નવી દિલ્હી/પટણાઃ બિહારની રાજનીતિમાં કદાવર નેતા તરીકે જાણીતા નીતીશકુમારે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લઈ લીધી છે. શપથ લીધા બાદ એક દિવસના દિલ્હી રોકાણ બાદ તેઓ ફરી પટણા પરત ફરવાના છે.નીતીશકુમારના રાજકીય કેરિયરનો આ સૌથી મોટો અને મહત્ત્વનો બદલાવ છે. રાજ્યના રાજકારણમાં રહ્યા બાદ હવે તેઓ કેન્દ્રીય રાજનીતિના ખેલાડી બનવા જઈ રહ્યા છે. JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ચોથીવાર કામ કરશે.
મુખ્યમંત્રી પદેથી રાજીનામું ક્યારે?
બિહારમાં હવે નવા મુખ્યમંત્રી કોણ? આ મુદ્દો જોરશોરથી ચર્ચામાં છે. બિહારની તમામ રાજકીય પાર્ટીઓ મુખ્યમંત્રીના ચહેરા માટે અનેક રીતે પ્રયાસ કરી રહી છે. આ માહોલ વચ્ચે સૌથી વધારે મજબૂત જેડીયુ અને ભાજપાનું પાસું છે. ચર્ચા એ પણ છે કે, હવે નીતીશકુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું ક્યારે આપશે? સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 13 અથવા 14 એપ્રિલના રોજ તેઓ આ પગલું ભરી શકે છે. 13 એપ્રિલના રોજ કેબિનેટની અંતિમ બેઠક થશે એ પછી રાજ્યપાલને રાજીનામું અપાઈ શકે.
નવા નેતાની નિયુક્તિ થશે
14 એપ્રિલના રોજ એનડીએના ધારાસભ્યોની એક બેઠકનું આયોજન થઈ શકે છે, જેમાં નવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે એમ છે. જેડીયુના મંત્રી શ્રવણકુમારે કહ્યું હતુ કે, જ્યારે નીતીશકુમાર મુખ્યમંત્રી તરીકે રાજીનામું નથી આપતા ત્યાં સુધી અટકળ પર કોઈ રીતે પૂર્ણવિરામ નહીં મૂકાય. અંતિમ નિર્ણય તો ગઠબંધનના મોટાકદના નેતાઓ લઈ શકે છે. આના પરથી એટલી વાત નક્કી થઈ કે, હજું સુધી કોઈ નામ નક્કી નથી. સસ્પેંસ યથાવત છે. હવે મોટાભાગના બિહારના નાગરિકોની નજર દિલ્હીની રાજકીય હિલચાલ અને બિહારના પટણા પર છે.

ભાજપ સૌથી મોટી પાર્ટી
એનડીએ પાસે બિહારમાં બહુમત છે. ભાજપ સૌથી મોટી રાજકીય પાર્ટી છે. એટલે બની શકે છે કે, બિહારમાં ભાજપ પોતાના કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે જવાબદારી આપી શકે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, એનડીએની બેઠકમા નવા નેતાની નિયુક્તિ થઈ શકે પણ જો ખરેખર બિહારની રાજકીય પાર્ટીમાંથી કોઈ ચહેરો આવશે તો ફરીવાર સમીકરણ ફરી જશે. એકવાત તો નક્કી છે કે, જ્યારે પણ નીતીશકુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે તો એક નીતીશકુમાર યુગનો અંત થશે. 20 વર્ષ સુધી બિહારમાં એક વિચારધારા સાથે શાસન કર્યા બાદ હવે કેન્દ્રીય નેતૃત્વની ટીમમાં જોડાઈ રહ્યા છે.

નીતીન નબીનની અધ્યક્ષતામાં મોટો નિર્ણય
ભારતીય જનતા પાર્ટીની કોર ગ્રૂપની મિટિંગ 10 એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીન નબીનની અધ્યક્ષતામાં યોજાશે. દિલ્હીમાં આ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બિહારમાં નવા મુખ્યમંત્રી કોણ એની ચર્ચા-વિચારણા થઈ શકે છે. પટણામાં આવેલા ભાજપના કાર્યાલય પાસે પછી સમ્રાટ ચૌધરીના નામના પોસ્ટર પણ લાગ્યા હતા જેને પછીથી દૂર કરી દેવામાં આવ્યા હતા. સમ્રાટ ચૌધરીનું નામ મુખ્યમંત્રીની રેસમાં છે. તેઓ એક ઓબીસી નેતા છે અને RJDમાંથી રાજકીય કરિયર શરૂ કરી ચૂક્યા છે. વર્ષ 2017માં ભાજપમાં આવ્યા બાદ વર્ષ 2024માં બિહારમાં ડે.સીએમ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.
જાતિનું સમીકરણ પણ અસર કરશે
વિજયકુમાર સિન્હાનું નામ પણ આ યાદીમાં છે. વિજયકુમાર પાંચ વખત ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ સાથે જોડાયેલા છે.લખીસરાયથી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે રહ્યા બાદ એમની પકડ સારી એવી છે. જાતિ સમીકરણના દ્રષ્ટિએથી જોવામાં આવે તો તેઓ એક સારો વિકલ્પ છે. પણ તેઓ આ પહેલા પણ કહી ચૂક્યા છે કે, હું કોઈ મુખ્યમંત્રીની રેસમાં નથી. સતત નામ ચર્ચામાં રહેતું હોવાને કારણે પટણાથી લખીસરાય સુધીમાં ઘણાય લોકો એમને સારા નેતા તરીકે જુએ છે. જ્યારે દીલીપ જયસ્વાલ ભાજપના કોષાધ્યક્ષ રહી ચૂક્યા છે. 20 વર્ષ સુધી ભાજપમાં જવાબદારી અદા કર્યા બાદ હવે મોટી જવાબદારી સાથે પાવરમાં આવે એવી શક્યતાઓ છે.
આ નામ પણ ચર્ચામાં
દીલીપ જયસ્વાલ સિક્કમ ભાજપના ઈન્ચાર્જ તરીકે રહી ચૂક્યા છે. હાલમાં તેઓ બિહારમાં ઈન્ડસ્ટ્રી અને માર્ગ નિર્માણ મંત્રી તરીકે કામ કરે છે. ચર્ચામાં રહેવા પાછળનું એક કારણ એ પણ છે કે તેઓ ભાજપના છે, પાર્ટી સાથે સંગઠન અને અનુભવ બન્ને ધરાવે છે. હવે ભાજપ પોતાના જ જાણીતા ચહેરા વચ્ચેથી કોઈ નવો જ ચહેરો લાવે તો એ ખરેખર સરપ્રાઈઝ રહેશે. આ સિવાય નિત્યાનંદ રાયનું નામ પણ મુખ્યમંત્રી તરીકેની રેસમાં રહ્યું હતું. પણ ઓબીસી સમીકરણને બેલેન્સ કરવા તેઓ નિર્ણાયક ભૂમિકા અદા કરી શકે. પાર્ટીના જ સૂત્રો કહે છે હજું નામ નક્કી નથી એટલે કોઈ એક વ્યક્તિને લઈને દાવો કરી શકાય એમ નથી.
મંગલ પાંડે પર નજર
ભાજપના પ્રાથમિક સભ્યથી શરૂ થયેલી મંગલ પાંડેની સફર મુખ્યમંત્રી સુધીની રહી શકે. બેઠકમાં જો મંગલ પાંડેનું નામ ફાઈનલ થાય છે તો અપેક્ષિત પરિણામ આવી શકે. તેઓ સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે અને સંગઠન સાથે કામ કરવાનો બહોળો અનુભવ પણ ધરાવે છે. મંત્રાલયમાં પણ એમના કાર્યો વિશે સૌ કોઈ જાણે છે. આ સિવાય તેઓ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. મુખ્યમંત્રી તરીકે કોણ એ ચર્ચા શરૂ થઈ એ સમયે આ નામ સૌથી આગળ હતું પણ હાલમાં બદલાતા સમીકરણ અંગે કંઈ ખાસ કહી શકાય એમ નથી.