નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોમાં ભયાનક ગરમી અને હીટવેવની ચેતવણી આપી છે. 18 એપ્રિલથી હરિયાણા પરથી શરૂ થયેલી હીટવેવ ધીમે ધીમે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને દિલ્હી તરફ ફેલાઈ ગઈ છે. આગામી બે અઠવાડિયા સુધી મેદાની વિસ્તારોમાં ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. આ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
કયા રાજ્યોમાં હીટવેવ ચેતવણી આપવામાં આવી
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને નજીકના છત્તીસગઢમાં હીટવેવનો ખતરો છે. છત્તીસગઢ અને બિહાર માટે પણ ચેતવણી જારી થઈ છે, જ્યારે કેરળમાં પણ પ્રથમ અઠવાડિયામાં આવું જોખમ છે. આગામી અઠવાડિયામાં રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડમાં હીટવેવ ચાલુ રહેશે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં રાત્રે ગરમીમાં વધારે થશે તેવી ચેતવણી છે, જ્યાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.
ઉત્તર-પૂર્વમાં વરસાદની સંભાવના
ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદથી ગરમીમાંથી રાહત મળી શકે છે. 25થી 29 એપ્રિલ સુધી અસમ અને મેઘાલયમાં 50થી 60 કિમી/કલાકની પવન સાથે ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આ જોખમ છે. ઝારખંડમાં 26થી 27 એપ્રિલ વરસાદ થઈ શકે છે. 30 એપ્રિલથી 6 મે સુધી પશ્ચિમી હિમાલય, જમ્મુ-કશ્મીર, પહાડી રાજ્યોમાં હળવો વરસાદ અને પૂર્વ-ઉત્તર-પૂર્વ ભારત, કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં પણ તાપમાન વધી રહ્યું છે, જેમ કે અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, કચ્છ જેવા વિસ્તારોમાં રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે. આગામી દિવસોમાં ગરમ અને શુષ્ક હવામાન રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં અનિયમિત વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
ગત અઠવાડિયાની વાત કરવામાં આવે તો, હરિયાણા અને ઓડિશામાં વધારે ગરમી નોંધાઈ હતી. આ સાથે અસમ-મેઘાલયમાં 21 એપ્રિલે ભારે વરસાદ પણ થયો હતો. નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ, ઓડિશામાં ભારે વરસાદ અને મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા, પશ્ચિમ બંગાળ, મેઘાલય પણ કરા સાથે વરસાદ થયો હતો.