
- ખુશ્બુ મુલાણી ઠક્કર
નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે. પાસ લીધા કે નહિ, ક્યાં રમવા જાશું, શું પહેરશું, નવું શું લીધું છે આ બધાની વચ્ચે ક્યારેક એવું પણ લાગે કે કઈ રહી નથી જતું નથી ને? નવરાત્રીમાં મિક્સ ક્રાઉડ જોવા મળે છે.
એક વર્ગ એવો છે કે, નવરાત્રીની તૈયારી ત્રણ મહિના પહેલા જ ચાલુ કરી દે છે, અને બીજો વર્ગ એવો છે કે, તૈયારી તો કરવી છે પણ ઓફિસમાંથી સમય નથી કાઢી શકતા. ઘણા બધું જ નવું શોપિંગ કરે છે તો ઘણા જુવાનિયા પાસે જૂના કપડાં કે જે સારી કન્ડિશનમાં છે તેની સાથે બીજું કૈક મિક્સ એન્ડ મેચ કરી પહેરે છે.
નવરાત્રીમાં પાસના તો ખર્ચા હોય જ છે. સાથે નવા કપડાં અને જ્વેલેરીના. આ બધા વિચારોની વચ્ચે કંઈક નવું પહેરવું છે, ટ્રેન્ડી પણ લાગવું છે, અને ખર્ચાઓ પર પણ ધ્યાન આપવું છે. ચાલો જાણીયે આ નવરાત્રીમાં ઓછા ખર્ચામાં કઈ રીતે અલગ લાગી શકાય.
પ્લાઝો અને ચોલી-પ્લાઝો સાથે ચોલી એ યન્ગ યુવતી માટે બેસ્ટ ઓપ્શન છે. દરેક મહિલા કે યુવતીઓ પાસે ઘાઘરા ભલે 6 થી 7 હોય પરંતુ ચોલી એટલે કે બ્લાઉઝની સંખ્યા એનાથી ડબલ હોય છે. સૌ પ્રથમ તમારી પાસે જે પણ કપડા હોય તેને પટારામાંથી બહાર કાઢવા. ક્યાં નવાં કપડાં છે તેને પણ સાથે મૂકવા. આ બધી માથાઝીંક માટે તમને ફેશનની આગવી સૂઝ હોવી જોઈએ.
આજકાલની બધી જ યુવતીઓ પાસે પ્લાઝો તો હોય જ છે. જો તમારી પાસે બ્લેક કલરનો પ્લાઝો હોય તો તેની સાથે કોઈ પણ કલરની ચોલી સારી લાગશે. ચોલીમાં પણ બે પ્રકાર હોય છે. એક શોર્ટ ચોલી અને બીજી બેકલેસ કે જેને કમખો કહેવાય. આ એક સ્ટાઈલિશ કોમ્બિનેશન લાગશે.
પ્લાઝો ખાસ કરીને બ્રાઇટ કલરમાં પસંદ કરવું જેમકે, બ્લેક, રોયલ બ્લુ, ઓરેન્જ, ગ્રીન વગેરે કે જેની પર કોઈ પણ કલરની ચોલી સારી લાગી શકે. આ લુક સાથે તમે એક હાથમાં મલ્ટી કલર બંગડી અને બીજા હાથમાં કોઈ સ્ટેટમેન્ટ કડુ પહેરી શકો. વાળમાં સાગર ચોટલો વાળી દરેક વળમાં ઘુઘરી કે અલગ અલગ કલરના ફૂમતાં નાખી શકો.
કમર પર ફુમતાવાળો બેલ્ટ કે પછી ઓક્સોડાઇસનો કંદોરો પહેરી શકો. જો તમે શોર્ટ ચોલી પહેરવાના હોવ તો ધ્યાન રાખવું કે તમારું શરીર સુડોળ હોય નહિ તો ખૂબ જ ખરાબ લાગશે. પ્લાઝો સાથે શોર્ટ ચોલી અને તેની સાથે બાંધણીનું શ્રગ પણ સારું લાગશે.
નોંધ (સ્મોલ બોક્સ )- નવરાત્રીમાં તમે જે પણ કપડા પહેરો તે ખાસ કરીને બ્રાઇટ કલરમાં હોવા જોઈએ. ફેશનનું આંધળું અનુકરણ કરી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાવું નહીં. તમે જે પણ સ્ટાઇલના કપડાં પહેરો તે કમ્ફર્ટેબલ હોવા જોઈએ. બને ત્યાં સુધી ટ્રાન્સપરન્ટ કપડાં પહેરવા નહિ અને કોટન કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જેથી કપડાં શરીરને ચોંટે નહિ.
ધોતી- નવરાત્રીમાં ધોતી ખૂબ જ સુંદર લાગે છે. ધોતી સાથે ઘણું મિક્સ એન્ડ મેચ કરી શકાય. જો તમારી પાસે મિરર વર્કવાળું હિપ કવરિંગ ટોપ હોય તો ધોતી સાથે પહેરી શકાય. ધોતી સાથે ત્રણ કલરનું વાઇબ્રન્ટ કોમ્બિનેશન કરી શકાય.
જેમકે, રાણી કલરની પ્લેન ધોતી હોય તો તેની સાથે પેરેટ ગ્રીન કલરનો કુર્તો અને રોયલ બ્લુ કલરનું મિરર વર્કવાળું શોર્ટ જેકેટ પહેરી શકાય. કે પછી રાણી કલરની ધોતી સાથે બાંધણીનું એ સિમેટ્રિકલ હેમલાઇનવાળું ટોપ પહેરી શકાય. ધોતી સાથે કેડિયા સ્ટાઇલનું ટોપ પણ પહેરી શકાય.
આ આઉટફીટના મિક્સ એન્ડ મેચ સાથે કોઈ પણ એક આઉટફિટ ફ્રેશ પીસ હોવો જોઈએ. અને જો બંને આઉટફિટ જૂના હોય તો તેમાં થોડી લેસ કે પછી કોઈ ડેકોરેશન કરાવી શકાય કે જેથી બ્રાઇટ લુક આવે. ધોતી ખાસ કરીને કોટન ફેબ્રિકની પહેરવી કારણકે પરસેવો થાય તો કોટન ફેબ્રિક શરીરને ચોંટતું નથી. ધોતી સાથે પગમાં પાયલ કે એક પગમાં કડું પહેરી શકાય. જ્વેલરી તમે તમારા પસંદની પહેરી શકો.
ઘાઘરા- તમારા જૂના ઘાઘરા જો થોડા પણ સારી કન્ડિશનમાં હોય તો તેમાં થોડી લેસ મુકાવવી જેથી થોડો ઉઠાવ આવે. ઘાઘરાને મેચિંગ કોઈ કોટન પ્રિન્ટેડ ફેબ્રિકનો કુર્તો કરાવવો. ઘાઘરો હંમેશાં ઘેરવાળો પહેરવો. ઘેરવાળો ઘાઘરો ગ્રેસફુલ લુક આપે છે.
ઘાઘરા સાથે જો વર્કવાળું બ્લાઉઝ ન પહેરવું હોય તો, બોડી હગિંગ ટીશર્ટ પહેરી શકાય. આની પર કપડાંની જ્વેલરી પહેરી એક અલગ લુક આપી શકાય. જયારે તમે ઘાઘરો પહેરો છો ત્યારે ખાસ કરીને દુપટ્ટો પહેરવો. દુપટ્ટો એ મર્યાદાની નિશાની છે. દુપટ્ટાનું ડ્રેપિંગ તમે તમારી બોડી ટાઈપ મુજબ કરી શકો.
ઘાઘરામાં જે બોર્ડર હોય તે જો નીચેથી ફાટી ગઈ હોય કે ઝાંખી પડી ગઈ હોય અને આખો ઘાઘરો બ્રાઇટ લાગતો હોય તો, બોર્ડર કાઢી નાખી અને તેની બદલે બીજી બોર્ડર નાખી ઘાઘરાને એક નવો લુક આપી શકાય. થોડા ફેમિનિન લુક માટે ઘાઘરામાં કોઈ કોન્ટ્રાસ્ટ કલરની ફ્રિલ નાખી શકાય.
કંઈક અલગ લુક આપવા માટે જૂના ઘાઘરાની ઉપર બીજો નવો ઘાઘરો કરાવવો કે જે તમે ઉપરના લેયર તરીકે પહેરી શકો. અને ડબલ લેયર ઘાઘરાનો લુક ક્રિએટ કરી શકો. ઘાઘરાની લંબાઈ હંમેશાં એન્કલ લેન્થ રાખવી. જો ફ્લોર લેન્થનો ઘાઘરો પહેરશો તો ઘાઘરો નીચેથી ખરાબ થશે અને રમવામાં વચ્ચે આવશે.
એન્કલ લેન્થનો ઘાઘરો હશે તો તમે જે રીતે ગોળ ફરશો તેવી જ સહજ રીતે તમારો ઘાઘરો પણ ગોળ ફરશે. ઘાઘરો કોટન ફેબ્રિકનો હશે તો વધારે સારો લાગશે અને ગોળ ફરવામાં પણ આસાનીથી ફરશે. ઘાઘરો હંમેશાં બ્રાઇટ કલરમાં હોવો જોઈએ જેથી કરી તેની પર જે કામ કરવામાં આવ્યું હોય તે ઊઠીને દેખાય.
બ્યુટી અને સેલ્ફ કેર
ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો
- નવરાત્રી શરૂ થવાની હોય તેની પહેલાજ બધું જ શોપિંગ પૂરું થઇ જવું જોઈએ
- તમે જે કપડાં નવ દિવસ પહેરવાના છો તે એક્સેસરીઝ સાથે રેડી હોવા જોઈએ.
- પગના નખ હંમેશાં કાપી નાખવા, ગરબા રમતા મોટા નખ તૂટી જશે અને આખી નવરાત્રિ બગડશે.
- તમારા પર્સમાં હંમેશાં સેફટી પિન, દાંતિયો, લિપસ્ટીક, વેટ ટિસ્યુ અને બેન્ડેજ જરૂરથી રાખવી.
- જો તમને વાગે તો વેટ ટિસ્યુથી સાફ કરી બેન્ડેજ લગાડી શકાય.
- પર્સમાં ગ્લુકોન ડી કે પછી તમને ફાવતું સુગર સપ્લિમેન્ટ રાખવું..
- એક્સેસરીઝ એવી પહેરવી કે તમારા કપડામાં ભરાય નહિ.
*પોકેટ પરફ્યુમ કે માઉથ ફ્રેશનર સાથે રાખવું. - ઘરેથી નીકળતા પહેલા એકે કેળું ખાઈ લેવું જે તમને આરામથી 2 કે 3 કલાકની એનર્જી મળી જશે.
- જમીને ગરબા કરવા જવું નહિ.
*લિક્વિડ વધારે લેવું. - ગરબા રમતી વખતે વચ્ચે વચ્ચે વધારે પાણી ન પીવું.
આપણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ કુદરતી ચહેરા પર કૃત્રિમ સૌંદર્યની છલના