પુરુષ

વધતા જતાં જીવનની સાથે પેટ પણ કેમ વધી રહ્યું છે?

મેલ મેટર્સઃઅંકિત દેસાઈ

વીસીના વળાંક પર જ્યારે યુવાન હોય ત્યારે જે શરીર લોખંડ જેવું મજબૂત અને કસાયેલું લાગતું હોય છે તે જ શરીર ત્રીસી કે ચાલીસીના ઉંબરે પહોંચતા સુધીમાં કેમ બેડોળ થવા લાગે છે? ખાસ કરીને ભારતીય પુરુષોમાં એક સામાન્ય વલણ જોવા મળે છે કે જેમ જેમ તેમનું કરિયર અને જવાબદારીઓ વધે છે, તેમ તેમ તેમનું પેટ પણ બહાર આવવા લાગે છે. આ માત્ર દેખાવની સમસ્યા નથી, પણ એક ગંભીર સ્વાસ્થ્ય ચેતવણી છે જેને વિજ્ઞાન ‘સેન્ટ્રલ ઓબેસિટી’ અથવા ‘વિસરાલ ફેટ’ કહે છે.

પુરુષોમાં પેટ વધવાનું સૌથી મોટું વૈજ્ઞાનિક કારણ હોર્મોન્સમાં આવતો બદલાવ છે. ત્રીસ વર્ષની ઉંમર પછી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર દર વર્ષે લગભગ 1 ટકા જેટલું ઘટવા લાગે છે. આ હોર્મોન સ્નાયુઓના નિર્માણ અને ચરબીના દહન માટે જવાબદાર છે. જ્યારે તેનું સ્તર ઘટે છે, ત્યારે શરીર સ્નાયુઓ ગુમાવે છે અને ચરબી સંગ્રહવાની પ્રક્રિયા ઝડપી બને છે. તે સમયે આપણું મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) પણ ધીમું પડી જાય છે, જેનો અર્થ છે કે જે ખોરાક વીસીમાં સરળતાથી પચી જતો હતો, તે હવે શરીરમાં ચરબીના સ્વરૂપે જમા થાય છે.

ખાસ કરીને ભારતીય પુરુષોની શારીરિક રચના એવી હોય છે કે ચરબી સૌથી પહેલા પેટના ભાગે જ જમા થાય છે. આ પેટની અંદરની ચરબી એટલે કે વિસરાલ ફેટ, લિવર અને કિડની જેવાં અંગોની આસપાસ વીંટળાઈ જાય છે, જે ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદયરોગનું મુખ્ય કારણ બને છે.

આધુનિક જીવનશૈલી પણ આમાં ઘી હોમવાનું કામ કરે છે. આજના સમયમાં પુરુષોનું કામ મોટે ભાગે લેપટોપ સામે બેસીને કરવાનું હોય છે. શારીરિક શ્રમ ઘટ્યો છે અને તેની સામે ‘કેલરી ઇન્ટેક’ વધ્યો છે. ઓફિસમાં મીટિંગો દરમિયાન પીવાતી ચા-કોફી, સમોસા કે અન્ય નાસ્તાઓ અજાણતા જ શરીરમાં સેંકડો વધારાની કેલરી ઉમેરે છે. વધુમાં, પુરુષોમાં કામનું દબાણ અને સ્ટ્રેસ (તણાવ) એક મહત્ત્વનું પરિબળ છે. જ્યારે વ્યક્તિ તણાવમાં હોય ત્યારે શરીરમાં ‘કોર્ટિસોલ’ નામનો હોર્મોન વધે છે.

સંશોધનો કહે છે કે કોર્ટિસોલનું ઊંચું પ્રમાણ સીધું જ પેટની ચરબી વધારવા સાથે જોડાયેલું છે. તણાવને કારણે ઊંઘમાં અનિયમિતતા આવે છે, અને ઓછી ઊંઘ લેવાથી ભૂખ લગાડતા હોર્મોન્સ સક્રિય થાય છે, જેના પરિણામે મોડી રાત્રે જમવાની કે જંક ફૂડ ખાવાની ઈચ્છા વધુ જાગે છે.

દારૂનું સેવન પણ પેટ વધવા માટે જવાબદાર છે, જેને આપણે સામાન્ય ભાષામાં ‘બિયર બેલી’ કહીએ છીએ. દારૂમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે અને જ્યારે લિવર આલ્કોહોલને પ્રોસેસ કરતું હોય છે, ત્યારે તે ચરબી બાળવાનું બંધ કરી દે છે. આથી, તે સમયે લેવાયેલો ખોરાક સીધો જ ચરબીમાં રૂપાંતરિત થાય છે. વળી, ભારતીય ભોજનમાં કાર્બોહાઈડ્રેટ્સ (રોટલી, ભાત, ખાંડ) નું પ્રમાણ વધુ હોય છે, જે જો યોગ્ય રીતે વપરાય નહીં તો પેટ પર ટાયર જમા કરવાનું કામ કરે છે.

જોકે આ સમસ્યામાંથી બહાર આવવું અશક્ય નથી. સમાધાનની શરૂઆત જાગૃતિથી થાય છે. સૌ પ્રથમ, પુરુષોએ પોતાના આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ અનેરિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ તથા ખાંડનો ત્યાગ કરવો જોઈએ. પ્રોટીન લેવાથી સ્નાયુઓ જળવાઈ રહે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. શારીરિક કસરત તરીકે માત્ર ચાલવું પૂરતું નથી- અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ વેઈટ ટ્રેનિંગ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી અનિવાર્ય છે, કારણ કે સ્નાયુઓ જેટલા મજબૂત હશે એટલી જ ચરબી ઝડપથી બળશે.

જીવનમાં તણાવ ઘટાડવા માટે પ્રાણાયામ કે મેડિટેશનનો સહારો લેવો જોઈએ જેથી કોર્ટિસોલનું સ્તર નિયંત્રણમાં રહે. રાત્રે સાત થી આઠ કલાકની ગાઢ ઊંઘ લેવી એ પેટ ઘટાડવા માટે કોઈ પણ જિમ જેટલી જ અસરકારક સાબિત થાય છે. એટલે કે, વધતું જતું પેટ એ માત્ર ઉંમર વધવાની નિશાની નથી, પણ બેદરકારીનો બોલતો પુરાવો છે. જો તમે આજે તમારા પેટના ઘેરાવા પર ધ્યાન નહીં આપો, તો આવતીકાલે તમારે દવાઓ અને હોસ્પિટલોના ચક્કર કાપવા પડશે.

શિસ્તબદ્ધ ભોજન, નિયમિત કસરત અને સકારાત્મક માનસિકતા જ તમને ચાલીસી કે પચાસીમાં પણ ફિટ અને આત્મવિશ્વાસથી ભરપૂર રાખી શકે છે. યાદ રાખો કે તંદુરસ્ત પિતા અને તંદુરસ્ત પતિ જ પરિવારની સાચી સુરક્ષા છે.

આ પણ વાંચો…મેલ મેટર્સઃ ફાધરહૂડ બ્લૂઝ: પિતા બન્યા પછીનું એ વણકહ્યું મનોમંથન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button