Sun Nov 08 2026

Logo

ઝઘડા બાદ મિત્ર પર ઍસિડ ફેંક્યું: બાળકી સહિત ચાર જણ દાઝ્યાં

2026-11-08 17:48:06
Author: Yogesh C. Patel
ઝઘડા બાદ મિત્ર પર ઍસિડ ફેંક્યું: બાળકી સહિત ચાર જણ દાઝ્યાં

Chat GPT Generated Image


પુણે: પુણેમાં બનેલી આંચકાજનક ઘટનામાં મિત્ર સાથે થયેલા ઝઘડા બાદ આરોપીએ તેના પર ઍસિડ ફેંક્યું હતું. આ ઘટનામાં પિતા સાથે બાઈક પરથી પસાર થનારી છ વર્ષની બાળકી સહિત ચાર જણ દાઝ્યાં હતાં.

લક્ષ્મી નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર યુવરાજ નાન્દ્રેએ જણાવ્યું હતું કે ઘટના છઠ્ઠી નવેમ્બરની સાંજે ચાર વાગ્યાની આસપાસ પુણેના રામનગર મસ્જિદ નજીક બની હતી. પ્લમ્બરનું કામ કરનારા નીતિન સુંદર જાધવ (52)ને મિત્ર આશિષ ઈન્દ્રપાલ ડિંગ્યા (40) સાથે નાની નાની વાતે વારંવાર વિવાદ થતો હતો. ઘટનાની સાંજે પણ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી પછી જાધવ નજીકની હાર્ડવેરની દુકાનમાંથી ઍસિડ ખરીદી લાવ્યો હતો અને ડિંગ્યાના ચહેરા પર ફેંક્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર ડિંગ્યાની 65 વર્ષની માતાએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરતાં આરોપીએ તેના પર પણ ઍસિડ ફેંક્યું હતું. આ હુમલામાં વૃદ્ધાના બન્ને હાથ ગંભીર રીતે દાઝ્યા હતા. એ સમયે ઘટનાસ્થળેથી વિશાલ શંકર જાધવ (32) છ વર્ષની દીકરી સાથે બાઈક પરથી પસાર થતો હતો. ઍસિડ ઊડવાને કારણે પિતા-પુત્રી પણ જખમી થયાં હતાં.

જમણા હાથ અને પગમાં દાઝવાને કારણે વિશાલને સારવાર માટે સસૂન જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટનામાં વિશાલની પુત્રીના ડાબા પગમાં, જ્યારે ડિંગ્યાના ચહેરા, આંખ અને બન્ને હાથ પર ઇજા થઈ હતી. આ પ્રકરણે લક્ષ્મી નગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં તે અદાલતી કસ્ટડીમાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)