પુરુષ

શું આલ્ફા મેલ સ્ત્રી પર હાથ ઉઠાવે? આવા પુરુષની યથાર્થ વ્યાખ્યા શું?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

થોડા દિવસ પહેલાં મોટિવેશનલ સ્પિકર વિવેક બિન્દ્રા સમાચારમાં બહુ ઝળક્યો. એક કારણ હતું એના સ્પર્ધક સંદીપ મહેશ્ર્વરી સાથે એની ચણભણ તો બીજું કારણ હતું વિવેક બિન્દ્રાએ પત્ની પર હિંસા આચરી હતી. આ એ જ વિવેક બિન્દ્રા છે, જે આમ આખા ગામને સલાહ આપતો ફરે છે કે સફળતા કઈ રીતે મેળવવી અને જીવનમાં શ્રેષ્ઠ કઈ રીતે રહેવું!

બનવાજોગ છે કે સફળતા અને શ્રેષ્ઠતાની એની વ્યાખ્યામાં સ્ત્રી સન્માન નહીં આવતું હોય, પરંતુ એક વાત નક્કી થઈ જાય છે કે આવા કોઈ પણ કહેવાતા મોટિવેશનલ સ્પીકર્સ કે કહેવાતા વક્તાઓ પાસે કંઈ મોટિવેશન લેવા ન બેસાય. જેમના પોતાના જ લાખ ઉબાડિયા હોય પર્સનલ લાઈફમાં એ લોકો વળી આપણને શું મોટિવેટ કરવાના?

જેમ વિવેક બિન્દ્રા આજકાલ બહુ ટ્રેન્ડમાં છે એ જ રીતે બીજો એક શબ્દ અત્યંત ટ્રેન્ડ છે એ શબ્દ છે ‘આલ્ફામેલ’ ઈન્સ્ટાગ્રામની રિલ્સમાં તો ખાસ… દર ચોથી રિલમાં આલ્ફામેલનો ઉલ્લેખ થાય છે. એમાંય અમુક રિલમાં તો આલ્ફામેલ એટલે એવો જ ઉલ્લેખ કરવામાં આવે કે જે છોકરીઓના ઝાંસામાં ન આવતો હોય અથવા તો એને પોતાનું આલ્કોહોલ અને સિગારેટ કે એનું જિમ જ એટલું વહાલું હોય છે કે એ બધાની સામે એને મન છોકરીઓ કે પ્રેમનું કોઈ મહત્ત્વ જ નથી!

અલ્યા ભઈ, આલ્ફામેલની વ્યાખ્યા આટલી બધી સીમિત કરવાની? આલ્ફામેલ કોન્ફિડન્ટ અને મક્કમ હોય એનો અર્થ એ નહીં થાય કે એને સ્ત્રીઓની કંઈ પડી ન હોય અથવા એની નજરમાં સ્ત્રીઓનું કોઈ મૂલ્ય ન હોય. આવું ક્ધટેન્ટ અપલોડ કરીને તો ક્રિએટર્સ એવું જ દર્શાવવા માગતા હોય છે અથવા તો એ સ્ત્રીઓ પર ખિખિયાટા કાઢવા માગતા હોય છે.

વાસ્તવમાં આલ્ફામેલ એ છે, જે સ્ત્રીઓની અત્યંત કદર કરે-આદર કરે અથવા તો પોતાની આસપાસની સ્ત્રીને ઊની આંચ પણ ન આવવા દે. સ્ત્રીને વાતે વાતે ઉતારી પાડતા હોય કે પોતાની સ્ત્રીની મજાક કરતા રહેતા હોય એવા પુરુષ કંઈ આલ્ફામેલ ન કહેવાય.

આલ્ફામેલને તો જરાય છોછ નથી હોતો સ્ત્રીએ ચીંધેલા નાનાં-મોટાં કામ કરવામાં, એમને રસોડામાં કે ઘરમાં થોડી મદદ કરવામાં કે જાહેરમાં એમનો સામાન ઊંચકીને એમને મદદરૂપ થવામાં. સ્ત્રીનું અપમાન કરનારા-એમને પોતાનાથી નાની માનનારા કે ઘરમાં પોતે બ્રેડ વિનર છે એટલે એમના પર અમુક પ્રકારનો રોફ જમાવનારા કંઈ આલ્ફામેલ ન શકાય.

‘ઈન્સ્ટાગ્રામ’ પર તો આલ્ફામેલનો એક જ અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે આલ્ફામેલ એટલે એ પુરુષ જે સૌથી પાવરફૂલ છે… પરંતુ પાવરની એમની વ્યાખ્યા બહુ સીમિત છે. એમની પાવરની વ્યાખ્યામાં બીજાને- ખાસ કરીને સ્ત્રીઓને હડધૂત કરવું એવું
આવે! પણ આલ્ફામેલની વ્યાખ્યામાં જે પાવરની વાત થાય છે એ પાવર હનુમાનજી જેવો પાવર હોવો જોઈએ, જેમનું તમામ બળ કે સામર્થ્ય માત્ર વિરોધીઓ કે દુશ્મનો માટે જ હોય. એ બળ કે સામર્થ્યમાં કંઈ સ્ત્રીઓ કે નબળા માણસોને દાબમાં રાખવા માટે નથી હોતું.

ઈન શોર્ટ, આલ્ફામેલની ભલે લાખ વ્યાખ્યા હોય, પણ એ લાખ વ્યાખ્યામાં જો કોઈ એક વાત સામાન્ય ગણવી હોય તો એ કે આલ્ફામેલ ક્યારેય સ્ત્રીને પુરુષ કરતાં નાની કે પોતાનાથી
નબળી માની એની સાથે દુર્વ્યવહાર ન કરે. એને મને સ્ત્રીનું અદકેરું મહત્ત્વ હોય.

આવા પુરુષની પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય કે સોશિયલ લાઈફ હોય, આલ્ફામેલ ક્યારેય સ્ત્રીનું અપમાન કે એની સાથે હિંસા કરવાનું વિચારી પણ ન શકે. આલ્ફામેલ તો આ વિશે વધુ સંવેદનશીલ-રાધર, અત્યંત સજાગ હોય કે એનાથી ભૂલમાં પણ સ્ત્રીનો અનાદર ન થાય અને એટલે જ આવા આલ્ફામેલ સોશિયલ મીડિયાના ‘ડીએમ’ (ડાયરેક્ટ મેસેજ)માં કે રસ્તા પર સ્ત્રીઓ પર ઘૂરતા નથી કે લેડી જોઈ નથી કે એની સામે લટૂડાપટૂડા કર્યા નથી. આવો વાહિયાત વર્તાવ નથી કરતા કે એવો ઍટિટ્યૂડ નથી રાખતા.

આલ્ફામેલ એટલે કોન્ફિડન્ટ અને પાવરફૂલ પુરુષ એટલે જ આવા પુરુષોના ધોતિયાં પણ ઢીલા નથી હોતા!

એટલે જો આપણે સોશિયલ મીડિયામાં અજાણી બાઈને મેસેજ કરતા હોઈએ કે મિત્રો વચ્ચે એમના પર જોક્સ કરતા હોઈએ કે જો એ આપણી વાત સાથે જરા પણ અસહમત થાય તો એના પર ઉકળી પડીએ કે સ્ત્રી એટલે માત્ર આપણાં સંતાન અને માબાપ કે ઘરને સાચવવાનું સાધન એવું માનતા હોઈએ તો આપણે આપણને આલ્ફામેલ તરીકે ઓળખાવી શકીએ નહીં- ઓળખાવા પણ ન જોઈએ… ગોટ ઈટ ?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button