મેલ મેટર્સઃ ‘પરફેક્ટ પુરુષ જ સફળ થાય છે’ એવું માનવાની ભૂલ કરશો નહીં!

અંકિત દેસાઈ
આજનો યુગ સફળતાને પરફેક્શન સાથે જોડીને મૂલવે છે. સોશ્યલ મીડિયા હોય કે કોર્પોરેટ જગત, દરેક જગ્યાએ એક ચમકદાર, દોષરહિત અને હંમેશાં ’ઓન પોઇન્ટ’ છબી (Image) રજૂ કરવાની હોડ જામી છે. ખાસ કરીને પુરુષોના ખભે આ ભાર વધારે મૂકવામાં આવ્યો છે: તમારે શક્તિશાળી, આત્મવિશ્વાસુ, લાગણીવિહીન (જે નબળાઈ ન બતાવે), અને દરેક પરિસ્થિતિમાં સંપૂર્ણ હોવું જોઈએ…
જોકે, આ આધુનિક ધારણા સત્યથી ઘણી દૂર છે. ખરેખર તો, તમારી અપૂર્ણતા (Imperfection) જ તમારી સૌથી મોટી તાકાત છે. સત્ય એ છે કે, જીવનમાં કે કરિયરમાં કોઈ પણ વસ્તુ ‘પરફેક્ટ’ હોતી નથી, અને કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી. પરફેક્શનની પાછળ દોડવું એ એક એવું યુદ્ધ છે જેમાં ક્યારેય કોઈને જીત મળતી નથી, માત્ર સતત હતાશા જ હાથ લાગે છે.
પુરુષોને નાનપણથી જ શીખવવામાં આવે છે કે ભૂલ કરવી એ નબળાઈની નિશાની છે, પરંતુ આ માન્યતા માનસિક સ્વાસ્થ્ય અને વિકાસ બંને માટે હાનિકારક છે. અપૂર્ણતા જ આપણને માનવ બનાવે છે અને આપણી વાસ્તવિકતાને સ્વીકારવા તરફ દોરી જાય છે.
આપણે સફળ પુરુષોનાં જે ઉદાહરણો જોઈએ છીએ,જે તેમની સંપૂર્ણતાને કારણે નહીં, પરંતુ તેમની નિષ્ફળતાઓને કેવી રીતે સ્વીકારી, તેમાંથી શું શીખ્યા અને આગળ વધ્યા, તેના કારણે સફળ થયા છે. કોઈ પણ મહાન શોધક, ઉદ્યોગપતિ કે નેતાની જીવનકથા જોઈ લો તેમાં ભૂલો, ગણતરીની ભૂલો અને અણઘડ નિર્ણયોની લાંબી યાદી હશે. આવી ભૂલ જ તેમનો વિકાસ પથ બની, જેણે તેમને પરફેક્ટ નહીં પણ પરિપક્વ બનાવ્યા.
આ પણ વાંચો…મેલ મેટર્સઃ નવા વર્ષમાં આ રીતે વધારીએ પુરુષત્વનો પ્રભાવ!
તમારા જીવનમાં આવતી અપૂર્ણતાઓ (ખામીઓ) ને સ્વીકારવાથી તમને ત્રણ મોટા ફાયદા થાય છે:
1) અધિકૃતતા (Authenticity) અને કનેક્શન:
જ્યારે કોઈ પુરુષ પોતાની ભૂલો, ચિંતાઓ કે ડરને સ્વીકારે છે, ત્યારે તે બીજા લોકો સાથે ઊંડો અને સાચો સંબંધ બાંધી શકે છે. સતત પરફેક્ટ દેખાવાનો પ્રયાસ તમને બીજાઓથી દૂર કરી દે છે. લોકો સંપૂર્ણ હીરોની નહીં, પણ એવા વ્યક્તિની પ્રશંસા કરે છે, જે પડીને ફરી ઊભા થવાની હિંમત બતાવે. તમારી નબળાઈઓ શેર કરવાથી તમે વધુ વિશ્વસનીય અને માનવીય લાગો છો. આ જ અધિકૃતતા નેતૃત્વમાં સૌથી શક્તિશાળી ગુણ સાબિત થાય છે.
2) સ્થિતિસ્થાપકતા (Resilience) અને શીખવાની ક્ષમતા:
જે પુરુષ પોતાની અપૂર્ણતાને સ્વીકારે છે, તે નિષ્ફળતાથી ડરતા નથી. તે જાણે છે કે દરેક ભૂલ એ શીખવાની તક છે. પરફેક્શનિસ્ટ વ્યક્તિ નિષ્ફળતાના ડરથી નવા પ્રયાસો કરવાનું ટાળે છે, જ્યારે અપૂર્ણતાને સ્વીકારનાર વ્યક્તિ આસાનીથી પોતાના માર્ગમાં આવતા પડકારોમાંથી નવું જ્ઞાન મેળવે છે. આ સ્થિતિસ્થાપકતા જ લાંબા ગાળે સફળતા માટેનું સાચું એન્જિન છે. કોઈ પ્રોજેક્ટમાં નિષ્ફળતા મળે કે અંગત સંબંધોમાં ઠોકર વાગે, અપૂર્ણતાનો સ્વીકાર કરનાર પુરુષ ફરીથી ઊભો થઈ શકે છે.
3 ) માનસિક શાંતિ (Mental Peace):
પરફેક્ટ દેખાવાનો સતત પ્રયાસ માનસિક સ્વાસ્થ્ય પર ભારે બોજ મૂકે છે. સતત ચિંતા, તણાવ અને ‘હું પૂરતો સારો નથી’ (I am not good enough)ની ભાવના પુરુષોને અંદરથી તોડી નાખે છે. જ્યારે તમે તમારી ખામી – મર્યાદાઓને હસતાં મોંએ સ્વીકારો છો ત્યારે એક મોટો બોજ ઊતરી જાય છે. આ સ્વીકૃતિ આત્મ-કરુણા (Self-Compassion) તરફ દોરી જાય છે, જે આત્મસન્માન વધારવા માટે પરફેક્શનિઝમ કરતાં વધુ અસરકારક છે.
યાદ રાખો, તમે જે કાર્ય કરો છો, તેમાં તમારો ‘હ્યુમન ટચ’ હોવો એ જ ભવિષ્યમાં સૌથી મૂલ્યવાન વસ્તુ છે. AI અને ઓટોમેશનના યુગમાં, જે કાર્ય રોબોટ દ્વારા થઈ શકે છે, તેમાં પરફેક્શનની અપેક્ષા રખાય છે, પરંતુ જ્યાં સર્જનાત્મકતા, લાગણી, માનવીય સંબંધો, નેતૃત્વ અને નિર્ણય લેવાની વાત આવે છે ત્યાં તમારી ભૂલો અને તેમાંથી શીખેલા અનુભવો જ તમને અજોડ બનાવે છે. તમારા અણઘડ વિચાર, તમારી વિચિત્રતા, તમારી ગડમથલ આ બધું જ તમારી ‘બ્યુટી ઑફ ઈમ્પર્ફેક્શન’ છે, જે તમને બીજા બધાથી જુદા પાડે છે.
એક સફળ પુરુષ તે નથી જે ક્યારેય ભૂલ કરતો નથી, પણ તે છે જે ભૂલ કરવા છતાં પણ ડર્યા વિના આગળ વધે છે, પોતાના ડરને સ્વીકારે છે અને બીજાની સામે પોતાના અસલ સ્વરૂપને રજૂ કરવાની હિંમત ધરાવે છે. તેથી પરફેક્શનની ખોટી દોડ છોડો. તમારા અસ્તિત્વની સુંદરતાને તેની તમામ ખામીઓ સાથે સ્વીકારો, કારણ કે દુનિયાને એક પરફેક્ટ મશીનમેનની નહીં, પણ એક સાચા, હૃદય અને ભૂલોવાળા મનુષ્યની જરૂર છે. તમારી અપૂર્ણતામાં જ તમારી વાસ્તવિક શક્તિ અને સફળતા છુપાયેલી છે.
આ પણ વાંચો…મેટર્સઃ સેક્સ્ટોર્શન: જ્યારે ન્યૂડ વીડિયો કોલ બ્લેકમેલિંગમાં ફેરવાય જાય…



