પુરુષલાડકી

એકસ્ટ્રા અફેર : પાકિસ્તાનમાં બલોચ પ્રજાની આઝાદીની લડાઈ વૈશ્વિક સ્તરે ચમકી

-ભરત ભારદ્વાજ

પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની નવાઈ નથી, પણ આતંકવાદીઓ આખી ટ્રેનને હાઈજેક કરી જાય એ સાંભળીને ચોક્કસ આંચકો લાગે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (ઇકઅ)એ જાફર એક્સપ્રેસ પર હુમલો કરીને ટ્રેનને હાઈજેક કરી એ આવી જ ઘટના છે. ક્વેટાથી પેશાવર જઈ રહેલી આ ટ્રેનમાં 500 જેટલા મુસાફરો સવાર હતા.

બલૂચ લિબરેશન આર્મીએ આખી ટ્રેનને હાઈજેક કરીને 214 મુસાફરોને બંદી બનાવી લીધા. જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ હતી અને સિબી સ્ટેશન પહોંચવાનો સમય બપોરે 1.30 વાગ્યાનો હતો, પણ ટ્રેન સિબિ પહોંચી જ નહીં. બપોરે લગભગ 1 વાગ્યે, બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મશ્કાફ વિસ્તારમાં બીએલએના માણસો ત્રાટક્યા અને હુમલો કરીને ટ્રેનને પોતાના કબજામાં લઈ લીધી.

બલૂચ લિબરેશન આર્મીએ બોલાનના મશ્કાફમાં ગુડાલર અને પીરુ કુનરી વચ્ચે હુમલો કર્યો કેમ કે આ પહાડી વિસ્તારમાં ટ્રેનને પસાર કરવા માટે 17 ટનલમાંથી પસાર થવું પડે છે. ટનલ આવે એટલે ટ્રેન ધીમી ગતિએ ચલાવવી પડે છે. બીએલએએ જોરદાર પ્લાનિંગ કરી રાખેલું તેથી ટ્રેન ટનલોની વચ્ચોવચ્ચ આવી ત્યારે જ એટલે કે ટનલ નંબર 8માં હુમલો કર્યો.
બીએલએએ ટનલ નંબર-8માં રેલવે ટ્રેક ઉડાવી દીધો તેથી જાફર એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ.

બીએલએના માણસો તૈયાર બેઠા હતા તેથી તેમણે ધડાધડ ગોળીબાર શરૂ કર્યો ને સૌથી પહેલાં ટ્રેન ડ્રાઈવરને ઘાયલ કરી દીધો કે જેથી એ ચાલાકી કરીને ટ્રેનને ભગાડવાની કોશિશ ના કરે. આ ટ્રેનમાં આર્મીના જવાનો, પોલીસ અને આઈએસઆઈના એજન્ટો પંજાબ જઈ રહ્યા હતા. બીએલએ પાસે તેની પણ માહિતી હતી તેથી તેમના ડબ્બાને ટાર્ગેટ કરીને જબરદસ્ત ગોળીબાર કરાયો. પાકિસ્તાનના માણસોએ સામો ગોળીબાર કર્યો, પણ બીએલએની તૈયારી વધારે હતી એટલે ધડાધડ તેના માણસો ટ્રેનમાં ચડી ગયા ને ટ્રેન કબજે કરી લીધી. આવું કંઈ બનશે એવી કોઈને કલ્પના નહોતી તેથી કોઈ એક્શન થાય એ પહેલાં તો બીએલએના માણસો ઘણા બધા લોકોને ટ્રેનમાંથી ઉતારીને પહાડી વિસ્તારોમાં લઈ ગયા.

બલૂચ લિબરેશન આર્મીના હુમલાથી ચોંકેલું પાકિસ્તાની લશ્કર હરકતમાં આવ્યું ત્યાં સુધીમાં 100થી વધારે માણસોને બીએલએના લોકો પહાડી વિસ્તારમાં લઈ ગયા હતા. સુરક્ષા દળોએ ટ્રેનમાં રહી ગયેલા લોકોમાંથી 43 પુરુષો, 26 મહિલાઓ અને 11 બાળકો મળીને 80 બંદીને બચાવ્યા છે, પણ તેમાં પાકિસ્તાન આર્મીએ કોઈ બહાદુરી બતાવી નથી. બીએલએના મોટા ભાગના માણસો ટ્રેન છોડીને જતા રહેલા એટલે મુસાફરોને બહાર લાવવા માટે વધારે મહેનત કરવાની જરૂર નહોતી.

જોકે બીએલએએ ટ્રેન પરનો કબજો છોડ્યો નથી તેથી પાકિસ્તાન આર્મી બે મોરચે લડી રહ્યું છે, પણ તેમાં અસલી લડાઈ બીએલએ જેમને અંદર લઈ ગયું એ લોકોને છોડાવવાની છે. અલબત્ત બીએલએએ ટ્રેનમાં વિસ્ફોટ કર્યો તેનો એક વીડિયો પણ વાયરલ થયેલો છે તેથી બીએલએ પૂરી તૈયારી કરીને આવ્યું છે એ સ્પષ્ટ છે. પાકિસ્તાન આર્મી નજીક આવે તો બ્લાસ્ટ કરીને ટ્રેનને ઉડાવી દેવાની પણ તેમની તૈયારી છે એ સ્પષ્ટ છે તેથી પાકિસ્તાન આર્મી માટે બંને બાજુ મરો છે.

બંદીઓને છોડાવવામાં પાકિસ્તાનના 30 સૈનિકો તો ઢબી ગયા છે ને બીજા કેટલા ઢબી જશે એ ખબર નથી. હજુ 140 જેટલા બંદી બીએલએના કબજામાં છે. પાકિસ્તાનનો દાવો છે કે, બીએલએ નિર્દોષ સ્ત્રીઓ અને બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને કાયરતા બતાવી રહ્યું છે. સામે બીએલએનું કહેવું છે કે, પાકિસ્તાન આર્મી, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (અઝઋ) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ઈંજઈં)ના એજન્ટોને જ બંદી બનાવ્યા છે જ્યારે મહિલાઓ, બાળકો અને બલૂચ યાત્રાળુઓને છોડી મૂક્યાં છે.

બીએલએએ પાકિસ્તાન સરકારને તેના માણસોની મુક્તિના બદલામાં આ બંદીઓને છોડાશે એવું વચન આપ્યું છે. બીએલએએ પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. બીજી તરફ પાકિસ્તાન આર્મી બાકીના બંદીઓને મુક્ત કરાવવાની કામગીરીમાં લાગેલું છે તેથી અત્યારે તો કોઈ થ્રિલરમાં બને એવી ઘટનાઓ બની રહી છે.

બલૂચિસ્તાનમાં બનેલી ઘટનાએ પાકિસ્તાનને આખી દુનિયા સામે ડફોળ અને આતંકવાદીઓનો અડ્ડો સાબિત કરી દીધું છે. ગયા વર્ષે ઑગસ્ટમાં જ બીએલએએ જફર એક્સપ્રેસના પર કોલપુર અને માખ વચ્ચેનો પુલ ઉડાવી દેતાં ટ્રેન સેવા બંધ થઈ ગઈ હતી. લગભગ બે મહિનાની મહેનત પછી માંડ માંડ પુલનું સમારકામ કરાયું પછી ઓક્ટોબર 2024થી ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. પાકિસ્તાને એ વખતે જ સમજી જવાની જરૂર હતી કે, બીએલએ ગમે ત્યારે આ રૂટને ફરી ટાર્ગેટ કરશે જ.

પાકિસ્તાનને એમ હશે કે, બીએલએ ફરી આ રીતે બ્લાસ્ટ કરીને ટ્રેનના પાટા ઉડાવી દેવાની હરકત કરશે, પણ આખી ટ્રેન હાઈજેક કરી લેશે એવી કલ્પના પણ નહીં હોય એટલે ટ્રેનની અંદર બહુ ગાર્ડ રાખ્યા નહીં તેમાં પોપટ થઈ ગયો. પાકિસ્તાનની આર્મીએ ટ્રેન મારફતે મોકલેલા જવાનોએ બીએલએના માણસો પર ગોળીબાર કર્યો અને બૉમ્બ પણ ફેંક્યા, પણ તેમાં પ્રવાસીઓ પર જ જોખમ હોવાથી એ ઓપરેશન પણ બંધ રાખવું પડ્યું છે.

બીએલએએ બંદી બનાવેલા પ્રવાસીઓનું શું થાય છે તે ખબર નથી, પણ આ ઘટનાના કારણે પાકિસ્તાનથી આઝાદ થવા માગતા બલૂચ લડવૈયાઓ તરફ આખી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. બલૂચ લિબરેશન આર્મી એટલે કે બીએલએની સ્થાપના 1970માં થઈ, પણ બલૂચ પ્રજા પાકિસ્તાનથી આઝાદ થવા છેક 1947થી લડે છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી બૂલૂચ પ્રજાનો મોટો વર્ગ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માગતો હતો, પણ તેમની સંમતિ વિના તેમને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા. બલુચિસ્તાનને પાકિસ્તાનનો પ્રાંત બનાવાયો ને સ્વતંત્રતા ઇચ્છતા લોકો ભવિષ્યમાં માથું ના ઊંચકે એ માટે લશ્કરે અત્યાચારો શરૂ કર્યા તેથી પાકિસ્તાન આર્મી અને લોકો વચ્ચેનો સંઘર્ષ સતત ચાલ્યા કરે છે.

Read This…Russia Ukraine War: શાંતિ તરફ વધુ એક પગલું; યુદ્ધવિરામ પ્રસ્તાવ લઇને યુએસ અધિકારીઓ રશિયા રવાના…

બલુચિસ્તાનમાં આઝાદીની માંગણી કરતાં ઘણાં સંગઠનો છે, પરંતુ બલુચિસ્તાન લિબરેશન આર્મી (ઇકઅ) સૌથી શક્તિશાળી સંગઠન છે. 1970ના દાયકામાં અસ્તિત્વમાં આવેલા બીએલએનો છેલ્લાં કેટલાંક વરસોમાં પ્રભાવ વધ્યો છે. પાકિસ્તાન સરકારે 2007માં બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું, પણ તેનાથી ડર્યા વિના બીએલએ જંગ ખેલ્યા કરે છે.

પાકિસ્તાન ભારત બીએલએને મદદ કરતું હોવાનો આક્ષેપ મૂકે છે, પણ તેના કોઈ પુરાવા આપી શકતું નથી. અલબત્ત ભારત મદદ કરતું હોય તો તેમાં કશું ખોટું નથી કેમ કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદને ભડકાવે જ છે ને? જેવા સાથે તેવા થવામાં કશું ખોટું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button