ડિયર હની, તારો બન્નીઃ કામવાળીને માન-સન્માન કેમ નહીં?

- કૌશિક મહેતા
ડિયર હની,
ઘરમાં ગૃહિણીનું મહત્ત્વ છે એટલું જ કદાચ કામવાળી બાઈનું મહત્ત્વ છે, પણ એને આપવું જોઈએ માન કે સન્માન ઘરના સભ્યો દ્વારા અપાતું નથી. (એમ તો ગૃહિણીને પણ એટલું મહત્ત્વ ક્યાં અપાય છે!)
જોકે, વાસ્તવિકતા એ છે કે કોઈ ઘર ગૃહિણી કે કામવાળી બાઈ વિના ચાલતું નથી. ઘરવ્યવહારમાં એ બંને મહત્ત્વના અંગ છે અને આજના સમયમાં તો કામવાળી વિના કોઈને ચાલતું નથી. કામવાળી કોઈ દિવસ રજા માગે તો ઘરનું આખું તંત્ર ખોરવાઈ જાય છે. આજે પતિ – પત્ની બંને કામે જતા હોય ત્યારે તો કામવાળી બાઈ કે પછી મહારાજનું મહત્ત્વ ઘણું વધી ગયું છે.
આમ છતાં, આપણે કામવાળીને કેમ માન નથી આપતા… એ એક માણસ છે એ કેમ સ્વીકારતા નથી? તારે અને મારે આ વિશે ઘણીવાર ચર્ચા થઇ છે. મને બા યાદ આવી જાય છે. એમનો કામવાળી સાથેનો વ્યવહાર આજે ય યાદ છે. એક માજી આપણે ત્યાં કામ કરતાં હતાં. ઉંમર વધી ગયેલી એટલે કામ સીમિત કરી શકતાં હતાં, પણ બાએ એમને ક્યારેય એમ ન્હોતું કહ્યું કે `હવે તમે કામ પર ના આવતાં’. એ ઓછું કામ કરતાં, પણ બા ચલાવી લેતાં. એમની ઉમરનો લિહાજ કરતાં. એમનું પેટ ભૂખ્યું ના રહે એની દરકાર પણ કરતાં.
મને એ ય યાદ છે કે, એ પછી અન્ય કામવાળી આવી એની સાથે પણ બાનો વ્યવહાર એવો જ હતો. બા અને એમની વચ્ચે એવો નાતો બંધાઈ જતો કે, કામવાળી પોતાની ઘરની કોઈ સમસ્યા હોય તો બાને કહેતી. બા એનો ઉપાય કરી આપતાં. મને લાગે છે કે, તારામાં પણ એ ગુણ છે. આપણે ત્યાં કામવાળી આવે છે એની સાથે તારો જ નહિ મારો પણ પારિવારિક નાતો બની ગયો છે. તું ક્યારેક બીમાર પડી હોય તો એણે તારી સેવા પણ કરી છે. અને એની દીકરી પણ એવી જ આપણા સાથે ભળી ગઈ છે.
મને એ સમજાતું નથી કે, કોઈ કામવાળી નીચલી જાતની છે એમ સમજી એની સાથે સારો વ્યવહાર નથી કરતા. એમને બચેલું કુચેલું ભોજન આપી પુણ્યનું કામ કર્યું હોય એવું સમજે છે. અને હા, બહુ ઓછાં ઘરોમાં એવું બને છે કે, કામવાળીને ઘેર બેસાડીને જમાડી હોય. બીજી બાજુ જ્યારે એ રજા માગે છે ત્યારે તો ઘરની માલકણ જાણે આભ તૂટી પડ્યું હોય એવો દેખાવ કરી કેવું કેવું સંભળાવે છે.: `તમારે તો વારેવારે રજા જોઈએ છે. અમારે શું કરવાનું? આ ઘરનાં કામ કોણ કરશે? કહી દઉં છું કે, રજા લેશો તો પગાર કપાઈ જશે…’. આવું ઘણાં ઘરમાં સંભળાવી દેવામાં આવે છે, પણ આપણે એ કેમ સમજતા નથી કે ઘરના પુષ સભ્યો ઘણીવાર રજા લે છે ત્યારે એમને તો ઓફિસમાં હક રજા મળે છે. કામવાળી માટે એવા કોઈ નિયમ નથી. આવો ભેદભાવ શા માટે?
તું તો કામવાળી અને એના પરિવારનું બરાબર ધ્યાન રાખે છે. એકવાર વહેલી સવારે સુગર ફોલનાં કારણે તું પડી ગઈ ત્યારે કામવાળી જ તુરંત આવી પહોંચી હતી. અને તું પણ એ ધ્યાન રાખે છે કે, ઘેર કોઈ જમણવાર હોય તો કામવાળીના ઘેર માટે એક થાળી જુદી કરી રાખે છે. એકવાર કામવાળી અને એના પતિ વચ્ચે ઝગડો થયેલો અને એનું કારણ અન્ય કોઈ સ્ત્રી હતી. કામવાળી એના પતિને તારી પાસે લાવી હતી અને હું પણ હાજર હતો અને બન્નેને આપણે સમજાવ્યા હતા એ પછી એમના ઘરસંસાર સુખેથી ચાલવા લાગ્યો હતો.
એમનાં સંતાનોની ફી માટે પણ આપણે એને મદદ કરી. અરે! હવે તો એમના ઘેર કોઈ એવું શાક બન્યું હોય તો એ મારા માટે જરૂર મોકલે છે. એજ રીતે, તારા હાથની કેટલીક વાનગી પણ કામવાળીનાં સંતાનોને બહુ ભાવે છે. આમ એ બધા આપણા પરિવારજન બની ગયા છે. બાવર્ચી'થી માંડી
હીરો નં. 1′ સુધીની ફિલ્મો આપણે જોઈએ છે અને એ જોતા જોતા આપણી આંખોભીની થઇ જાય છે, પણ કામવાળી સાથે વ્યવહાર કરીએ ત્યારે એ બધું કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ.
આપણ વાંચો: મેલ મેટર્સ : આ મહિનાને પુરુષના સ્વાસ્થ્ય સાથે નિકટની નિસ્બત, પણ…
કોરોના કાળમાં બધાં ઘરોમાં કામવાળીને મનાઈ ફરમાવી ત્યારે એમનાં પરિવારોને કેવી મુશ્કેલી પડી હતી? અને લોકોએ ત્યારે એમનો પગાર પણ કાપી લીધો હતો. એમની મુશ્કેલી કેટલી વધી ગઈ એ આપણે કોઈએ જરાય લક્ષમાં લીધું નહોતું. કામવાળીનું શોષણ પણ કેટલું થાય છે. એમનો પગાર વધારવાની વાત આવે ત્યારે કેટલો કકળાટ કરીએ છીએ. ઘરના સભ્યોને મોંઘવારી વધે તો પગાર વધે એ વાત સ્વીકારીએ પણ કામવાળી માટે એ નિયમ લાગુ પડાતો નથી. ઉદારીકરણ પછી કામવાળી બાઈઓની કે મહારાજની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે, પણ આપણે એમના પ્રત્યે ઉદાર બન્યા નથી.
તારો બન્ની