આવતીકાલે છે અજા એકાદશી, આ વાતોનું રાખશો ધ્યાન તો મા લક્ષ્મીની કૃપા વરસશે…
આ વખતે અજા એકાદશી આવતી કાલે એટલે કે 10મી સપ્ટેમ્બરના દિવસે આવી રહી છે. આપણી હિંદુ માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે અને દર મહિનામાં બે વખત ઉપાસકો એકાદશીનું વ્રત કરે છે. આ પાછળની માન્યતા એવી છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી માતા લક્ષ્મીના વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં હંમેશા જ ધનના ભંડાર ભરેલા રહે છે.
પાછા ફરીએ અને અજા એકાદશીની વાત કરીએ તો આ વખતની અજા એકાદશી ખુબ જ ખાસ છે, કારણ કે આ દિવસે કેટલાક મહત્વના યોગ બની રહ્યાં છે જેમાં રવિ પુષ્ય યોગ અને સર્વાર્ધ સિદ્ધિ યોગનો સમાવેશ થઈ રહ્યો છે.
મુંબઈના એક જ્યોતિષીના જણાવ્યા અનુસાર અજા એકાદશીના દિવસે કેટલીક ભૂલો તો ભૂલથી પણ ન કરવી જોઇએ. આજે આપણે અહીં એના વિશે વાત કરીશું. આ વિશે વિસ્તારથી વાત કરીએ તો અજા એકાદશીએ ભૂલથી પણ ભાત ન ખાવા જોઇએ. આ દિવસે ભાત ખાવાને કારણે ભગવાન વિષ્ણુ નારાજ થઇ જાય છે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થતી નથી એવી માન્યતા હિન્દુ ધર્મમાં પ્રવર્તી રહી છે.
અજા એકાદશીના દિવસે લસણ, કાંદા સહિતના ઉપરાંત તામસિક ભોજનનું સેવન પણ ન કરવું જોઈએ. એવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી. એક બીજી પ્રચલિત માન્યતા પ્રમાણે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાનું પણ અશુભ માનવામાં આવે છે.
આ માન્યતા પાછળ એવી લોકવાયકા છે કે તુલસી એ ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે અને અજા એકાદશીના દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ. આ સાથે સાથે જ આ દિવસે વાળ, નખ અને દાઢી ન કરાવવી જોઇએ. સાથે જ અજા એકાદશીના દિવસે વાદ-વિવાદથી દૂર રહેવું જોઇએ. એકાદશીના દિવસે કોઇનું ભૂલીને પણ અપમાન નહીં કરવું જોઈએ, કારણ કે એવું કરવાને ભગવાન વિષ્ણુની કૃપા અટકી જાય છે.