સોમનાથ મંદિરના સાનિધ્યમાં ઉજવાઈ રહેલા 'સોમનાથ અમૃત મહોત્સવ' એ ફરી એકવાર ભારતની આસ્થાના આ અજેય પ્રતીકના ઈતિહાસને જીવંત કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે 11 પવિત્ર તીર્થોના જળથી મંદિરના શિખરનો કુંભાભિષેક કર્યો, ત્યારે આખું વિશ્વ સોમનાથની ભવ્યતા અને તેના સંઘર્ષમય ઈતિહાસને નિહાળી રહ્યું હતું. પરંતુ શું તમને ખબર છે કે 1000 વર્ષ પહેલાં લૂંટાયેલા 6 ટન સોનાની આજે શું કિંમત હશે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ...
વાત કરીએ સોમનાથ મંદિર અને તેના પર થયેલાં 17 હુમલાના ઈતિહાસની તો ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. આ મંદિર તેની સમૃદ્ધિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું, જે તેને વિદેશી આક્રમણકારોનું મુખ્ય લક્ષ્ય બનાવતું હતું.
ઈતિહાસકારોના મતે, સોમનાથ પર 1 કે 2 વાર નહીં પણ 17 વાર હુમલા થયા અને દર વખતે મંદિરને લૂંટીને તોડવાનો પ્રયાસ થયો. સૌથી ભયાનક આક્રમણ સન 1026માં તુર્કી શાસક મહમૂદ ગઝનવીએ કર્યું હતું. તેણે જ્યોતિર્લિંગનો વિનાશ કર્યો અને મંદિરના ખજાનાને પાયમાલ કરી દીધો.
ઈતિહાસકારો દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર એ સમયે ગઝનવી પોતાની સાથે લાખો સોનાના દીનાર અને અઢળક સંપત્તિ લઈ ગયો હતો. જો માત્ર મંદિરના ખજાનામાંથી લૂંટાયેલા 6 ટન એટલે કે 6000 કિલોગ્રામ સોનાની કિંમતની વાત કરીએ, તો આજના ભાવે તેનું મૂલ્ય કોઈને પણ ચોંકાવી શકે છે.
2026માં સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત દોઢલ લાખ રૂપિયાને પાર કરી ગઈ છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એ સમયે સોમનાથ મંદિરમાંથી લૂંટવામાં આવેલા 6 ટન સોનાની આજની માર્કેટ વેલ્યુ અંદાજે 9000 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. જોકે, આ તો માત્ર સોનાની કિંમત છે. આ સિવાય લૂંટવામાં આવેલા હીરા, ઝવેરાત અને અમૂલ્ય રત્નોની લૂંટ ગણીએ તો આ આંકડો અબજો ડોલર સુધી પહોંચી શકે છે.
ગઝનવીએ લૂંટેલું સોનું ભલે આજે હજારો કરોડનું હોય, પણ સોમનાથની ખરી સંપત્તિ તો ભક્તોની અતૂટ શ્રદ્ધા છે. 17-17 વખત લૂંટાયા બાદ આજે પણ સોમનાથ મંદિર સોનાના શિખર સાથે ઝળહળી રહ્યું છે, જે સાબિત કરે છે કે આસ્થાને ક્યારેય લૂંટી શકાતી નથી.