Tue May 26 2026

Logo

વીમાના કમિશનનો દાવો કરવા બોગસ દસ્તાવેજો બનાવ્યા: ડોક્ટર સહિત પાંચ સામે ગુનો નોંધાયો

4 weeks ago
Author: Yogesh D Patel
Article Image

પાલઘર: પાલઘર જિલ્લામાં વીમાના કમિશનનો દાવો કરવા માટે વિવિધ હોસ્પિટલના નામે બોગસ દસ્તાવેજો તૈયાર કરવા બદલ ડૉક્ટર તથા અન્ય ચાર જણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, એમ  પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં ગેરકાયદે સોનોગ્રાફી અને ગર્ભપાત કેન્દ્રોનું નિરીક્ષણ કરવાના નિદેર્શો બાદ વસઇ-વિરાર પાલિકાના મેડિકલ ઓફિસરની આગેવાની હેઠળની ટીમે 24 એપ્રિલે નાલાસોપારામાં સાઇ કમ્પાઉન્ડ ખાતે આવેલી હોસ્પિટલમાં રેઇડ પાડી હતી. ટીમ હોસ્પિટલમાં પહોંચી ત્યારે ત્યાંના સ્ટાફે શરૂઆતમાં ઉડાઉ જવાબ આપ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હોસ્પિટલ બંધ છે. જોકે પરિસરમાં તપાસ કરવામાં આવતાં 70થી 80 બોગસ લેટરહેડ્સ અને અન્ય વિવિધ હોસ્પિટલના ઇન-પેશન્ટ ડિપાર્ટમેન્ટના બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા, એમ આચોલે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

ત્યાંના ડોક્ટરે કબૂલ્યું હતું કે વીમાના કમિશનનો દાવો કરવા માટે વિવિધ હોસ્પિટલના નામે બોગસ ફાઇલો બનાવવામાં આવી હતી. 

પોલીસે જણાવ્યું હતું કે પાલિકાની ટીમની પૂછપરછ દરમિયાન આરોપી સોનોગ્રાફી રિપોર્ટસ સહિત કેટલાક દસ્તાવેજો લઇને ભાગી છૂટ્યો હતો. પોલીસે બાદમાં હોસ્પિટલમાંથી કમ્પ્યુટર, પ્રિન્ટર્સ અટેન્ડન્સ રજિસ્ટર્સ તથા બોગસ ફોર્મ જપ્ત કર્યા હતા. 

પોલીસે આ પ્રકરણે ડોક્ટર, બે પુરુષ અને બે મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)