પ્રજામત

પ્રજામત

કાયદાથી અંધશ્રદ્ધા ઓછી થાય ખરી?
તાજેતરમાં રાજકોટમાં એક ૧૦ વર્ષની બાળકીને શરદી – ઉધરસના સામાન્ય રોગમાં ડામ આપ્યાના સમાચારે નાગરિક સમાજમાં હડકંપ મચ્યો છે. ગુજરાતમાં કોરોના મટાડવા માટે બનાસકાંઠાના કોઈ ગામે પણ એક ભૂવાએ ૧૦-૧૨ વર્ષના બાળકને ૩ વર્ષ અગાઉ ડામ આપ્યાનો કિસ્સો બન્યો છે.
ગુજરાતના ગામેગામ ભૂવાઓ પથરાયેલ છે. ડામ આપવા ઉપરાંત સ્ત્રી ભગાડી જવાના અને લાખો રૂા.ની છેતરપિંડીના બનાવો પણ ભૂવાઓથી થયાના દાખલાઓ નોંધાયા છે. આથી રેશનાલિસ્ટોનું એક જૂથ આશરે ૧૮ વર્ષથી અંધશ્રદ્ધા નાબૂદી અર્થે સરકારને કાયદો ઘડવા અરજ કરી રહ્યું છે. તેના અનુસંધાને ગુજરાતના રેશનાલિસ્ટો આજથી એક દાયકા અગાઉ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પસાર કરેલ આવા કાયદાનું સમર્થન આપે છે. દેશના કુલ ૬ રાજ્યોમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાનૂનો પસાર કરાયા છે.
અંધશ્રદ્ધા સામાજિક ઉપરાંત માનસશાસ્ત્રીય પ્રશ્ર્ન પણ છે. ગુજરાત સરકાર આટલા બધા હૃદયદ્રાવક અમાનવીય અને અતાર્કિક બનાવો છતાં કેમ મૌન છે તે સમજાતું નથી. આવા કાયદાથી એક બાબત તો સ્પષ્ટ થાય છે કે રાજ્યને અંધશ્રદ્ધાનું સમર્થન નથી. જો આવા કાનૂનનો સારી રીતે અમલ થાય તો પાખંડીઓના મનમાં પણ ડર ઉત્પન્ન થાય. આથી ગુજરાત સરકારે પણ આવો કાનૂન ઘડવો જોઈએ.

  • અશ્ર્વિનકુમાર ન. કારીઆ

૧૬, શ્યામવિહાર, એગોલા રોડ, પાલનપુર.

કોના બાપની દિવાળી?
જગતના કોઈ પણ દેશમાં મોટી કંપનીઓને લોન હિસાબ વિના મળ્યા જ કરે. વ્યાજ કે લોન પાછી આપવાની ચિંતા ન હોય તો શું થાય?
ભારતમાં બધા જ રાજ્યો, દેશહિતનો વિચાર કર્યા વગર, રિઝર્વ બૅન્ક પાસે લોન લીધા જ કરે છે. અંદાજ પત્રમાં બતાવ્યા કરે આટલું કરજ છે. આર્થિક હિત, ફાયદો જાણ્યા વગર વોટના ખાતર બેહિસાબ લોન લે છે. છેલ્લાં પાંચ વર્ષથી ભારતના એક માત્ર સી.એ. ભણેલા ઈમાનદાર નેતા જાહેરાતોમાં બિનઉપજાઉ ખર્ચા કર્યા કરે છે. હમણાં કોર્ટમાં જાણવા મળ્યું કે ૪૫ કરોડનો બંગલો બાંધનાર નેતાએ રાજ્યે જાહેરાતથી વિકાસ થતો હોય તેમ ગયા વર્ષે ૧૧૦૦ કરોડના ખર્ચ કરેલ છે કોના બાપની દિવાળી? ઉત્તર દક્ષિણના રાજયો અન્યો રાજ્યમાં પણ પ્રથમ પાને, આગળ પાછળ આટલા પાનાની જાહેરાત છપાવે છે શું ફાયદો? પંજાબ, રાજસ્થાન, તેલંગણા વગેરે રાજ્યો અન્ય રાજ્યોના સ્થાનિક છાપાઓમાં પુષ્કળ બિનજરૂરી જાહેરાત આપ્યા કરે છે. કેન્દ્ર સરકારે અંકુશ મૂકીને કોઈ રસ્તો કાઢવો જોઈએ. ટી.વી.માં પણ માથુ દુ:ખી જાય તેટલી જાહેરાત મતલબ વગર આવ્યા જ કરે છે.

– મહેશ વેદાંત, વાપી.

ઈસરોના વૈજ્ઞાનિકોને ખોબે ખોબે અભિનંદન
ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-૩ને સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતાર્યું તેની પાછળ ઈસરોના વૈજ્ઞાનિકોને મળેલી તક પ્રેરણા અને તેઓના અગાધ પ્રયત્ન છે જેણે ભારતનું નામ વિશ્ર્વમાં ઝળહળતું કર્યું છે જે માટે તેઓને ખોબે ખોબે અભિનંદન.
આજ સુધી ભારતીય બુદ્ધિમતાની અવિરત હિજરત થાય છે. હોશિયાર વિદ્યાર્થી પોતાની શક્તિનો ઉપયોગ વિદેશમાં જઈને કરે છે. આપણે ભારતીય મૂળના લોકો વિદેશમાં મહત્ત્વના હોદ્દા પર છે તે વાત કરીને ગર્વ અનુભવીએ છીએ. વિદેશમાં વસતા ભારતીયોને પોતાના દેશમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ, પરંતુ દરેક ક્ષેત્રના ભારતીય બુદ્ધિધનને જો ભારતમાં જ પોતાની શક્તિને વિકસાવવાની તકને પ્રોત્સાહન મળે તો વિશ્ર્વમાં આપણે દેશ અગ્રક્રમમાં આવી જાય.

  • પ્રો. બિંદુ મહેતા, ઘાટકોપર (વે).
Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button