પુરુષ

પત્ની પતિથી મોટી હોય તો ચાલે?

કૌશિક મહેતા

ડિયર હની,
આપણા સમાજમાં પતિની ઉંમર પત્ની કરતાં વધારે હોય એવું જ મોટાભાગે જોવા મળે છે. ક્યારેક બંને વચ્ચે ઉંમરનો તફાવત વધુ હોય તો ય ચાલી જાય છે, બહુ બહુ તો ટીકા કે મશ્કરી થાય, પણ પત્નીની ઉંમર પતિથી મોટી હોય તો સમાજને સમસ્યાથાય છે.

આવું કેમ? એવો પ્રશ્ન બધાને થવો જોઈએ.
તારા અને મારા વચ્ચે ચાર સાડા ચાર વર્ષનો તફાવત છે. દુનિયામાં લગભગ આ રેશિયો પતિ પત્ની વચ્ચે હોય છે એવું સંશોધન થયું છે. આપણે ત્યાં પતિ પત્નીથી ચાર વર્ષ જ નહિ, પણ પાંચ પંદર વર્ષ મોટો હોય એવું બને છે. ભારતમાં જ નહિ, પણ આખી દુનિયામાં બને છે. એવાં લગ્નો સફળ થાય છે? આ વિષે પણ સંશોધનો થયાં છે. જોકે લગ્ન એ બે વ્યક્તિ વચ્ચે પ્રેમ અને વિશ્વાસનો નાતો છે. એમાં ઉંમર ક્યારેક બાધક બને છે ક્યારેક એ નડતું નથી.

સમાજ સ્વીકારે કે ના સ્વીકારે, પણ પતિ મોટો હોય અને પત્ની નાની હોય અને એ લગ્ન જીવન ટકી જતું હોય તો પત્ની મોટી હોય એવા કિસ્સામાં પણ લગ્ન જીવન ટકી જાય છે.કેટલાક જાણીતા કિસ્સાઓ છે. ઐશ્વર્યા અભિષેક બચ્ચનથી બે વર્ષ મોટી છે. પ્રિયંકા ચોપરા તો નીક જોનાસ કરતાં દસ વર્ષ મોટી છે. બિપાસા બાસુ કરણસિંહ કરતાં ત્રણ વર્ષ મોટી છે. સોહા અલી ખાન કુણાલ કરતાં પાંચ વર્ષ મોટી છે. આમ છતાં આ બધાનાં લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યા છે. એમને સંતાનો પણ છે.

સચિન તેંડુલકર અને અંજલિનો દાખલો લો. અંજલિ ડૉક્ટર છે અને સચિનથી છ વર્ષ મોટી છે. તેમનું લગ્નજીવન દાયકાઓથી અતૂટ રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો ખૂબ જ ચર્ચિત કિસ્સો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમના પત્ની બ્રિજિટ મેક્રોન કરતાં 24 વર્ષ નાના છે ! મેક્રોન જેવા કિસ્સા બહુ ઓછા છે.

આપણા પરિવારમાં જ એક કિસ્સાની વાત તને ખબર છે. એમાં વાત ત્યાં જ અટકી પડી હતી, કારણ કે દીકરી દીકરા કરતાં દોઢેક વર્ષ મોટી હતી અને સંબધ કરવો કે નહિ એ મુદે ચર્ચા ચાલી હતી પણ આખરે બંને પરિવાર એકબીજાને એકદમ ઓળખે એટલે લગ્ન થયા અને બંનેનું લગ્ન જીવન એકદમ મજાનું રહ્યું છે.

બાકી તો ભારતીય સમાજમાં હજુ પણ વર્ષો જૂની પરંપરાઓ અને માનસિકતા ઘર કરી ગઈ છે.આપણા સમાજમાં હંમેશાં એવું માનવામાં આવે છે કે પુરુષ પત્ની કરતાં મોટો અનેવધુ અનુભવી હોવો જોઈએ. જ્યારે પત્ની મોટી હોય ત્યારે સમાજને લાગે છે કે તેનાથી પુરુષનું વર્ચસ્વ ઓછું થઈ જશે.

સ્ત્રીઓમાં ઉંમર વધવાની સાથે માતૃત્વ ધારણ કરવાની ક્ષમતામાં ફેરફાર આવે છે, તેવું કારણ આગળ ધરીને ઘરના વડીલો નાની ઉંમરની વહુ પસંદ કરવાનો આગ્રહ રાખતા હોય છે. એવી એક સામાન્ય માન્યતા છે કે સ્ત્રીઓ પુરુષો કરતા જલદી પરિપકવ થઈ જાય છે. તેથી જો પત્ની મોટી હોય તો બંનેની વિચારસરણીમાં મેળ નહીં બેસે એવો ડર સમાજને લાગે છે.

મોટાભાગના કિસ્સાઓમાં પરિવારના સભ્યોને જોડી સામે વાંધો નથી હોતો, પણ સગાવહાલાં કે પાડોશીઓ મજાક ઉડાવશે અથવા ટોણા મારશે તેવા ડરથી પત્ની મોટી હોય તેવાસંબંધોને સ્વીકારવામાં આવતા નથી.

જોકે, સમય બદલાઈ રહ્યો છે. આજના શિક્ષિત અને આધુનિક યુગમાં ઘણી યુવા પેઢી આ વાતોને મહત્વ આપતી નથી. પ્રિયંકા ચોપરા-નિક જોનાસ કે સચિન-અંજલિ તેંડુલકર જેવા ઉદાહરણએ સાબિત કર્યું છે કે જો બે વ્યક્તિ વચ્ચે સમજદારી હોય, તો ઉંમરનો તફાવત કોઈ મહત્ત્વ ધરાવતો નથી.

લગ્નનું ટકવું ઉંમરના આંકડા કરતાં માનસિક તાલમેલ પર વધુ આધાર રાખે છે. જો બે વ્યક્તિ વચ્ચે પ્રેમ, આદર અને એકબીજાને સ્પેસ આપવાની તૈયારી હોય, તો 1 વર્ષનો તફાવત હોય કે 20 વર્ષનો, સંબંધ મજબૂત જ રહે છે. દિલીપ કુમાર અને સાયરા બાનુની જોડી બોલિવૂડના ઈતિહાસમાં ‘એવરગ્રીન’ ગણાતી અને ઉંમરના તફાવત છતાં અત્યંત સફળ ગણાતી જોડી છે. તેમનો કિસ્સો સાબિત કરે છે કે જો પ્રેમ નિષ્ઠાવાન હોય, તો વર્ષોનો તફાવત માત્ર એક આંકડો બની જાય છેન તો રાજેશ ખન્ના અને ડિમ્પલનો કિસ્સો નિષ્ફળ રહ્યો.

જોકે એક વાત તો છે દિલીપ કુમારના કિસ્સામાં સમાજને વાંધો નહોતો, કારણ કે અહીં પતિ મોટો હતો. પરંતુ, કલ્પના કરો કે જો સાયરા બાનુ 22 વર્ષ મોટાં હોત તો કદાચ તે સમયે સમાજે આટલી સરળતાથી સ્વીકાર્યું ન હોત. વાત સાચી છે. અલબત, આજના મયમાં આ વિચારસરણીમાં થોડો બદલાવ આવ્યો હોવા છતાં પણ પુરુષપ્રધાન માનસિકતા ગઈ નથી.
તારો બન્ની.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button