Sat Apr 25 2026

Logo

ભારતને નરક ગણાવ્યા બાદ ટ્રમ્પે ફેરવી તોળ્યું, પીએમ મોદીને લઈ કહી આ વાત

1 day ago
Author: MayurKumar Patel
Article Image

 

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત તેમના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે આપેલા નરકના નિવેદનથી ભારતમાં વિવાદ થયો છે. ટ્રમ્પે ભારત, ચીન સહિત કેટલાક અન્ય દેશોને હેલહોલ (નરક) ગણાવ્યા હતા. ટ્ર્મ્પના નિવેદનનો ભારતે વિરોધ દર્શાવ્યો હતો. 

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, આ પ્રકારની વાતો ન તો યોગ્ય છે અને તે ભારત-અમેરિકાના સંબંધોની અસલી તસવીર નથી. આ નિવેદન પૂરી માહિતી વગર આપવામાં આવ્યું છે અને તેમાં સમજદારી ઓછી જોવા મળે છે.

વિવાદ વકરતાં ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી. નવી દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસે નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતને એક મહાન દેશ ગણાવ્યો છે. દૂતાવાસના પ્રવક્તા અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, ભારત એક શાનદાર દેશ છે અને તેમની સાથે સારા સંબંધ છે.

નરક વાળા નિવેદનનો મામલો એક કન્ઝર્વેટિવ પોલિટિકલ ટૉક શોના ટ્રાન્સક્રિપ્ટ સાથે જોડાયેલો છે, જેને ટ્રમ્પે પોતે શેર કર્યો હતો. અમેરિકન રેડિયો હોસ્ટ માઈકલ સેવેજના શોમાં અમેરિકાની જન્મથી નાગરિકતા આપવાની નીતિ પર ચર્ચા થઈ રહી હતી. આ નીતિ હેઠળ, અમેરિકામાં જન્મેલી લગભગ દરેક વ્યક્તિ આપોઆપ નાગરિક બની જાય છે, પછી ભલે તેના માતા-પિતા ગમે તે દેશના હોય. આ ચર્ચા દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક લોકો બીજા દેશોથી ગર્ભાવસ્થાના છેલ્લા સમયમાં અમેરિકા આવે છે, જેથી તેમના બાળકને ત્યાંની નાગરિકતા મળી શકે. આ સંદર્ભમાં ભારત અને ચીન માટે 'હેલહોલ' (નરક સમાન જગ્યા) શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિવાદ સર્જાયો હતો.

ટ્રમ્પના નિવેદન ભારત ભારતના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે, આ  ભારતનું અપમાન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દો અમેરિકા સામે ઉઠાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ આ નિવેદનની આલોચના કરી હતી. તેમણે કહ્યું, ટ્રમ્પને ભારત માટે આવા શબ્દ પ્રયોગ કરવાનો કઈ અધિકાર નથી અને આ દરેક ભારતીયનું અપમાન છે.