Tue May 26 2026

Logo

ઑનલાઈન કટ્ટરવાદી મોડ્યુલ: કાંદિવલીના સગીર સહિત બે એટીએસના રડાર પર

1 month ago
Author: Yogesh C Patel
Article Image

 

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુવાનોને ઑનલાઈન કટ્ટરવાદી બનાવતા મોડ્યુલનો પર્દાફાશ કરનારી દિલ્હી પોલીસે મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ની મદદથી મુંબઈ-થાણેમાંથી બે આરોપીની ધરપકડ કર્યા પછી હવે એટીએસના રડાર પર કાંદિવલીના સગીર સહિત બે શકમંદ હોવાનો ખુલાસો થયો છે. બન્નેના ઘરે એટીએસે સર્ચ હાથ ધરી વધુ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

એટીએસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ઑનલાઈન કટ્ટરવાદી મોડ્યુલના કેસની તપાસમાં બે શકમંદનાં નામ સામે આવ્યાં હતાં. કાંદિવલીમાં રહેતા 15 વર્ષના સગીર અને થાણેમાં રહેતા યાસીર મુસ્લિમ ખાન (27)નો શકમંદોમાં સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ખાન ફાઈનાન્સ ગ્રૂપ સાથે સંકળાયેલો હોવાથી એટીએસ તેના આર્થિક વ્યવહાર પર પણ નજર રાખી રહી છે. કાંદિવલીનો સગીર હજુ વિદ્યાર્થી હોવા છતાં કટ્ટરવાદી પ્રવૃત્તિ સાથે કઈ રીતે સંડોવાયેલો છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

માહિતીને આધારે એટીએસની ટીમે બન્નેના ઘરે સર્ચ હાથ ધરી હતી. જોકે તેમના ઘરમાંથી કોઈ મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા ન હોવાનું કહેવાય છે. તેમ છતાં બન્નેને નોટિસ આપી દિલ્હીની સ્પેશિયલ સેલ સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.

ઓડિસાથી ઑપરેટ કરાતા આ મોડ્યુલ સાથે કથિત રીતે સંડોવાયેલા શકમંદોની માહિતીને આધારે દિલ્હી પોલીસ પાંચેક દિવસ પહેલાં મુંબઈ આવી હતી. મહારાષ્ટ્ર એટીએસની મદદથી શુક્રવારના મળસકે ચાર અલગ અલગ સ્થળે એકસાથે રેઇડ કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન બે જણને તાબામાં લેવાયા હતા.

પ્રાથમિક પૂછપરછ પછી કુર્લાથી તાબામાં લેવાયેલા મોહમ્મદ હમ્માદ સલાઉદ્દીન મેહમૂદઅલી સિદ્દીકી (18) અને થાણેથી તાબામાં લેવાયેલા મોસીબ અહમદ ઈફ્તિકાર અહમદ ઉર્ફે કમાલ ઉર્ફે સોનુ (33)ની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલો સિદ્દીકી કૉલેજ સ્ટુડન્ટ છે તો સોનુ ઑટો ઈલેક્ટ્રિક મિકેનિક છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બન્નેને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાયા હતા. દિલ્હી પોલીસે તેમની વિરુદ્ધ ગુનાહિત કાવતરાનો ગુનો નોંધ્યો હતો.