પ્રજામત

પ્રજામત

વધતા જતા અકસ્માતો ચિંતાજનક
દેશમાં રોડ નેટવર્કના વિસ્તાર સાથે ગમખ્વાર ગંભીર અકસ્માતો વધી રહ્યા છે. જેના માટે નીચેના ઉપાયો કરો. (૧) વાહનોની હેડલાઈટો પર પીળી-કાળી પટ્ટી ફરજિયાત લગાવો. (૨) ભારતની સડકો પર વિદેશી મોટરોની સ્પીડ પર લગામ લગાવો. (૩) ખખડધજ માર્ગોનું નિયમિત સમારકામ કરાવો. (૪) કોર્ટ દ્વારા કેટલાંક સૂચનોનું સરકાર સમિક્ષા કરે. ટેકનિકલ વિષય પર કોર્ટનાં સૂચનો કદાચ અનુકૂળ ન હોઈ શકે. જેમ કે વાહનોની હેડલાઈટ પર કાળી-પીળી-પટ્ટી થી અકસ્માત અટકાવી શકાય. પરંતુ આ મુદ્દે કોર્ટ મેટર બની છે. દરેક ચોકડી પર હળવા બમ્પર બનાવો. વારંવાર વાહનો સળગી જવાની ઘટનાની તપાસ કરો.

– જગદીશ ડી. ઉપાધ્યાય, વલ્લભ વિદ્યાનગર

અખબાર વગર જીવન અધૂરું અધૂરું
સાચેસાચ જેમ સવારના ઊઠતા પ્રાથમિક ક્રિયા પતાવ્યા પછી ચા-નાસ્તો એમાંય ખાસ ફાફડા ગાંઠિયા, થેપલા કે ખાખરા દરેકે દરેક ગુજરાતી માણે નહીં ત્યાં સુધી ક્યાંયે ચેન પડે નહિ. સાથ સાથ આપણી માતૃભાષાના અખબારના પાના પર નજર ન ફેરવીએ ત્યાં સુધી જાણે શું શું જગતમાં… ખાસ દેશમાં ગઈકાલે બની ગયું તેની અધીરાઈ મનને અકળાવી નાખી પછી શાંત થઈ મનગમતા સમાચારો, લેખ વાંચવાની શરૂઆત કરી. હાશકારો થાય. પણ વાર-તહેવારોમાં બધા જ ભાગ લેતા હોવાથી અમુક તહેવારોમાં અખબારના પ્રેસમાં કારીગરો રજા પાળતા હોવાથી બીજી સવારે અખબારના દર્શન દુર્લભ થઈ જાય ત્યારે દિવસની શરૂઆતમાં જ જાણે તે દિવસે કાંઈક ખૂટી રહ્યું હોય. મન ઉદાસીન થઈ જાય છે. જીવનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો હોય તેમ દિલ લાચાર થાય છે. ખરેખર, આપણી માતૃભાષાનું અખબાર જાણે હૈયાનો પ્રાણ છે. અખબારે પણ જે સમાચારો વાચકો સુધી વિવિધતા ભર્યા પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું, કરતા રહ્યા છે. ધન્ય છે. અખબારોના માલિકો, એડિટરો, લેખકો-કવિઓ, પત્રકારો તથા વિશેષતો સ્ટાફ, પ્રિન્ટિંગ પ્રેસના કારીગરોની ચોકસાઈ, સરસ મજાનું છાપકામ વિ. દાદ માગી લઈ જેટલા ધન્યવાદ બક્ષો તે ઓછા જ પડે. વાહ માતૃભાષાનાં અખબારો પણ કહેવું પડે છે.
“અખબાર વગર જીવન અધૂરું અધૂરું લાગે.

– હર્ષદ દડિયા, ઘાટકોપર

પુસ્તકોના બાઈન્ડિંગની જેમ સંબંધોમાં બોન્ડિંગ જરૂરી
જુદા જુદા પાનાને ભાગ કરી બાઈન્ડિંગ કરી એક પુસ્તક તૈયાર થાય છે ને તેને એક નામ મળે છે. અમુક પાનાનું એક પ્રકરણ બને છે તેની પણ એક ઓળખ હોય છે. પરંતુ તે ઓળખાય છે પુસ્તકના નામથી. આવી રીતે દરેક વ્યક્તિની ઓળખ હોય છે અને તે જે પરિવાર, સમાજ, સમુદાય, રાજ્ય ને રાષ્ટ્ર સાથે તો જોડાયેલી હોય તે પ્રમાણે તેની ઓળખ બને છે. મનુષ્ય જે પરિવારમાં જન્મે છે તે પરિવાર વ્યક્તિના જીવનમાં અતિ જ મહત્ત્વનો હોય છે. તેમાં માતા-પિતા, ભાઈ-બહેન, સંતાનો વચ્ચે એક સંબંધ જન્મતાની સાથે આકાર લે છે. તેમાં એક વ્યક્તિનું બીજી વ્યક્તિ સાથે ચોક્કસ સંબંધથી જોડાણ હોય છે.
સંબંધોના બોન્ડિંગમાં પોતાપણું હોય છે જે જુદી જુદી વ્યક્તિને એક સૂત્રે બાંધે છે. નાનપણમાં બોન્ડિંગ બહુ જ મહત્ત્વનું હોય છે. જો તેની પૂરેપૂરી કાળજી લેવાય, જતન કરાય, તો તે જીવંત પર્યંતનું બની રહે છે. એક વાંચેલો પ્રસંગ ટાંકુ છું. એક સાધુ પર્વત પર ચડી રહ્યા હતા. તેને ખભે જોળી, હાથમાં ભિક્ષાપાત્ર પણ તેમને આનું વજન પણ બહુ લાગતું હતું. સાધુ થાકીને ત્યાં જ બેસી ગયા, ત્યાં તેમણે જોયું એક બાર-તેર વર્ષની છોકરી પોતાના નાના ભાઈને કાંખમાં તેડી સડસડાટ પગથિયાં ચડી રહી હતી. તેના ચહેરા પર થાકનું નામ નિશાન નહોતું. સાધુએ છોકરીને પૂછ્યું કે તું આ બાળકને તેડીને જાય છે તને તેનો ભાર નથી લાગતો. છોકરીએ જવાબ આપ્યો આ મારો નાનો ભાઈ છે. ભાઈનો થોડો ભાર લાગે. જ્યાં પ્રેમ હોય ત્યાં ભાર નથી હોતો ભાર વસ્તુનો હોય સંબંધોનો નહિ. સંબંધનો ભાર લાગવા માંડે ત્યારે સમજી જવું સંબંધ વસ્તુ બની રહ્યા છે. ભાવનામાંથી ભાવ જતો રહેતો પછી માત્ર ‘ના’ નકારાત્મકતા જ બચે છે. સ્ત્રી પુરુષના અનેક સંબંધોમાં ભાઈ બહેનનો સંબંધ તદ્ન અનોખો હોય છે. જેમાં લેવા કરતા દેવાની નિ:સ્વાર્થ ભાવના જોડાયેલી હોય છે. જેમાં બહુ જ સહજતાથી જતુ કરાય છે અને પરસ્પરની રક્ષાની જવાબદારી હોય છે. પરિવારના સંબંધોમાં પોતાપણાના તાંતણાથી પરિવારને બાંધવાનો હોય છે જેમ પુસ્તક જૂનું થાય ત્યારે તેના પાનાં જર્જરિત થાય છે અને તે ક્યારેક છૂટા પડતા જાય છે ત્યારે આપણે તે પુસ્તક ફરી બાઈન્ડિંગ કરીએ છીએ અને પછી તે પુસ્તક લાંબા સમય સુધી રહે છે. પરિવારના સંબંધોમાં જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તે યુવાની જેવું કામ નથી કરી શકતા ત્યારે તે જે છે, જેમ છે તેમ પોતાપણાની લાગણી સાથે પ્રેમ ફરજ જવાબદારી સાથે સહજતાથી સ્વીકારવા રહ્યા.

  • પ્રો. બિંદુ મહેતા, ઘાટકોપર (વે.).
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button