Wed Apr 22 2026

Logo

દિલ્હી-યુપીમાં લૂનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

1 day ago
Author: MayurKumar Patel
Article Image

AI Image


અમદાવાદ/નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઘણા શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગે ભીષણ ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગ મુજબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 25 એપ્રિલ સુધી લૂ નું એલર્ટ છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ થઈ શકે છે. વલસાડ અને દમણમાં પણ વરસાદની શક્યતાઓ છે. દાદરા અને નગર હવેલીમાં પણ માવઠું થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. 

હવામાન વિભાગે અમદાવાદમાં  27મી એપ્રિલ સોમવાર સુધી પારો 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.  26મી એપ્રિલ રવિવારે મતદાન યોજાનાર છે ત્યારે અમદાવાદ શહેરમાં ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં સેટેલાઈટ ડેટા અને AI ટેકનોલોજી દ્વારા શહેરના 76 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે.આગામી એક સપ્તાહ દરમિયાન બપોરે 12 થી 5 દરમિયાન સાવચેત રહેવા મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે.

દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન

તમિલનાડુ, પુડ્ડુચેરી, કરાઈકલમાં 22 એપ્રિલ સુધી, કેરળ, તટીય આંધ્રપ્રદેશમાં 24 એપ્રિલ સુધી, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલે લૂ ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત હરિયણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભમાં 21 એપ્રિલે રાત્રી પણ ગરમ રહેવાની શક્યતા છે. 

આઈએમડીએ જણાવ્યું કે, દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાં સોમવારે મધ્યમથી તીવ્ર પવન ફૂંકાઈ શકે છે. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં કેટલાક સ્થળો પર આગામી 24 કલાકમાં કરા પડી શકે છે.