Wed Apr 22 2026

Logo

પશ્ચિમ બંગાળ ચૂંટણી: સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો કોણ કરી શકશે મતદાન

6 days ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં સુધારણા પ્રક્રિયા SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો અને મહત્ત્વનો આદેશ કર્યો છે. કોર્ટે બંધારણની કલમ 142નો ઉલ્લેખ કરી એ વાત નિશ્ચિત કરી છે કે ચૂંટણી પહેલા એપેલેટ ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી લેનાર મતદારો સરળતાથી મતદાન કરી શકશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે. મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે. એમ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત બની રહ્યા છે. 

મતદાતાને મળશે મતાધિકાર

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, જે નાગરિકોના નામ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા ચૂંટણીના બે દિવસ પહેલા સુધી મંજૂર કરેલા છે અને યાદીમાં છે તેઓ પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીમાં વિધાનસભા માટે મતદાન કરી શકશે. કોર્ટે ચૂંટણીપંચને આદેશ કર્યો હતો કે, તા.21 એપ્રિલ અથવા 27 એપ્રિલ 2026 સુધી અપીલ આદેશને લાગુ કરી એક નવી અને સંશોધિત મતદાતાની યાદી જાહેર કરવામાં આવે, જેથી નાગરિકોને કોઈ રીતે મતદાનથી વંચિન ન રહેવું પડે.

સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી કે, જે લોકોની અપીલ હજુ પેન્ડિગ છે તેમણે માત્ર આના આધાર પર મતાધિકાર ન આપી શકાય, અપીલની પ્રક્રિયા પૂરી થવી ખૂબ જરૂરી છે. ન્યાયિક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી આ પ્રક્રિયા તપાસ બાદ પણ પડકારજનક રહી છે. 

પ્રક્રિયા ફરી નહીં થાય

ઓછા સમયમાં આ પ્રક્રિયાઓ પૂરી કરવી ખરા અર્થમાં કપરૂ કામ છે. કોર્ટે એવી ચેતવણી પણ આપી કે, કેટલીક મુશ્કેલીઓને કારણે વાંધાજનક અરજી માટે આ પ્રક્રિયાને ફરીવાર નહીં કરવામાં આવે. જે યાદી બહાર આવશે એ જ ફાઇનલ ગણાશે. જેથી કરીને ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ પ્રકારની ખલેલ ન પહોંચે. 

સુપ્રીમ કોર્ટના આ આદેશને ધ્યાને લઈને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, દરેક લોકોએ પોતાના અધિકારોની પુનઃ પ્રાપ્તિ માટે ટ્રિબ્યુનલમાં અરજી આપી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પહેલા તબક્કાની પુરક યાદી 21 એપ્રિલના રોજ જાહેર કરી દેવામાં આવશે. 

કોર્ટના આદેશ પર ભરોસો

બીજી યાદી 27 એપ્રિલના રોજ જાહેર થશે, આના આધાર પર 29 એપ્રિલના રોજ મતદાન કરી શકાશે. ન્યાયપાલિકા પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, હું આ નિર્ણયથી સંતુષ્ટ છું. કોર્ટના આદેશ પર ભરોસો છે. કોર્ટના નિર્ણયથી ખૂબ જ ખુશ છું. પશ્ચિમ બંગાળમાં મતદારોને રિઝવવા માટે અનેક પ્રકારના વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે.