કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ચૂંટણી પંચે પારદર્શક મત ગણતરી માટે તેની તમામ તાકાત લગાવી દીધી છે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલ અને ખાસ ચૂંટણી નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જણાવ્યું છે કે મત ગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા માટે સ્થાન નથી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 4 મે અને સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.
મત ગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે
પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, મત ગણતરી મુક્ત અને ન્યાયી રીતે હાથ ધરવામાં આવશે. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. સોમવારે યોજાનારી મત ગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પંચે દરેક કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી છે.
મત ચોરી થવાની કોઈ શક્યતા નહિ
જ્યારે ખાસ ચૂંટણી નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે સંપૂર્ણપણે તૈયાર છીએ તેમજ મત ચોરી થવાની કોઈ શક્યતા નથી. મત ગણતરીમાં કોઈ અનિયમિતતા થશે નહીં. મતદાન ગણતરી પ્રક્રિયા માટે વહીવટીતંત્રે કર્મચારીઓની પસંદગી અને સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપ્યું છે.
મત ગણતરી કેન્દ્રો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત
આ ઉપરાંત મત ગણતરી પ્રક્રિયામાં સામેલ દરેક વ્યક્તિને તાલીમ આપવામાં આવી છે. આ ટીમમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કેટલાક કર્મચારીઓનો સમાવેશ થશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અનિયમિતતા ચલાવવામા નહિ આવે, ચૂંટણી પંચે આ વખતે બંગાળમાં ગણતરી કેન્દ્રો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કર્યા છે.