પુરુષલાડકી

તને દીકરો તો મને વહાલી દીકરી!

કૌશિક મહેતા

ડિયર હની,
માતાને દીકરો વ્હાલો છે અને પિતાને દીકરી તરફ વધુ લાગણી હોય છે. આ વાત સદીઓથી થતી આવે છે અને એમાં વજૂદ પણ છે ને દમ પણ છે. આપણને પહેલું સંતાન દીકરી હતી એનું મને ગૌરવ રહ્યું છે. બીજું સંતાન દીકરો આવ્યો અને જાણે આપણો પરિવાર સંપૂર્ણ બની ગયો. જો કે, આજે ય સમાજમાં મોટાભાગના પરિવારોમાં દીકરાની બોલબાલા વધુ છે. દીકરો હોય તો વંશ આગળ વધે એવી માનસિકતા હજુ ય કાયમ છે. દીકરી તો સાસરે જતી રહે એટલે દીકરો તો હોવો જ જોઈએ. આવી માનસિકતા એ આજની વાસ્તવિકતા છે. જોકે હવે આ દૃશ્ય બદલાવું જોઈએ, પણ કમનસીબે બદલાતું નથી.

સવાલ એ છે કે, માતાને દીકરો અને પિતાને દીકરી વધુ વહાલી કેમ હોય છે. ..? એનાં વૈજ્ઞાનિક કારણો જાણવા જેવાં છે. સિગ્મંડ ફ્રોઈડનાં માટે વિપરીત લીંગનાં આકર્ષણ માટેના મનોવૈજ્ઞાનિક કારણો હોય છે. દીકરા માટે ઇડિપસ કોમ્પ્લેક્સ કામ કરે છે. આ સિદ્ધાંત ગ્રીક પૌરાણિક કથાના રાજા ઇડિપસ પર આધારિત છે.

આપણ વાચો: મહારાણા પ્રતાપથી રાઠોડ વંશ સુધી…રાજસ્થાનના આ પાંચ રાજવી પરિવારોની સંપત્તિ આજે કરોડોમાં છે, જાણો ભવ્ય ઈતિહાસ

ફ્રોઈડના મતે, લગભગ ત્રણથી છ વર્ષની ઉંમર દરમિયાન, દીકરો પોતાની માતા પ્રત્યે વધુ આકર્ષણ અનુભવે છે અને અચેતન મનમાં પોતાના પિતાને હરીફ તરીકે જુએ છે. દીકરો માતાના સ્નેહ અને ધ્યાનને સંપૂર્ણપણે પોતાના માટે ઈચ્છે છે. આ કોમ્પ્લેક્સના સફળ નિરાકરણ પછી દીકરો ધીમે ધીમે પિતાની ભૂમિકાને સ્વીકારે છે અને માતા પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત કરીને પિતાની જેમ વર્તન કરવાનું શરૂ કરે છે.

આ જ રીતે દીકરી માટે ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ કામ કરે છે. આ સિદ્ધાંત પણ ગ્રીક પૌરાણિક કથાની ઇલેક્ટ્રા પર આધારિત છે, જેણે તેના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે તેની માતાને હણી નાખી હતી. ઇડિપસ કોમ્પ્લેક્સના સ્ત્રી સમકક્ષ તરીકે, દીકરી પોતાની માતા સાથે સ્પર્ધા અનુભવે છે અને પિતા પ્રત્યે વિશેષ આકર્ષણ (અને સ્નેહ) અનુભવે છે.

એ કારણે દીકરી પોતાના પિતા પાસેથી સ્નેહ અને ધ્યાનની અપેક્ષા રાખે છે તેથી ઘણીવાર માતાને અવગણે છે અથવા તેની સાથે સ્પર્ધા કરે છે. આ કોમ્પ્લેક્સના નિરાકરણ પછી, દીકરી પણ ધીમે ધીમે માતા સાથે પોતાનું જોડાણ સ્થાપિત કરે છે અને માતા જેવી સ્ત્રી તરીકેની ભૂમિકાને સ્વીકારવાનું શીખે છે.

આપણ વાચો: મોટાભાગના લેખકો-જે એમના સમયથી પહેલાં આધુનિક વાર્તાઓ અને પાત્રો લખી નાખે છે એમને એમની હયાતિમાં ઓળખ કે સફળતા મળતી નથી

આ સદીઓ જૂનો સિનારિયો છે. હવે ઘણાં યુગલ પહેલું સંતાન દીકરી ચાહે છે. આ એક બદલાવની ધીમી શરૂઆત છે. સંતાન દત્તક લેવામાં પણ દીકરીની ડિમાંડ વધી છે. અગાઉ અનાથાલયોમાં દીકરાની બહુ ડિમાંડ રહેતી હતી. આજે એ દૃશ્ય બદલાઈ ગયું છે. હવે જેમને સંતાન ના થતું હોય એવાં યુગલ દીકરી દત્તક લે છે. શા માટે આવું બન્યું?

આજે ઘણા પરિવારોમાં જોવા મળે છે કે, દીકરો પરણી જાય એ પછી મા-બાપની ઉપેક્ષા કરે છે. મા-બાપ વૃદ્ધ બને એ પછી એમને વૃદ્ધાશ્રમમાં મુકીએ આવે છે એવા કિસ્સાઓનો પાર નથી. અને પછી એમને ઘેર પાછા લાવવાનું કદી વિચારતા નથી. ઘણા મા-બાપનો અનુભવ છે આવા કિસ્સાઓમાં દીકરીઓ વધુ સારસંભાળ લે છે. એ પરણીને સાસરે હોય છતાં પોતાના મા-બાપની વધુ ખેવના કરે છે.

તાજો રાજકીય કિસ્સો જોવો હોય તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવનો છે. એમની તબિયત લથડી. કિડની ખલ્લાસ થઇ ને એમનું જીવન જોખમાયું હતું ત્યારે એમની દીકરી રોહિણીએ કિડની આપી. અને વિદેશમાં એ ટ્રાન્સપ્લાન્ટ થયું અને આજે લાલુ યાદવ જીવે છે તો એનો યશ એમની દીકરી રોહિણીને આપવો.

આપણ વાચો: આ પત્નીઓ મલ્ટીટાસ્કિંગ કઈ રીતે કરી શકે છે?!

આપણે જનતા નથી કે, બીજા દીકરા કે દીકરીઓની કિડની લાલુ યાદવને મેચ થતી હતી કે નહિ, પણ રોહિણી એ માટે તૈયાર થઇ એ વાતની નોંધ તો લેવી જ પડે. અલબત, એ વાત સાચી કે, માણસ એક કિડની પર જીવી શકે છે, પણ કોણ કિડનીનું દાન કરવા તૈયાર થાય છે? અને પિતાને કિડની અપ્યા પછી દીકરી રોહિણી સાથે કેવો હીણો વ્યવહાર થયો?

કારણો સાચાં શું છે એ આપણે જાણતા નથી, પણ વાત એ છે કે હજુ ય આપણે દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ કરીએ છીએ. દીકરી પર કેટલાંક બંધનો હોય છે અને દીકરાને આપોઆપ અમુક છૂટછાટ મળી જાય છે. દીકરી ઘેર મોડી આવે તો એણે સાંભળવું પડે છે, કારણો આપવા પડે છે પણ દીકરાને એવા પ્રશ્નો ઓછા પુછાય છે.

આપણી જ વાત કરીએ તો ઘણીવાર તું દીકરાને ખીજાય ગુસ્સો કરે અને એ રિસાય તો તું જ એને મનાવવા જતી, પણ દીકરી પર તે કોઈકવાર હાથ પણ ઉપાડી લીધો છે. તારા મનમાં કોઈ ખરાબ ભાવ નહિ જ હોય પણ ક્યાંક આપણે જ ભેદભાવ કરી નાખીએ છીએ. આ વાત આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ વાસ્તવિકતા છે. જાણતા- અજાણતા આવો ભેદભાવ થઈ જાય છે.
આનો અંત ક્યારે આવશે?
તારો બન્ની

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button