પુરુષ

મેરી કોમ જેવા ખેલાડી પણ જ્યારે સ્ત્રી-પુરુષ સમાનતાના બેવડા ધોરણ રાખે ત્યારે…

મેલ મેટર્સ: અંકિત દેસાઈ

મેરી કોમ પતિ ઓન્લર કોમ સાથે

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખેલ જગતની દિગ્ગજ ખેલાડી મેરી કોમની એક ટિપ્પણીએ મોટો વિવાદ છેડ્યો છે. મેરી કોમે એક ઈન્ટરવ્યૂમાં ગંભીરતાથી એવું નિવેદન આપ્યું કે તેનો પતિ એક પણ રૂપિયો કમાતો નથી અને આખો દિવસ ફૂટબોલ રમ્યા કરે છે. આ એક વાક્યએ ઇન્ટરનેટ પર ચર્ચાઓનું તોફાન ઊભું કરી દીધું છે.

સવાલ અહીં માત્ર એક ખેલાડીના અંગત જીવનનો નથી, પરંતુ સવાલ એ સામાજિક માનસિકતાનો છે, જે સ્ત્રી અને પુરુષ માટે સફળતા, કમાણી અને બલિદાનના માપદંડો અલગ-અલગ રાખે છે. આ ઘટનાએ એ કડવું સત્ય સપાટી પર લાવી દીધું છે કે આજે પણ આપણો સમાજ પુરુષ’ હોવાની વ્યાખ્યાને માત્રકમાણી’ સાથે જોડીને જુએ છે અને જ્યારે કોઈ પત્ની તેના પતિની બેરોજગારી કે ઓછી કમાણી પર કટાક્ષ કરે છે. ત્યારે તે સમાજમાં સ્વીકાર્ય બની જાય છે, પણ શું આ જ વાત કોઈ પુરષ બોલી શકે ખરો?

અહીં વિચારવા જેવી વાત એ છે કે જો આ જ સ્થાને કોઈ પ્રખ્યાત પુરુષ ખેલાડી કે સેલિબ્રિટીએ જાહેરમાં એવું કહ્યું હોત કે “મારી પત્ની કંઈ કમાતી નથી અને આખો દિવસ ઘરે બેસીને ટીવી જોયા કરે છે કે શોપિંગ કર્યા કરે છે,” તો શું થાત?

ચોક્કસપણે, તે પુરુષને ક્ષણભરમાં સ્ત્રી વિરોધી’,અહંકારી’ અને પછાત વિચારધારાવાળો’ જાહેર કરી દેવામાં આવ્યો હોત. તેના પર સ્ત્રીના અપમાનના આરોપ લાગત અને સોશિયલ મીડિયા પર તેને બાયકોટ કરવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ હોત , પરંતુ જ્યારે મેરી કોમ જેવી વ્યક્તિ આવું બોલે છે ત્યારે તેનેમજબૂત સ્ત્રીનો આત્મવિશ્વાસ’ ગણીને જોવામાં આવે છે. આ તે બેવડા ધોરણ છે જે પુરુષકેન્દ્રી દૃષ્ટિકોણથી જોતા અન્યાયી લાગે છે. પુરુષ હંમેશાંથી એક પ્રોવાઈડર’ એટલે કે ઘર ચલાવનારની ભૂમિકામાં રહ્યો છે. જો તે કમાય નહીં તો સમાજની નજરમાં તેની કોઈ કિમત રહેતી નથી. મેરી કોમના કિસ્સામાં તેના પતિ ઓન્લર કોમે પોતાની કારકિર્દીનો ભોગ આપીને મેરી કોમને વિશ્વ ચેમ્પિયન બનાવવા માટે ઘર સંભાળ્યું છે. એક પુરુષ જ્યારે પોતાની પત્નીની સફળતા માટે પાછળ રહીને પાયાનો પથ્થર બને છે. ત્યારે તેની એ મહેનતને’કંઈ ન કમાવા’ સાથે સરખાવવી એ તેના પુરુષત્વ અને તેના બલિદાનનું અપમાન છે. સમાજમાં આજે પણ એવી માનસિકતા ઘર કરી ગઈ છે કે પત્ની ભલે લાખો કમાતી હોય, પણ જો પતિ ન કમાતો હોય તો તેનેનકામો’ ગણવામાં આવે છે. કોઈ પુષ જ્યારે પત્નીની કમાણી પર નિર્ભર રહે છે, ત્યારે તેને ઘરજમાઈ’ કેબાયલો’ જેવા શબ્દોથી નવાજવામાં આવે છે, પરંતુ કોઈ સ્ત્રી પતિની કમાણી પર જીવે તો તેને સૌભાગ્યશાળી’ માનવામાં આવે છે. આ તફાવત જ પુરુષ વર્ગ માટે માનસિક દબાણ ઊભું કરે છે. મેરી કોમની કમેન્ટ પર જે બબાલ મચી તે એ વાતનો પુરાવો છે કે હવે પુરુષો પણ પોતાના સન્માન માટે અવાજ ઉઠાવતા શીખ્યા છે. પુરુષો પૂછી રહ્યા છે કે શું અમારું કામ, અમારો ત્યાગ અને અમારો સમય માત્ર એટલા માટે શૂન્ય છે, કારણ કે અમે બેંક બેલેન્સમાં વધારો નથી કરી રહ્યા? જો એક સ્ત્રી ગૃહિણી (હાઉસવાઈફ) તરીકે માન સન્માનની હકદાર છે. તો એક પુષહાઉસહસબન્ડ’ તરીકે કેમ નહીં? શા માટે તેની મજાક ઉડાવવામાં આવે છે?

જો કોઈ પુરુષ જાહેરમાં પત્નીની કમાણી વિશે ટિપ્પણી કરે, તો સમાજ તેની એવી વલે’ કરી નાખે કે… તેને સંસ્કાર વગરનો ગણવામાં આવે છે, પરંતુ સ્ત્રી જ્યારે આવું બોલે છે ત્યારે તેનેમોઢા પર બોલનારી’ (સ્ટે્રટ ફોરવર્ડ) ગણીને છોડી દેવાય છે. આ અસમાનતા પુરુષને માનસિક રીતે તોડી નાખે છે. વાસ્તવમાં, લગ્ન એ એક ભાગીદારી છે જ્યાં બંનેના યોગદાનનું મૂલ્ય સરખું હોવું જોઈએ. જો ઓન્લર કોમે મેરી કોમના બાળકો ન સાચવ્યા હોત કે ઘરની જવાબદારી ન ઉપાડી હોત તો શું મેરી કોમ આટલા મેડલ જીતી શકી હોત? કદાચ ના. ..તો પછી કમાણીના આંકડા જોઈને કોઈના યોગદાનને ઓછું આંકવું એ કેટલી હદે યોગ્ય ગણાય ?

આ વિવાદે એ વાત સાબિત કરી છે કે સ્ત્રી સશક્તિકરણનો અર્થ પુરુષને નીચા દેખાડવાનો ક્યારેય ન હોઈ શકે. સાચું સશક્તિકરણ એ છે જ્યાં બંને લિંગ એકબીજાના પૂરક બને, નહીં કે હરીફ !

આપણ વાંચો:  સંધ્યા છાયાઃ માતા-પિતા બોજ છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button