પુરુષલાડકી

એકસ્ટ્રા અફેર : રશિયા-યુક્રેન વચ્ચે કાયમી શાંતિ દુનિયાના હિતમાં

-ભરત ભારદ્વાજ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે થનારી વાતચીતમાં શું થાય છે તેના પર આખી દુનિયાની નજર હતી. યુક્રેને અમેરિકાના કહેવાથી 30 દિવસના યુદ્ધવિરામની તૈયારી બતાવી છે અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી 30 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવ પર સંમત થયા છે પણ પુતિન શું જવાબ આપે છે એ વધારે મહત્ત્વનું હતું કેમ કે તાળી એક હાથે નથી પડતી.

સદનસીબે પુતિને પણ યુદ્ધવિરામ માટે હા પાડતાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ થંભી જાય એવી આશા ઊભી થઈ છે. પુતિન અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર થયેલી 90 મિનિટની વાતચીતમાં પુતિને યુદ્ધવિરામ સ્વીકારવા કેટલીક શરતો મૂકી છે ને તેમાં મુખ્ય શરત એ છે કે, નાટોએ વચન આપવું જોઈએ કે યુક્રેનને સભ્યપદ નહીં અપાય. ટ્રમ્પ સાથેની વાતચીત પછી રશિયાએ બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ નથી પણ રશિયાના નાયબ વિદેશ પ્રધાન એલેક્ઝાન્ડર ગ્રુશ્કોએ પુતિને આ શરત મૂકી હોવાનું કહ્યું છે. ગુશ્કોના કહેવા પ્રમાણે, રશિયાને નક્કર ગેરંટી મળવી જોઈએ કે યુક્રેન તટસ્થ સ્થિતિમાં રહેશે અને એ માટે નાટો દેશોએ વચન આપવું પડશે કે તેઓ યુક્રેનને સભ્યપદ નહીં આપે.

રશિયાએ આ શરત પહેલાં પણ મૂકી હતી. માર્ચે, સાઉદી અરેબિયામાં અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓની બેઠકમાં યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયું હતું પણ રશિયાએ કોઈપણ કામચલાઉ યુદ્ધવિરામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. રશિયાએ અમેરિકા અને યુરોપના દેશો એટલે કે પશ્ર્ચિમી દેશો સાથે વ્યાપક સુરક્ષા કરારની શરત મૂકીને કહેલું કે, યુક્રેનને નાટોમાં સામેલ કરવામાં નહીં આવે એવી ગેરંટી આપવામાં આવે તો જ યુદ્ધવિરામ સ્વીકારાશે.

યુક્રેનને નાટોમાં સભ્ય બનાવાય તો ભવિષ્યમાં રશિયા યુક્રેન પર આક્રમણ કરે તો નાટોનુ લશ્કર તેની સુરક્ષા કરવા ઊભું રહે. રશિયાને યુક્રેન સાથે સરહદ અંગે ઘણા બધા વિવાદો છે. આ વિવાદો ઉકેલવા હોય તો રશિયાનો હાથ ઉપર રહે એવી પુતિનની માનસિકતા છે કેમ કે એક વાર યુક્રેન અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટોમાં જોડાઈ જાય પછી રશિયાને ગાંઠે જ નહીં. યુરોપના દેશો તો અત્યારે પણ યુક્રેનના પડખે જ છે એ જોતાં યુક્રેન પછી હાથ ના મૂકવા દે. પુતિન એવી સ્થિતિ ઊભી થાય ને યુક્રેન પોતાની સામે દાદાગીરી કરે એવું ઈચ્છતા નથી તેથી તેમણે પહેલી જ શરત યુક્રેનને નાટોનું સભ્ય નહીં બનાવવાની મૂકી છે.

નાટોનું કર્તાહર્તા અમેરિકા છે ને નાટોમાં કોને સભ્યપદ આપવું ને કોને ના આપવું તેનો નિર્ણય અમેરિકા જ કરે છે એ જોતાં અમેરિકા માટે આ શરત સ્વીકારવી રમત વાત છે એ જોતાં યુદ્ધવિરામ વાસ્તવિકતામાં પરિણમશે તેમાં મીનમેખ નથી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પહેલાં જ 30 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવ પર સંમત છે અને હવે રશિયા પણ સૈદ્ધાંતિક રીતે સંમત થયું છે તેથી દુનિયામાં કમ સે કમ એક મોરચે તો શાંતિ સ્થપાશે.

ટ્રમ્પ અને પુતિન વચ્ચે બીજા પણ ઘણા મુદ્દે સહમતી સધાઈ છે અને એક વાત સ્વીકારવી જોઈએ કે, પુતિને બધાં ધારતા હતા એવી જડતા નથી બતાવી. રશિયાએ જોરદાર આક્રમણ કરીને કુર્સ્ક વિસ્તાર પર ફરી કબજો કર્યો છે અને યુક્રેનની હાલત ખરાબ છે. કુર્સ્ક ક્ષેત્રમાં હજારો યુક્રેનિયન સૈનિકોને રશિયાએ ચારે બાજુથી ઘેરી લીધા છે. આ ઘેરાયેલા યુક્રેનિયન સૈનિકોના જીવ બચાવવા માટે ડોનલ્ડ ટ્રમ્પે અપીલ કરેલી.

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : વજન વજનનું કામ કરે…

વ્લાદિમીર પુતિને ખાતરી આપી છે કે, રશિયા આ સૈનિકો સાથે માનવતાવાદી વલણ અપનાવવા તૈયાર છે. યુક્રેનિયન સૈનિકો શરણાગતિ સ્વીકારે તો રશિયન કાયદા અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર યુક્રેનિયન સશસ્ત્ર દળના સૈનિકોને અભયદાન અને તેમની સાથે યોગ્ય વર્તનની પણ ખાતરી અપાઈ છે. પુતિનનું વલણ સરાહનીય છે કેમ કે યુક્રેનના સૈનિકો લડવાનું ચાલુ રાખે તો રશિયાનું લશ્કર પણ એ જ ભાષામાં જવાબ આપશે પણ શરણાગતિ સ્વીકારે તો કંઈ નહીં કરે. પુતિન આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે વર્તવા તૈયાર છે એ જોતાં હવે યુક્રેને જવાબ આપવો પડશે.

ડોનલ્ડ ટ્રમ્પે હવે પછી 30 દિવસ સુધી ઊર્જા માળખાગત સુવિધાઓ પર હુમલાઓથી પરસ્પર દૂર રહેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો અને વ્લાદિમીર પુતિને આ વાત પણ સ્વીકારી છે. પુતિને તો તરત જ રશિયન સૈન્યને આદેશ આપીને યુક્રેનનાં પાવર સ્ટેશન્સ પર હુમલા બંધ કરવાનું પણ કહી દીધું છે. આ સિવાય બીજી પણ નાની નાની શરતો હતી કે જે પુતિને આનાકાની વિના સ્વીકારી છે.

પુતિનના હકારાત્મક પ્રતિભાવ પછી યુદ્ધવિરામનો અમલ થશે એ નક્કી છે પણ મુખ્ય સવાલ 30 દિવસના યુદ્ધવિરામ પછી શું તેનો છે. આ 30 દિવસના યુદ્ધવિરામ દરમિયાન રશિયા અને યુક્રેને કોઈ એના ઉકેલ પર પહોંચવું પડે કે જેના કારણે કાયમ માટે શાંતિ થઈ જાય. પુતિને કહ્યું જ છે કે, અમને યુદ્ધવિરામની નહીં પણ શાંતિની જરૂર છે. રશિયા અને તેના નાગરિકોને સુરક્ષા ગેરંટી સાથે શાંતિ મળે તો રશિયાને યુદ્ધમાં કોઈ રસ નથી. પુતિનની વાત સૈદ્ધાંતિક રીતે સાચી છે પણ કમનસીબે અત્યંત આક્રમક પુતિન તેનો અમલ કરવામાં નથી માનતા. બાકી યુક્રેન અને રશિયા વચ્ચે 2019માં શાંતિના કરાર થયા જ હતા. રશિયાએ તેનું ચુસ્ત રીતે પાલન કર્યું હોત તો ફરી યુદ્ધ જ ના થયું હોત.

આ પણ વાંચો…મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહની નેઅમત દૌલત: હલાલ – હરામ વચ્ચેના ભેદને સમજીએ

ખેર, બિત ગઈ સો બાત ગઈ એ હિસાબે જે ગયું તેને ભૂલી જવામાં જ મજા છે ને હવે પછી શું થવું જોઈએ એ વિચારવાની જરૂર છે કેમ કે યુદ્ધ કોઈને પરવડે તેમ નથી. યુદ્ધમાં માણસો તો મરે જ છે પણ આર્થિક ખુવારી પણ મોટી થાય છે અને આ ખુવારી યુદ્ધમાં સામેલ દેશો પૂરતી મર્યાદિત નથી હોતી. ભલે રશિયા અને યુક્રેન જ લડતાં હોય પણ તેની અસર આખી દુનિયા પર પડે છે એ જોતાં કાયમી શાંતિ જરૂરી છે.

ટ્રમ્પમાં બીજું ઝાઝું વખાણવા જેવું નથી પણ કમ સે કમ આ એક કામ તો એ સારું કરી રહ્યા છે. પોતાના સ્વાર્થ ખાતર તો સ્વાર્થ ખાતર પણ રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવીને એ દુનિયા પર મોટો ઉપકાર કરી રહ્યા છે. પુતિન અને ઝેલેન્સ્કી પણ આ વાત સમજીને કાયમી શાંતિ તરફ વળે એ દુનિયાના હિતમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button