Wed Apr 29 2026

Logo

રવિન્દ્ર જાડેજાની બહેનને રાજકોટમાં ક્યા પક્ષે આપી ટિકિટ ? ગાયત્રીબા સહિત 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ

3 weeks ago
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ દરેક પક્ષ દ્વારા ઉમેદવારો શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કેટલીક જગ્યાએ ઉમેદવારો જાહેર પણ કરી દીધા છે. આ દરમિયાન રાજકોટમાં ભારતના જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ ઉપરાંત ગાયત્રીબા સહિત 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.

કોને કોને ટેલિફોનિક જાણ કરાઈ

રાજકોટમાં કોંગ્રેસે જૂના જોગીઓ પર દાવ લગાવવાનો નિર્ણય કર્યો છે. 20 જેટલા ઉમેદવારોને ફોન કરીને જાણ કરવામાં આવી છે. જેમાં નયનાબા જાડેજા, ગાયત્રીબા, વશરામ સાગઠીયા, અતુલ રાજાણી, કેતન તાળા, જાગૃતિ ડાંગર, સંજય અજુડિયા, રમેશ જુંજા, ઠાકરશી ગજેરા, કમલેશ કોઠીવાલા, નિલેશ મારુ, મકબૂલ દાવદાણી, રણજીત મુંઘવા, શૈલેષ સાકરીયા, રાખોલિયા ભગત, રાજુ ચાવડીયા, ગીરીશ ઘરસણિયા, સુરેશ ગેરૈયા, રસિક ભટ્ટનો સમાવેશ થાય છે.

રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાયા

ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષપલ્ટુની પણ મોસમ શરૂ થઇ ચૂકી છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપના સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર, તેમના પતિ અને સમર્થકોને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં વિધિવત રીતે જોડવામાં આવ્યા હતા. જેની ઠુંમરે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે પોતાના બે મહિલા કોર્પોરેટરો દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને વર્ષ 2024માં સસ્પેન્ડ કર્યા હતા.  

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નામાંકન 6 એપ્રિલથી શરૂ થશે. 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન થશે. 28 એપ્રિલે પરિણામો જાહેર થશે.

ઉમેદવારોની ખર્ચ મર્યાદા વધી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે. વર્ષ 2021ના જૂના ઠરાવમાં સુધારો કરીને મોંઘવારી અને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આ મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો.નવા નિયમો મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ઉમેદવાર 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે, જે અગાઉ માત્ર 6 લાખ રૂપિયા હતો. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા વધારીને રૂ. 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.