Sun May 03 2026

Logo

વાકોલાથી બીકેસી વચ્ચેેનું અંતર માત્ર ૧૦ મિનિટમાં પાર કરી શકાશે

2 hours ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પ્રોજેક્ટનો એક ભાગ રહેલા ૧.૪ કિલોમીટર લંબાઈનો અને ફોર લેનનો વાકોલા-બીકેસી એલિવેટેડ રોડ પ્રોજેક્ટ અંતર્ગત આવતા  કામના એક મહત્ત્વપૂર્ણ તબક્કાનું  કામ તાજેતરમાં પૂરું કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત વાકોલા નાળા પરના પુલના પહેલા અને બીજા સ્તર પર ૫૪ મીટર લંબાઈનો ડબલ કૉમ્પોઝિટ ગર્ડર સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યો હતો. આ ગર્ડર ઊભો કરવાની સાથે જ એલિવેટેડ રોડનું સ્ટ્રકચરલ કામ પૂર્ણ થયું હોઈ  પ્રોજેક્ટનું કામ અંતિમ તબક્કામાં છે અને હવે મે અંતમાં આ એલિવેટેડ રોડ વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકવાનું આયોજન મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)નું છે. આ રોડ સેવામાં દાખલ થવાની સાથે જ ભારત ડાયમંડ બુર્સ (બીકેસી)થી વાકોલાનું અંતર માત્ર ૧૦ મિનિટમાં પાર કરી શકાશે.

સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પ્રોજેક્ટનું કામ ત્રણ એલિવેટેડ રોડના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે, તેમાંથી બે એલિવેટેડ રોડનું કામ પૂર્ણ થયું હોઈ તે બંને સેવામાં દાખલ થઈ ગયા છે. છેલ્લો અને ત્રીજો વાકોલા-બીકેસી એલિવેટેડ રોડ શરૂ થવાનો બાકી છે. આ રોડનું કામ માર્ચમાં પૂરું થઈને સેવામાં દાખલ થવાનો હતો પણ કામ પૂર્ણ થયું ન હોવાથી માર્ચનું મુહૂર્ત ચૂકી ગયા બાદ એમએમઆરડીએ એપ્રિલની તારીખ આપી હતી પણ હવે મે આવી ગયો છે, છતાં હજી તેનું કામ ચાલી રહ્યું છે.આ એલિવેટેડ રોડના છેલ્લા ૫૪ મીટરના અને ૩૫૮ મેટ્રિક ટન વજનના ડબલ કૉમ્પોઝિટ ગર્ડરને તાજેતરમાં બેસાડવામાં આવ્યો હતો. વાકોલા નાળા પરના પહેલા અને બીજા સ્તરને જોડનારો આ ગર્ડર છે.  ગર્ડર ઊભો થઈ જવાની સાથે જ હવે એલિવેટેડ રોડનું બાંધકામ પૂર્ણ થયું છે અને હવે બાકીનું કામ જલદી પૂરું કરી નાખવામાં આવવાનું છે. એલિવેટેડ રોડનું કામ તેના અંતિમ તબક્કામાં હોઈ મે મહિનાના અંત સુધીમાં તે વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે એવું એમએમઆરડીએ જણાવ્યું હતું.


વાકોલા -બીકેસી માત્ર ૧૦ મિનિટમાં
વાકોલા-બીકેસી એલિવેટેડ રોડ શરૂ થવાની સાથે જ બીકેસીથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી બીકેસીનો પ્રવાસ  સરળ થઈ જશે. આ રોડ કુલ ૧.૪ કિલોમીટર લાંબો અને ફોર લેનનો એલિવેટેડ રોડ છે. હાલ બીકેસીથી વાકોલા, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને વાકોલાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી બીકેસી પહોંચવા માટે ૨૦થી ૨૫ મિનિટનો સમય લાગે છે. એલિવેટેડ સેવામાં દાખલ થયા બાદ આ અંતર માત્ર ૧૦ મિનિટમાં પાર કરી શકાશે.

સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડનું કામ પૂર્ણ
વાકોલા-બીકેસી એલિવેટેડ સેવામાં દાખલ થવાની સાથે જ સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પ્રોજેક્ટનું ૧૧ કિલોમીટર રોડનું નેટવર્ક પૂર્ણ થશે. જુદા જુદા તબક્કામાં વિકસાવવામાં આવેલા સ્વતંત્ર ભાગને એક કરીને લગભગ ૧૧ કિલોમીટરનો લંબાઈનો આ રોડ અખંડ, સિગ્નલ ફ્રી, ટ્રાફિક્ મુક્ત, પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારો  કનેકટર બની જશે. સાથે જ તે મુંબઈના નિવાસી, વ્યવસાયિક અને આર્થિક કેન્દ્રને જોડશે. આ લિંક રોડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બીકેસી અને સાંતાક્રુઝ, વાકોલા, કલિના, કુર્લા અને ચેમ્બુરને જોડે છે.