એકસ્ટ્રા અફેર : પહલગામમાં હુમલો, હવે પાકિસ્તાનને જવાબ આપવો પડે

-ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ પાસેના આતંકવાદી હુમલાએ આખા દેશને ખળભળાવી દીધો છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઈ રહી હોવાનું સમજીને કાશ્મીરના સૌંદર્યની મજા માણવા ગયેલા પ્રવાસીઓ પર મંગળવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે ત્રાટકેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને બે વિદેશી પ્રવાસી સહિત 26 લોકોનાં ઢીમ ઢાળી દીધાં. પહલગામના બૈસરન ખીણમાં બનેલી ઘટનામાં 20 લોકો ઘાયલ પણ થયા છે અને તેમાં કેટલાક સ્થાનિક પણ છે.
જમ્મુ અને કાશ્મીરના પહલગામ પાસેના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મોટા ભાગના હિંદુ છે અને જે અહેવાલો આવી રહ્યા છે એ જોતાં આ ટાર્ગેટ કિલિંગ છે એ સ્પષ્ટ છે. હુમલો થયો ત્યારે હાજર લોકોના કહેવા પ્રમાણે, આતંકવાદીઓએ પહેલાં એક પ્રવાસીને તેનું નામ પૂછ્યું અને એ હિંદુ હોવાની ખબર પડતાં તેના માથામાં ગોળી મારીને હત્યા કરી નાખી.
આ હુમલા દ્વારા આતંકવાદીઓએ ભારત સરકારને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ સીધો પડકાર ફેંક્યો છે. એક બીજા પ્રવાસીને પણ નામ પૂછીને આતંકીઓએ ગોળી મારી દીધી અને તેની પત્નીએ પોતાને પણ ગોળી મારી દેવા કહ્યું તો કહ્યું કે, તને એટલા માટે છોડી રહ્યા છીએ કે જેથી તુ મોદીને આ હુમલા વિશે કહી શકે. આતંકવાદીઓએ એ પછી ત્યાં હાજર બીજા પ્રવાસીઓ પર બેફામ ગોળીબાર કરીને ઢગલાબંધ લાશો ઢાળી દીધી અને પછી ભાગી ગયા. લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
પહલગામનો હુમલો ફેબ્રુઆરી 2019 પછી કાશ્મીરમાં થયેલો સૌથી મોટો આતંકવાદી હુમલો છે. ફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 47 જવાનો શહીદ થયા હતા. એ હુમલો પણ કાવતરું ઘડીને કરાયેલો ને આ હુમલો પણ કાવતરું ઘડીને કરાયો છે એ સ્પષ્ટ છે. આ હુમલા પાછળનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરમાં ફરી અશાંતિ ઉભી કરીને તેને દેશના મુખ્ય પ્રવાહથી દૂર કરવાનો છે એ કહેવાની જરૂર નથી.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા સાવ બંધ થયા નથી પણ ઘટ્યા ચોક્કસ છે. કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ સફળતાપૂર્વક યોજાઈ ગઈ. 2019ના ઓગસ્ટમાં ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરી ત્યારે પાકિસ્તાન અને તેના પીઠ્ઠુ આતંકવાદીઓને લાગતું હતું કે, કાશ્મીરની પ્રજા તેનો વિરોધ કરશે અને રસ્તા પર ઊતરી આવશે. પાકિસ્તાન અને તેના પીઠ્ઠુ આતંકવાદીઓની આ મેલી મુરાદ બર નથી આવી. બલકે, કાશ્મીરના લોકો કલમ 370ની નાબૂદીને ભૂલીને શાંતિથી જીવી રહ્યા છે અને ભારત દ્વારા કરાતી ચૂંટણીઓમાં ભાગ પણ લઈ રહ્યાં છે તેથી આતંકવાદીઓના પેટમાં તેલ રેડાયું છે. ભારતના બીજા ભાગોમાંથી લોકો આવી રહ્યાં છે અને ટુરિઝમ પાછું ધમધમવા માંડ્યું છે. કાશ્મીરના લોકોને આ કમાણી અને શાંતિની લત ના લાગે એટલે આ હુમલો કરાયો છે. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય કાશ્મીરના પર્યટનને નુકસાન પહોંચાડવાનો છે. આ હુમલા પછી આ વિસ્તારમાં પ્રવાસન પર ફરી અસર પડશે જ.
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારાંના ખરાબ ઇરાદા ક્યારેય સફળ થશે નહીં અને હુમલા માટે જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે. મોદી પોતે કે મોદી સરકાર શું કરવા માગે છે એ ખબર નથી પણ આ આતંકવાદી હુમલા પછી આખા દેશની લાગણી એક જ છે કે, આતંકવાદીઓને અને તેમને પોષનારાને જડબાતોડ જવાબ મળવો જોઈએ. આતંકવાદીઓ સામે એવાં આકરાં અને નક્કર પગલાં લેવા જોઈએ કે તેમની સાત પેઢી યાદ કરે અને ભવિષ્યમાં ફરી આ હુમલો કરવાની હિંમત જ ના કરે.
જમ્મુ અને કાશ્મીર ભારતનું રાજ્ય છે અને ભારતના રાજ્યમાં આતંકવાદીઓ ઘૂસીને ધોળે દિવસે ભારતનાં નાગરિકોને મારી નાખે તેનો જવાબ ભારતે એ જ ભાષામાં આપવો જોઈએ. આતંકવાદીઓને પોષનારાને પણ એ જ ભાષામાં જવાબ આપવો જોઈએ. આતંકવાદીઓએ ધોળા દિવસે હુમલો કરીને આપણા નાગરિકોને માર્યા છે તો ભારતે પણ આખી દુનિયાની સામે એ જ રીતે ધોળે દિવસે આતંકીઓનો સફાયો કરીને જવાબ આપવો જોઈએ, રાતના અંધારામાં કરાતી સર્જિકલ સ્ટ્રાઈક્સથી નહીં. ભારત બદલાયું છે તેનો અહેસાસ ફિલ્મો કે વેબ સિરીઝમાં જ નહીં પણ વાસ્તવિક રીતે પણ થવો જોઈએ.
આ હુમલા પાછળ પાકિસ્તાન છે એ કહેવાની જરૂર નથી. આ સંજોગોમાં ભારતે સૌથી પહેલો પાઠ પાકિસ્તાનને ભણાવવો જોઈએ અને તેનાં જે પરિણામો ભોગવવાનાં થાય એ ભોગવવાની સૌએ તૈયારી રાખવી પડશે. દેશપ્રેમ ખાલી સોશિયલ મીડિયા પર બતાવવાની લાગણી નથી. તેના માટે ભોગ આપવો પડે છે ને એ ભોગ આપવા તૈયાર રહેવું પડશે. ઈઝરાયલમાં દેશની રક્ષા માટે લોકો ભોગ આપી રહ્યાં છે, યુક્રેનમાં દેશદાઝને ખાતર લોકો ભોગ આપી રહ્યા છે. જરૂર પડે તો આપણે પણ એવો ભોગ આપવા તૈયાર રહેવું પડે.
પહલગામના હુમલા પછી આપણે ત્યાં એવા મેસેજ વાયરલ થયા છે કે, સોશિયલ મીડિયા પર ચોક્કસ સમુદાયના કેટલાક લોકો આ હુમલાથી ખુશખુશાલ છે. મેસેજની સાથે જ્ઞાન પણ પિરસાઈ રહ્યું છે કે, દેશની બહારના દુશ્મનો કરતાં દેશની અંદર રહેલા ગદ્દારો વધારે ખતરનાક છે.
આ વાત સાવ સાચી છે પણ આ હુમલા માટે દેશમાં રહેલા ગદ્દારો પર દોષનો ટોપલો ઢોળીને કે તેમને સજા આપવાના ઝનૂનમાં દેશના બહારના દુશ્મનોને કશું ના કરવું એ બાયલાગીરી કહેવાય. આતંકવાદીઓને ભારતમાંથી કોણ મદદ કરે છે એ આપણને ખબર નથી પણ બહારથી કોણ મદદ કરે છે એ ખબર છે. આ સંજોગોમાં આપણું ટાર્ગેટ એ બહારના દુશ્મનો હોવા જોઈએ ને તેમના પર ભીષણ હુમલો કરીને તેમની કમર જ તોડી નાખવી જોઈએ. તેમની એવી હાલત કરી નાંખવી જોઈએ કે, આતંકવાદીઓને તો છોડો પણ પોતાને મદદ કરવાને લાયક જ ના રહે. જેમની મર્દાનગી ઉછાળા મારતી હોય એ બધાએ મર્દાનગી પાકિસ્તાન સામે બતાવવી જોઈએ, આ દેશના મુસ્લિમો સામે નહીં.
આપણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહ રહીમ-કરીમ છે જે દુશ્મનો પર પણ દયાની નજર રાખે છે
આ બહારના દુશ્મનોને ખતમ કરવા એટલે જરૂરી છે કે, આ દેશમાં રહીને ગદ્દારી કરનારા આતંકવાદીઓનાં હાથોમાં એક-47 નથી પકડાવતા કે લોકોનાં ઢીમ નથી ઢાળવા માટે ગોળીઓ પણ નથી આપતા. એ બધું બહારથી જ મળે છે એટલે આતંકીઓને એકે-47 ને ગોળીએ આપનારા હાથને પહેલાં કાપવો જરૂરી છે. અંદરના ગદ્દારો સાથે તો ગમે ત્યારે લડી લેવાશે ને સાફ પણ કરી દેવાશે ને બહારથી મદદ મળતી બંધ થશે એટલે આપોઆપ ગદ્દારી પણ બંધ થઈ જશે.