Wed Apr 29 2026

Logo

અમેરિકાના નાગરિકોને છેતરનારા કૉલ સેન્ટરનો પર્દાફાશ: સુરતના યુવાન સહિત પાંચ પકડાયા...

2 months ago
Author: Yogesh C Patel
Article Image

ગિફ્ટ કાર્ડ્સને યુએસડીટીમાં ક્ધવર્ટ કર્યા પછી આરોપી હવાલાથી રકમ સ્વીકારતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ડિવાઈસમાં વાઈરસ હોવાનું તેમ જ ડિવાઈસ હૅક કરાયાનું જુઠ્ઠાણું ચલાવી અમેરિકન નાગરિકોને છેતરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પાલઘર પોલીસે સુરતના યુવાન સહિત પાંચની ધરપકડ કરી હતી. અમેરિકન નાગરિકો પાસેથી પડાવેલાં ગિફ્ટ કાર્ડ્સની રકમ આરોપીઓ હવાલા મારફત સ્વીકારતા હતા.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સાગર બલદેવ પાઠડિયા (29), ભરત લોકુ લાલવાણી (35), રોહિત રાજેન્દ્ર નિંબાળકર (29), રોહિત મિલિંદ ઝોરે (23) અને અમરદીપ અંગ્રેજ ગિલ (24) તરીકે થઈ હતી. આરોપી સાગર પાઠડિયા ગુજરાતના સુરત શહેરમાં કામરેજ પરિસરમાં રહેતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોર્ટે પાંચેય આરોપીને 28 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

પાલઘરના માહિમ પરિસરમાં આવેલી રહેણાક ઈમારતમાં વિદેશી નાગરિકોને છેતરી રૂપિયા પડાવનારું બૉગસ કૉલ સેન્ટર કાર્યાન્વિત હોવાની માહિતી પાલઘર પોલીસને મળી હતી. માહિતીને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર પ્રદીપ પાટીલની ટીમે સોમવારની રાતે 12 વાગ્યાની આસપાસ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા ફ્લૅટમાં રેઈડ કરી હતી. પોલીસે કૉલ સેન્ટરમાંથી પાંચેય આરોપીની ધરપકડ કરી ચાર લૅપટોપ, 12 મોબાઈલ ફોન, રાઉટર, ડોંગલ જપ્ત કર્યાં હતાં.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ અમેરિકન નાગરિકોના મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો પ્રાપ્ત કરતા હતા. પછી માઈક્રોસોફ્ટ અથવા ઍપલ કંપનીના પ્રતિનિધિના સ્વાંગમાં અમેરિકનોને કૉલ કરતા. તેમના ડિવાઈસમાં વાઈરસ હોવાથી તેનો હલ લાવવાની વાત કરતા. પછી ડિવાઈસ હૅક થઈ ગયો હોવાનું જુઠ્ઠાણું ચલાવતા. આ પ્રોબ્લેમ સૉલ્વ કરવાને બહાને તેમની પાસેથી વિવિધ ગિફ્ટ કાર્ડ્સ પેટે નાણાં પડાવતાં.

પોલીસના જણાવ્યા મુજબ દરેક અમેરિકન પાસેથી 500થી 4000 અમેરિકન ડૉલરનાં ગિફ્ટ કાર્ડ મેળવતાં. પછી એ કાર્ડની રકમ યુએસડીટીમાં ક્ધવર્ટ કરીને હવાલાથી રોકડ સ્વીકારતા હતા. આરોપીઓ વિરુદ્ધ પાલઘર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.