અમદાવાદઃ વલસાડમાં ફરી લવ જેહાદનો ગંભીર કેસ પ્રકાશમાં આવ્યો છે. આ સાથે પીડિત પરિવારે પોલીસે ગુનો નોંધી ન્યાય આપવામાં કથિત ઢીલાશ વર્તી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ઘટનાની મળતી વિગતો અનુસાર અહીંની એક આદિવાસી યુવતીને સોશિયલ મીડિયા પર એક જીયા નાયકા નામની આઈડી પરથી ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ આવી હતી અને તે રીતે મિત્રતા અને પછીથી પ્રેમસંબંધની શરૂઆત થઈ હતી.
યુવક યુવતીને મળ્યો ત્યારે તેણે પરિવારને પણ મળાવ્યા હતા અને પોતે ધોળીયા પટેલ જાતિનો અંકિત હોવાનો દાવો કર્યો હતો. અંકિતના પરિવારના બે પુરુષ સભ્યો યુવતીના ઘરે લગ્નની ચર્ચા કરવા પણ આવ્યા હતા અને આ રીતે લગ્ન થયા હતા.
જોકે લગ્ન બાદ યુવતીને ખબર પડી હતી કે આ પરિવાર મુસ્લિમ છે. તેણે કરેલા આક્ષેપો અનુસાર પરિવારે તેનો મોબાઈલ છીનવી લીધો હતો અને ઘરે ગોંધી રાખી હતી. યુવતીએ ગમે તેમ કરી પરિવારનો સંપર્ક સાધ્યો હતો. પરિવારે સમુદાય અને અમુક કાર્યકર્તાઓની મદદ લીધી હતી.
સમુદાયના અગ્રણીઓના જણાવ્યા અનુસાર તેમને પોલીસ સ્ટેશનમાં લાંબો સમય બેસાડી રાખ્યા હતા અને તેમની અરજી બાદ એક મહિના સુધી કઈ પગલાં લેવાયા ન હતા. જો લવ જેહાદના કાયદા અનુસાર સખત પગલા લેવાય તો આવા કેસ ન બને તેમ પણ ફરિયાદીના પરિવારે જણાવ્યું હતું. કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે પરિવાર ડ્રગ્સ અને દારૂના ધંધા સાથે જોડાયેલો છે અને અગાઉ પણ આ રીતે બે છોકરીને છેતરી ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર હવે પોલીસતંત્ર પણ આ કેસમાં પગલાં લેવાનું દબાણ આવ્યું છે.