમાં પ્રોટીનની માત્રા વધારવી જેથી આખો દિવસ પેટ ભરેલું રહે. નાસ્તામાં તળેલી વાનગીઓ ન ખાવી, પરંતુ તેની બદલે ડ્રાય ફ્રૂટ્સ અને ફળ ખાવા. બજારના પેક્ડ જ્યુસ લેવા નહીં અને તેની બદલે ઘર પર બનાવેલા ડ્રિંક્સ લેવા.
છેલ્લા 21 દિવસ –
છેલ્લા 21 દિવસ ભાવનાત્મક રીતે ભારી પડે છે. ખાવા પીવામાં ખરાબ આદત જેમ કે ચા, કોફી વધારે પીવી. દારૂ કે સિગરેટનું સેવન જેવી આ બધી જ વસ્તુઓથી દૂર રહેવાનું હોય છે. ખરાબ મૂડ સારો કરવાં માટે પણ આ વસ્તુઓનું સેવન કરવાનું નથી. આ બધી જ વસ્તુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આવી રીતે થોડું ડાયટ કંટ્રોલ કરી અને થોડી કસરત કરી તમારા શરીરમાં ફરક દેખાશે. વજન થોડું ઓછું થયું હોય એટલે થોડો ઉત્સાહ પણ વધે છે. અને બાકીના 21 દિવસમાં દિનચર્યામાં અને આહારમાં બદલાવ આવવાથી થોડું સારું પણ લાગે છે.
પહેલા 1 થી 21 દિવસ
દિવસની શરૂઆત પ્રોટીન યુક્ત નાસ્તાથી કરવી. જો તમે નાસ્તો નહિ કરો તો પણ તમારું વજન વધશે. નાસ્તામાં તમે ફળ, સલાડ અને ડ્રાય ફ્રૂટ્સ પણ લઇ શકો છો. રોજ સવારે 20 થી 30 મિનિટ ચાલવા જવું. જો સવારના ચાલવા ન જઈ શકો તો સાંજના સમયે પણ ચાલવા જઈ શકાય. સવારના કે સાંજના બન્ને ટાઈમે કરેલો વોક ફાયદાકારક જ હોય છે.
રોજ છ થી સાત કલાકની ઊંઘ થવી જોઈએ. વજન ઓછું કરવા માટે પહેલા 21 દિવસ આ જ દિનચર્યા રાખવી, ધીરે ધીરે આવી દિનચર્યા તમારી આદત બની જશે. વોક કરવાથી તો ફાયદો થાય જ છે, પરંતુ ક્યારેક દાદરા ચડીને જવા કે ઉતરી જાવ. એ પણ એક જાતની કસરત જ છે. આનાથી પણ તમને ચોક્કસ ફાયદો થશે.
બીજો ભાગ 22-42 દિવસ
જો તમે નિયમિત બહારનું ખાતા હોવ તો આનાથી પણ વજન વધે છે. ઘરમાં ઓછા તેલમાં બનેલુ ખાવાનું વજન ઘટાડવામાં સહાયક બને છે. પહેલા ભાગમાં અઠવાડિયામાં એક વાર અથવા 15 દિવસમાં એક વાર, બહારનું ખાવાનુ ખાઈ શકાય છે
તમે ખીચડી, દાળ-ભાત, મિક્સ દાળના ચીલા, સાદા ઢોસા, પૌઆ, ઉપમા, મિક્સ વેજિટેબલ કે પનીર સલાડ, જેવા ઓપશન્સ ટ્રાય કરી શકો છો.
તમે ચિટ મિલનો આનંદ લેવા માગો છો તો કેલેરીયુક્ત આહાર સવારે લેવો જેથી આખા દિવસમાં તમે આસાનીથી કેલેરી બર્ન કરી શકો.
ત્રીજો ભાગ- 43-63 દિવસ
જો તમે રેગ્યુલરલી ડ્રિન્ક કરતા હો તો આની માત્રા ઓછી કરવી. પહેલા અઠવાડિયામાં એક વખત, પછી 15 દિવસ માં એક વખત અથવા તો 1 મહિનામાં એક વખત જ ડ્રિન્ક લેવું.
મીઠાઈ, આઈસ્ક્રિમ અને ઘરમાં બનેલી ગળી વાનગીઓથી દૂર રહેવું. જો તમને ગળ્યું ખાવું જ હોય તો તમે મહિનામાં માત્ર એક દિવસ તમને મનપસંદ ગળ્યું ખાઈ શકો.
વારે ઘડીયે દૂધવાળી ચા કે કોફી પીવા કરતાં લેમન ટી, ગ્રીન ટી, બ્લેક ટીનું સેવન કરવું. જો તમને મસાલા ચા પસંદ હોય તો તે પણ દૂધ અને સાકાર વગર લેવી. આમ જો તમે આ 21-21-21ની ફોર્મ્યુલા બરાબર પાળશો તો અચૂક તાજા- તરવરાટભર્યા બની જશો…
આપણ વાંચો: ફેશનઃ નવરાત્રિ માટે રેડી છો?