ભરૂચઃ તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ભરૂચમાં વળતરના મુદ્દે ચૈતર વસાવા અને એક યુવક વચ્ચે જાહેરમાં લાફાવાળી થતા ચકચાર મચી ગઈ છે. બે-ત્રણ દિવસ પહેલા એક કંપનીમાં લાગેલી આગમાં રાકેશ વસાવા નામના વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કંપની અને પીડિત પરિવાર વચ્ચે વળતરની રકમને લઈને શાંતિપૂર્ણ માહોલમાં વાતચીત ચાલી રહી હતી, ત્યારે અચાનક ધારાસભ્યની એન્ટ્રી થતા મામલો ગરમાયો હતો.
મૃતકના ભાઈ રોશન વસાવાના જણાવ્યા અનુસાર, પરિવાર દ્વારા ધારાસભ્યને બોલાવવામાં આવ્યા નહોતા, તેમ છતાં ચૈતર વસાવા ત્યાં પહોંચી ગયા હતા અને માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. વળતરની ચર્ચા દરમિયાન કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે આવેશમાં આવીને ચૈતર વસાવાએ પીડિત પરિવારના જ એક યુવકને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો.
ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આ વ્યવહારના વળતા પ્રહારમાં પીડિત યુવકે પણ કાયદાનો કે પદનો ડર રાખ્યા વગર ચૈતર વસાવાને સણસણતો લાફો ચોડી દીધો હતો. જાહેરમાં નેતા અને જનતા વચ્ચે થયેલી આ 'લાફાવાળી'ની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોમાં ચર્ચા છે કે નેતાગીરી કરવા ગયેલા ધારાસભ્યને લેવાના દેવા પડી ગયા અને તેમને લાફાના બદલે લાફો સહન કરવાનો વારો આવ્યો છે.
આ બનાવ અંગે મૃતક રાકેશ વસાવાના ભાઇએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આગની ઘટનામાં મારા ભાઇ રાકેશ વસાવાનું મોત થયું હતું અને આ બાબતે કંપનીના ડાયરેક્ટ, પીએસઆઇ અને અમારી વચ્ચે વાતચીત થઈ હતી તેમજ કંપની બધી રીતે તૈયાર હતી. પરંતુ આ ચૈતર વસાવા આવીને લોકોને ઉશ્કેરે છે. તે સમાજ માટે નહીં પણ માત્ર પૈસા માટે આવ્યો છે. જો આવનારા સમયમાં બહાર હુલ્લડ થશે તો તેના માટે ચૈતર વસાવા જવાબદાર રહેશે. તેમણે ચૈતર વસાવાને હીરો બનવાની જરૂર નથી, બધા જાગૃત જ છે તેમ ભલામણ કરી હતી.