પુરુષ

શબ્દની સાથે સમયને પણ પારખો…

શબ્દ અને સમય એવાં બ્રહ્માસ્ત્ર છે કે તમે ધાર્યું નિશાન પાર પાડી શકો…

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

શબ્દ અને સમય
આ બન્ને અઢી અને ત્રણ અક્ષરના છે. આપણે શીખેલી અ..બ..ક..ડ .. બારાખડીના એવાં શબ્દ કે જો એનો આપણી રોજિંદી જિંદગીમાં ખરા સમયે ધાર્યો ઉપયોગ કરવામાં આવે તો રામબાણ જેવાં સચોટ, નહીંતર અણુ બોમ્બ જેવાં મહા વિનાશક પુરવાર થઈ શકે વાત ‘શબ્દ’ થી શરૂ કરીએ…

શબ્દ એક એવું શસ્ત્ર છે,જે વીરના હાથમાં અને એના ભાથામાં શોભે. જેમ એનો ઉપયોગ ઓછો તેમ એ વધુ અસરકારક. આ શબ્દ-શસ્ત્ર દ્રૃષ્ટ કે કોઈ કા-પુરુષના હાથમાં જાય તો એ હૈયાહોળીથી લઈને સાચુકલી હોળી સળગે અને શબ્દનો વેડફાટ થાય એ વધારામાં જાણીતા પ્રાધ્યાપક નિસર્ગ આહિરને ટાંકીએ તો શબ્દ માત્ર ચેતના નહીં, ઊર્જા પણ છે. બ્રહ્મની અદ્ભુત શક્તિ છે. સર્જનની અભિવ્યક્તિ છે. શબ્દ હકીકતમાં નિર્માયો નથી. હકીકતમાં અવતર્યો છે..!

શબ્દની વાત આવે એટલે સહેજે છે કે શબ્દથી પ્રગટતી વાણીની વાત નીકળે અને વાણીની વાત આપણે કાઢીએ એટલે મૌન પણ એની પાછળ પાછળ પ્રવેશે. આમ લખાતો -બોલાતો શબ્દ આખરે મૌનમાં વિરમે.

આપણી એક જાણીતી ઉક્તિ છે : ‘ભલે તમે તમારા ગુરુની વાણી ન સમજી શકો, પણ ગુરુના મૌનને વાંચતા-ઉકેલતા શીખી જશો તોય તમારો બેડો પાર થઈ જશે..!’

બીજી તરફ, જાણીતા વિચારક-લેખક ગુણવંત શાહ માને છે કે આ સૃષ્ટિ શબ્દની બનેલી છે અને શબ્દમાં એક પ્રકારનું ગુરુત્ત્વાકર્ષણ છે ને જ્યાં ગુરુત્ત્વાકર્ષણ હોય ત્યાં વજન તો રહેવાનું.આમ શબ્દ પણ વજનદાર હોય શકે એ લખાયેલા કે વાણીરૂપે રજૂ થયેલા વજનદાર – સચોટ શબ્દ ધાર્યું નિશાન પાડે છે. ચોક્ક્સ રીતે પ્રયોજાયેલા- ગોઠવાયેલા શબ્દ મંત્ર- તંત્રની સાધના બને છે, છતાં વિદ્વાનો કહે છે તેમ શબ્દોનો અંતિમ પડાવ તો મૌન જ છે, જે મોટાભાગે વજનદાર જ સાબિત થાય છે.

મૌનના બીજે છેડે આમ જુઓ તો વાણી શબ્દની બનેલી છે અને શબ્દનું મૂળ કાર્ય અભિવ્યક્તિનું છે. આપણી વાત-કથા-વ્યથા-લાગણી વ્યક્ત કરવા અનુરૂપ શબ્દોની જરૂર પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો શબ્દ તો હૃદયનો સાદ છે. એ એક્સ-રે જેવો છે.એનો યોગ્ય ઉપયોગ થાય તો તબીબી એકસ-રેની જેમ એ પસાર થઈને મન: સ્થિતિનું આબાદ નિદાન કરી શકે. એ જ રીતે કવિ પણ પોતાનાં શબ્દોના કામાતુર પ્રેમમાં પડીને અદ્ભુત સર્જન કરી શકે છે.

આમ છતાં, જેમ આહાર-વાનગી માટે આપણા શબ્દો ખોરાક ન બની શકે તેમ શબ્દો વિશે માત્ર શબ્દોમાં વાત કરવી એ તો ચિત્રકારના બ્રશ- પીંછીના ચિત્ર માટે ખુદ એ જ પીંછીને પોતાનું ચિત્ર બનાવવા કે સેલ્ફી લેવા કહેવા જેવું અશક્ય છે!

શબ્દ પછી હવે વાત કરીએ સમયની સમય પણ શબ્દ જેવો સાપેક્ષ – રિલેટિવ છે- બીજા પર આધાર રાખનારો છે. એને પણ આપણે કેટકેટલાં શબ્દોથી ઓળખીએ છીએ- ઓળખાવીએ છીએ : કાળ-કાલ- ઘડી-પળ-ક્ષણ-વેળા- અવસર- ટાઈમ – સમો-સમય- વક્ત વગેરે, વગેરે.

સમય સાપેક્ષ કેવી રીતે છે એ આ એક સાદા ઉદાહરણથી સમજી શકાય ધારો કે તમે તમારી પ્રેયસીને મળવા ગયા છો . નિયત સ્થળે તમે પહોંચી જાવ છો. એની રાહ જુઓે છો. નિયત સમય કરતાં તમે પાંચ-સાત મિનિટ વહેલાં છો. પ્રિયજન કોઈ પણ સમયે આવી શકે,પણ તમે એને જોવાં-મળવાં- આશ્ર્લેષમાં લેવાં એવાં આતુર છો કે પેલી પાંચ-સાત મિનિટ કેમે કરી ખૂટતી નથી. ..તમને એના આગમનનો સમય એવો લાંબો લાગે છે કે એને આવતાં ભવના ભવ ખૂટી જશે મિલનની આતુરતા- અધીરાઈ એની પરાકાષ્ઠાએ પહોંચે છે અને તમારી માશુકા આખરે આવે છે. એ માત્ર બે-પાંચ મિનિટ જ મોડી પડી છે, છતાં તમને લાગે છે જાણે યુગ વીતી ગયો. ખેર, એના આગમન પછી હવે સમયની પરિભાષા કેવી પલટાય છે એ જુઓ
પ્રિયજન- પ્રેયસીને તમે મળ્યાં- ઢગલાબંધ વાતો થઈ મન મૂકીને- પેટ ભરીને અને આખરે છુટ્ટા પડવાનો સમય આવ્યો. આ મિલનથી વિખૂટા પડી રહ્યા છો એ વચ્ચે ત્રણેક કલાક વીતી ગયા છે,પણ તમને બન્નેને થાય છે : ‘બસ? હજુ હમણાં તો મળ્યાં ?!’

તમને દેવ આનંદ જેવી પેલી ફિલિંગ -અનુભૂતિ થશે: ‘અભી ન જાવ છોડ કે દિલ અભી ભરા નહીં..!’

આ મેળાપ અને વિખૂટા પડવાની ક્રિયા-પ્રક્રિયા વચ્ચે સમયનો સાપેક્ષવાદ સમાય જઈને આવો ભ્રમ સર્જે છે. આવા આ સમય વિશે ટૂંકામાં ટૂંકા વાક્યથી લઈને થોથાંના થોથાં લખાયાં છે- ચર્ચાયા છે. અહીં જોઈએ- જાણીએ કેટલાંક ઉદાહરણ ,જેમાં જ્ઞાનના દરિયા જેવું ઊંડાણ છે- વ્યક્ત લાગે છતાં કશું અવ્યક્ત છે- રેશમી મોજાંમાં વીંટાળીને વીંઝવામાં આવેલો પોલાદી મુક્કો છે તેમ સાવ સામાન્ય લાગે એવી હળવાશભરી વાતોમાં વાસ્તવિક્તાનો મર્મ પણ છે,જેમ કે સમય અને સોનું પોતપોતાની વિશેષતા ધરાવે છે.એ બન્ને પોતાની આગવી રીતે મોંઘા છે. આમ છતાંય તમે એક ગ્રામ સોનાથી એક પળનોય સમય ખરીદી શકતા નથી. એ જ રીતે,એક કલાકનો સમય તમારી પાસે ફાજલ હોય તો તમે એની બદલે એક ગ્રામ સોનું પણ ન ખરીદી શકો સફળ થવા માટે ખરા સમયની રાહ જોઈને ન બેસી રહેવાય.સતત મહેનત કરતા રહો-ખરો સમય આપોઆપ આવી જશે.

તમે ટાઈમ મેનેજ કરી લો.ટાઈમ તમારી લાઈફ અચ્છી રીતે મેનેજ કરી આપશે.

સાચું અને સારું કામ કરવા માટે ક્યારેય કોઈ સમય ખોટો નથી હોતો.

કેટલાક લોકો કોઈ કાર્યમાં નિષ્ફળ નીવડે તો ‘મને સમય ઓછો મળ્યો’ એવી ફરિયાદ કરે ત્યારે આપણે સમજી લેવાનું કે એને સમય નહીં, કઈ દિશા પકડીને કામ પૂરું કરવાની સમજ જ ઓછી હતી.
સમય આપણને ક્યારેય બદલતો નથી. એ તો કાળક્રમે આપણાં બીજાં રૂપ – સ્વરૂપ પ્રગટ કરે છે.

તમારી ક્ષણ-પળની તમે બરાબર કાળજી રાખશો તો ખરે ટાંકણે ઉપરવાળો તમારા કલાક-સમય બરાબર સાચવી લેશે.

આવતા સમયને જે પારખી શકે એને સફળતા ક્યારેય થાપ આપી ન શકે.

સમય કોઈથી બાંધ્યો બંધાતો નથી તેમ કાળ કોઈને છોડતો પણ નથી-અને હવે એક હળવી છતાં માર્મિક વાત સાથે આપણે છૂટાં પડવાનો સમય આવી ગયો છે.

રોલેક્સ તથા ટાઈમેક્સ બ્રાન્ડની વોચ વચ્ચે થયેલો આ સંવાદ સાંભળવા જેવો છે :

ટાઈમેક્સ : યાર, આપણે બન્ને આદમીને ટાઈમ-સમય દર્શાવવાનું કામ કરીએ છીએ,છતાં તું આટ્લી બધી મોંઘી કેમ?

રોલેક્સ : (સ્મિત ફરકાવતાં) : તું માણસને માત્ર સમય દેખાડે છે,જ્યારે હું માણસનો સમય દર્શાવું છું!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning