પુરુષ

પુરુષોનો ઈગો એની ઊંચાઈથી પણ ઊંચો હોય છે…

-કૌશિક મહેતા
ડિયર હની,
આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર …’ આપણે બેએ સાથે જોયું. મેં જોયું કે ફિલ્મમાં તું હસી પણ ઘણું અને રડી પણ…મારી ય હાલત કૈક એવી જ હતી. આંખો ભીની થતી હતી. એમાં આમિર ખાનનો એક ડાયલોગ મને સ્પર્શી ગયો. એની હાઈટ ઓછી એ કારણે એને એની મા અમુક નામે બોલાવતી. આમિરનો એની પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. એ ઘર છોડી માના ઘેર રહેતો હતો, પણ દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યા બાદ એની દ્રષ્ટિ બદલાઈ. પત્ની સાથે પેચ અપ થવામાં છે ત્યારે એ કહે છે, પુરુષનો ઈગો એની શારીરિક ઊંચાઈ કરતાં સો ગણો ઊંચો હોય છે. અને એ સમસ્યા સર્જે છે…

આ વાત સાથે તું સહમત થવાની જ. કારણ કે, આ વાતનો અનુભવ તને તારા ઘેર અને આપણા ઘેર પણ થયો જ હશે, વત્તા ઓછા અંશે. મારામાં પણ ક્યાંક એ ઈગો હશે અને આપણી વચ્ચે કોઈવાર એ આડે આવ્યો છે અને મોટી લડાઈ તો નહિ, પણ બોલાચાલી તો થઇ જ છે. સારું છે કે, એનાથી વાત આગળ વધી નથી. મેં તારા વ્યક્તિત્વને એટલું જ સન્માન આપવાનો પ્રયત્ન કર્યો છે. તને ય એનો અહેસાસ છે.

તું બીમાર પડી હોય અને હું તારી પાસેથી દૂર ના જાઉં ત્યારે કેટલાક સ્નેહીઓ મારી ધીમા અવાજે મજાક પણ ઉડાવતા. એ વાત જવા દે, પણ જ્યારે પુરુષનો ઈગો વધુ પડતો હોય ત્યારે દામ્પત્ય જીવનમાં તબાહી સર્જાય છે. ખાસ કરીને પતિ-પત્ની બંને નોકરી કે વ્યવસાય કરતા હોય ત્યાં આવી ઘટના વધુ જોવા મળે છે. પત્ની પોતે આર્થિક રીતે આત્મનિર્ભર હોય ત્યારે એ પતિને યોગ્ય જવાબ આપે છે અને અપેક્ષા પણ રાખે છે અને એ વાજબી પણ છે.

મારે એક કિસ્સો કહેવો છે. તું એને લગભગ ઓળખે પણ છે. રમેશ અને મોનાનાં લગ્નને પાંચ વર્ષ થયાં હતાં. રમેશ એક સારી કંપનીમાં સારા પદ પર હતો અને સ્વભાવે થોડો અહંકારી પણ ખરો. એને હંમેશાં એવું લાગતું કે એ જે નિર્ણય લે છે એ બરાબર છે. મોના કોઈ બાબતે પોતાનો અભિપ્રાય આપતી કે કોઈ અલગ સૂચન કરતી ત્યારે રમેશ તેને ગંભીરતાથી લેતો નહીં.

એકવાર બંને ઘરના રિનોવેશન માટે પ્લાન કરી રહ્યાં હતાં. મોનાને રસોડામાં અમુક ફેરફાર જોઈતા હતા, જે વધુ વ્યવહારુ હતા, પરંતુ રમેશને એના ડિઝાઇનર મિત્રએ આપેલો પ્લાન જ પસંદ હતો. મોનાએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ રમેશે કહ્યું કે, ‘તને આ બાબતોની સમજણ ન પડે. જે મેં નક્કી કર્યું છે તે જ બરાબર છે…’

આ પણ વાંચો…ડિયર હની, તારો બન્નીઃ કામવાળીને માન-સન્માન કેમ નહીં?

આ નાની વાતથી શરૂ થયેલી દલીલો ધીમે ધીમે મોટા ઝઘડામાં પરિણમી. મોનાને લાગવા માંડ્યું કે એના અભિપ્રાયની કોઈ કિંમત નથી અને એ સંબંધમાં ગુંગળામણ અનુભવવા લાગી. રમેશનો આ ઇગો બંને વચ્ચે દૂરીનું કારણ બન્યો, કારણ કે મોનાએ એની સાથે કોઈપણ બાબત શેર કરવાનું બંધ કરી દીધું.

આવું ઘણાં ઘરોમાં બને છે. કોઈ મુદે ચર્ચા થતી હોય અને પત્ની અભિપ્રાય આપે પતિ કહેતો હોય છે ‘તું કમાય છે કેટલું કે તારો અભિપ્રાય આપવા બેઠી છો?’ અથવા ‘પૈસા હું કમાઉં છું એટલે મને ખબર છે કે ક્યાં ખર્ચ કરવા.. ‘આવી દલીલો જ ક્યારેક મોટું સ્વરૂપ લઇ લે છે, જે આગળ જતાં ઘણા કિસ્સામાં તો વાત ઘરભંગ થવા સુધી પહોંચે છે.

પુરુષ પ્રધાન સમાજ છે એ વાસ્તવિકતા છે, પણ દીકરીઓ હવે ભણીગણીને આગળ વધવા લાગી છે. ઘણા ક્ષેત્રોમાં નામ કાઢ્યું છે. સ્ત્રીની આ પ્રગતિ ઈગો જેનો મોટો હોય એવા પુરુષને સદતી નથી. સૌથી વિચિત્ર વાત તો એ છે કે, આમાં સાક્ષર કે નિરક્ષર એવું કોઈ અંતર નથી.

ગામડાનો પુરુષ હોય કે શહેરનો મધ્યમ વર્ગનો પુરુષ હોય કે પછી તવંગર. સામાન્ય પુરુષ હોય કે પછી સેલીબ્રિટી… પુરુષ આખરે પુરુષ હોય છે. પેલી જાહેરાતમાં આવે છે ને, ‘મેન વિલ બી મેન…’, પણ સમય બદલાયો છે. પુરુષ અને સ્ત્રી બંને વચ્ચે ભેદભાવ રખાય તો એ નુકસાન બંને પક્ષે છે. સાથે સાથે ચાલવામાં જ બંનેનું જ નહિ બધાનું ભલું છે.

આ પણ વાંચો…ડિયર હની તારો બન્નીઃ માત્ર વહુ જ નથી વગોવતી મોટાં ખોરડાં…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button