Wed Apr 29 2026

Logo

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર છે ખરો?

4 weeks ago
Author: Deval Shashtri
Article Image

 

ઔર યે મૌસમ હંસીં... - દેવલ શાસ્ત્રી

તાજેતરમાં ‘વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2026’ પ્રસિદ્ધ થયો છે. કમનસીબે 147 દેશોમાં ભારતનો ક્રમ 116 છે. સારી વાત એ છે કે આ ક્રમાંક ગયા વર્ષ કરતાં થોડો સુધર્યો છે, પરંતુ વૈશ્વિક સ્તરે હજુ પણ ઘણો પાછળ છે. ભારતમાં આર્થિક વિકાસ થયો છે, પરંતુ અસમાનતા, આરોગ્ય સુવિધાઓ, પર્યાવરણ અને સુશાસનના મુદ્દાઓ વ્યક્તિની ખુશીને અસર કરે છે એવું ઈન્ડેક્સમાં કહે છે. આપણી પાસે સામાજિક જોડાણ અને કુટુંબ વ્યવસ્થા ચોક્કસ મજબૂત પાસું છે, આમ છતાં, ઘણા સુધારાઓની જરૂર છે.

હેપ્પીનેસ રિપોર્ટ વિશ્વના દેશોની ખુશીને માપવા માટે મુખ્યત્વે છ મહત્ત્વના ઘટક પર આધાર રાખે છે. એમાં આર્થિક સમૃદ્ધિ મહત્ત્વનું ઘટક છે. આ ઘટક થકી સરેરાશ આવક અને જીવનસ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અન્ય ઘટકોમાં સામાજિક સમર્થન, સ્વસ્થ જીવન, જીવનના નિર્ણયો લેવાની સ્વતંત્રતા, અન્યોને મદદ કરવા માટેની ઉદારતા તેમજ સિસ્ટમ અને વ્યવસાયમાં ભ્રષ્ટાચાર વિશે લોકોની અનુભૂતિનો સમાવેશ થાય છે.

ભારતમાં આર્થિક વિકાસ અને સામાજિક સમર્થનમાં કેટલોક સુધારો જોવા મળે છે, પરંતુ જીવનના નિર્ણયો લેવાની સ્વતંત્રતા, ભ્રષ્ટાચાર અને કેટલીક વખત ઉદારતા જેવાં પરિબળ હજુ નબળાં છે. કુટુંબ, જાતિ, સમાજ અને લોકો શું કહેશેના દબાણને કારણે યુવાનો પોતાના સપના અનુસાર અભ્યાસ, કરિયર કે લગ્ન માટે જીવનસાથી પણ પસંદ કરી શકતા નથી. સરવાળે વ્યક્તિમાં માનસિક તણાવ અને અસંતોષ વધે છે, જે ખુશીને ઘટાડે છે. જ્યારે વ્યક્તિને લાગે છે કે તેનું જીવન તે પોતે નિયંત્રિત કરી શકે છે, સ્વતંત્ર નિર્ણય લઇ શકે છે ત્યારે ખુશીઓ સ્વાભાવિક રીતે વધવા લાગે છે.

એક યુવતી પોતાના પરિવારના મેડિકલ વ્યવસાયમાં જોડાવાને બદલે આર્ટ્સ ક્ષેત્રમાં આગળ વધવા માગતી હતી. કુટુંબે વિરોધ કર્યો, પણ તેણે હિંમતથી પોતાનો નિર્ણય લીધો. આજે તેની સફળ કારકિર્દી છે અને એનું માનવું છે, પહેલી વાર મને લાગ્યું કે હું મારા જીવનની માલિક છું. આ વાત પહેલી નજરે સામાન્ય લાગે પણ લગ્ન, અભ્યાસ, સંતાન, ભોજન સહીત અસંખ્ય બાબત માટે સરેરાશ ભારતીય સ્વતંત્ર નિર્ણય લઇ શકતો નથી.

કથોપનિષદમાં નચિકેતાની કથા છે. નચિકેતાના પિતાને એક યજ્ઞમાં ભેટ આપવાને લઈને વાંધો પડ્યો. પિતાએ નાના બાળક એવા નચિકેતાને ગુસ્સામાં યમરાજને આપી દીધો. નચિકેતાએ ડર્યા વગર યમલોક જવાનો નિર્ણય લીધો. ત્યાં તેણે મૃત્યુ પછી આત્માનું જ્ઞાન માગ્યું. યમરાજે ત્રણ વરદાન આપ્યા, પણ નચિકેતાએ પોતાની મરજીથી જ્ઞાનનો માર્ગ પસંદ કર્યો. તેણે કહ્યું, ‘હું મારા પિતાને પાછો મળું અને અમર જ્ઞાન મેળવું.’ નચિકેતાએ પિતાની વાતથી ડરી જઈને યમરાજને મળવા જવાનું ટાળ્યું હોત તો માનવજાતને કથોપનિષદ જેવું અદ્ભુત જ્ઞાન મળ્યું ન હોત. સ્વતંત્ર નિર્ણય લેવાથી જ માણસ સાચી ખુશી અને જ્ઞાન પ્રાપ્ત કરે છે, જીવન જીવ્યાનો સંતોષ મળે છે.

નચિકેતાની આ કથા આજના ભારતીય યુવાનોને પ્રેરણા આપે છે. કથા એક જ વાત કહે છે કે કુટુંબ કે સમાજના દબાણ વચ્ચે પણ પોતાના સપનાનો નિર્ણય લઈ શકાય છે. જ્યારે આપણે આવી સ્વતંત્રતા ભોગવી શકીશું ત્યારે હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પણ ભારત આગળના ક્રમે વધી શકશે. ભારતીય સમાજ જ્ઞાતિઓના નાના નાના વાડાઓમાં વહેંચાતો જાય છે અને યુવાનો લગ્ન સંબંધિત નિર્ણય પણ લઇ શકતા નથી. આજકાલ તો કાયદા પણ પસંદગીના લગ્ન વિરુદ્ધ બનવા લાગ્યા છે.

જ્યારે વ્યક્તિ પોતાના જીવનના મોટા નિર્ણયો જેમ કે અભ્યાસ, કરિયર, લગ્ન વગેરે સ્વતંત્ર રીતે ન લઈ શકે ત્યારે નિરાશા થાય છે આનાથી આત્મવિશ્વાસ ઘટે છે, તણાવ વધે છે અને ઘણી વાર ડિપ્રેશન કે એંગ્ઝાયટી થાય છે. વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી હોય તો સમાજની પ્રગતિ ધીમી પડે છે. લોકો નવી વસ્તુઓ અજમાવતા કે શીખવા તૈયાર થતા નથી, કારણ કે સમાજ શું કહેશેનો ડર સતાવતો હોય છે.

મનોવિજ્ઞાનીઓ કહે છે કે દુનિયામાં બે પ્રકારની સંસ્કૃતિ છે, એક જ્યાં વ્યક્તિ પોતાને સૌથી મહત્ત્વનું આપે છે અને બીજી જ્યાં કુટુંબ અને સમાજને સૌથી મહત્ત્વનું માને. ભારતમાં બીજો વર્ગ વધુ છે. અહીં લોકો વિચારે છે, મારા નિર્ણયથી મારા કુટુંબની ઇજ્જતનું શું થશે?
ભારતમાં જાતિ વ્યવસ્થા અને મહિલાઓ પરના પરંપરાગત નિયમોને કારણે ઘણા લોકોને લાગે છે કે મારા હાથમાં કંઈ નથી. આ વાત મનને અંદરથી નબળી કરે છે. આથી જ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં આપણે પાછળ રહીએ છીએ અને વિશ્વ આપણને હજુ પરંપરાગત સમાજ તરીકે જુએ છે.

સમાજે હવે ચેતવાનો સમય આવી ગયો છે. જો આપણે આજે પણ લોકો શું કહેશે અને પરંપરાના નામે યુવાનોની સ્વતંત્રતા છીનવીશું તો આવતી પેઢી વધુ તણાવમાં જીવશે અને આત્મહત્યાની રાજધાની બની જઈશું. એઆઈના યુગમાં સમજવાની જરૂર છે કે વ્યક્તિગત આઝાદી વગર સાચી ખુશી અને વિકાસ શક્ય નથી. આપણા વિદેશ જતા બાળકો પાસે અહીં સારી તકો હોવા છતાં પાછા આવવાનું ટાળે છે. એનું સૌથી મોટું કારણ સ્વતંત્રતા છે.

ભારતીય સિનેમાએ જીવનના નિર્ણયો લેવાની સ્વતંત્રતાના વિષયને વારંવાર ઉઠાવીને યુવાનો અને સમાજને પ્રેરણા આપી છે. ‘થ્રી ઈડિયટ્સ’માં આમિર ખાનનું પાત્ર કરિયરના દબાણ વિરુદ્ધ બળવો કરીને પોતાના સપનાને અનુસરવાની વાત કહી હતી, જેનો સમાજમાં ખૂબ પ્રભાવ પડ્યો હતો. ‘કવીન’માં કંગના રનૌત લગ્ન તૂટ્યા પછી હનીમૂનની ટિકિટ પર એકલી વિદેશ જાય છે. આઝાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર આ ફિલ્મે મહિલાઓને પોતાના નિર્ણયો લેવાની હિંમત આપી હતી. ‘પિંક’ની તાપસી પન્નુ અને તેની મિત્રો પોતાની પસંદગીઓ માટે ‘ના એટલે ના’ની વાતને મજબૂતાઈ સાથે મૂકી હતી. ઈસ્મત ચુગતાઈથી આધુનિક સાહિત્યમાં વ્યક્તિગત સ્વતંત્રતાની અઢળક વાતો લખવામાં આવી છે. પણ આપણે ફક્ત વાંચતા અને ફિલ્મો જોતા જ જાગીએ છીએ.

એકવાર મન થાય તો શ્રીદેવીની ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ જોઈ લેવી, પોતાની ઓળખ અને આત્મસન્માનની કિંમત સમજાશે. આ ફિલ્મો માત્ર મનોરંજન નથી, પરંતુ ભારતીય સમાજ માટે અરીસો છે. યુવાનોને પ્રેરણા આપે છે કે લોકો શું કહેશેના ડર વગર પોતાના સપના અને પસંદગીઓને અનુસરવી જોઈએ.

ભારતમાં સુધારાનો ફક્ત એક જ રસ્તો છે, શિક્ષણ. શિક્ષકોને તાલીમ આપવી જોઈએ કે તે લોકો બાળકોને માત્ર પાઠ્યપુસ્તક નહીં, પરંતુ પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી આપે. જો આજથી આપણે સુધારા તરફ આગળ વધીએ તો આગામી દાયકામાં હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પ્રથમ પચાસમાં સમાવેશ થઇ શકે.

ધ એન્ડ : 

કેટલો જોખમી નિર્ણય લઇ શકો છો એ તમે કેટલા સ્વત્રંત થઇ શકો છો એ સાહસ પર આધાર રાખે છે. (પ્રો.  સલામ અલ શેરીદા)